જામનગરમાં શનિવાર તથા રવિવારના દિવસોએ પોલીસે જાહેરનામાનો ભંગ કરતા ૨૦ નાગરિકો સામે કાયદાકીય કાર્યવાહી કરી છે. જેમાં ૧૦ વેપારીઓ દંડાયા છે. બેકરી, રેસ્ટોરન્ટ, હોટલ, ચા-પાનની કેટલીક દુકાનો સમયમર્યાનો ભંગ કરી ચાલુ રાખવામાં આવતા પોલીસે કાર્યવાહી કરી હતી.
જામનગરમાં લોકડાઉન ૫માં અનલોક આપવામાં આવ્યું છે. જેમાં વેપારીઓને સવારના ૮ થી સાંજના ૭ સુધી પોતાના વ્યવસાય ચાલુ રાખવા અને નાગરિકોને રાત્રીના નવ વાગ્યા સુધી જ બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવી છે તેમ છતાં વેપારીઓ-નાગરિકો કાયદાનો ભંગ કરતા હોય પોલીસે કાર્યવાહી યથાવત રાખી છે જેમાં ગઈકાલે રાત્રે જોગર્સ પાર્ક વિસ્તારમાં રાજલક્ષ્મી બેકરી ખુલી જોવા મળતા ત્યાં પહોંચેલી પોલીસે તે દુકાનના કર્મચારી પારસ લલીતભાઈ તખ્તાણી સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે. જ્યારે દિગ્જામ સર્કલ પાસ વીર રેસ્ટોરન્ટ પણ મોડે સુધી ખુલ્લુ જોવા મળતા તેના કર્મચારી ગૌરવ ડીલેભાઈ નેપાળી સામે કાર્યવાહી કરાઈ છે.
દિગ્વિજય પ્લોટમાં વિજય એજન્સી નામની દુકાન ચલાવતા વિજય જેન્તિભાઈ ગોરી, નુરી ચોકડી પાસે લક્કી હોટલવાળા જાવીદ અસલમ જુણેજા, પાનની દુકાન ચલાવતા ભરત ડાહ્યાલાલ ખારવા, રાજ ભરતભાઈ ખારવા, શંકરટેકરીમાં કલ્પેશસિંહ નાનુભા વાળા, દિ. પ્લોટ ૪૫માં સંજયભાઈ વસંતભાઈ ભદ્રા, નિલેશભાઈ શામજીભાઈ મુંજાલ નામના વેપારીએ પોતાની મોર્ડન પાન નામની દુકાન મોડે સુધી ખુલ્લી રાખી હતી. કિશાનચોક વાળા બકુલ અમૃતલાલ નંદા, દિ. પ્લોટ ૩૨વાળા પ્રવિણભાઈ કાન્તિલાલ કનખરાએ પણ કાયદાનો ભંગ કરી દુકાનો સમયમર્યાદા પૂર્ણ થયા પછી પણ ચાલુ રાખી હતી. પડાણાના પાટીયે પાંચાભાઈ પેાભાઈ રબારી, ગોવાણાના દિલીપભાઈ કાનાભાઈ રબારીએ પણ સમયમર્યાદાનો ભંગ કર્યો હતો. તે ઉપરાંત રાત્રે નવ વાગ્યા પછી કામ વગર બહાર નીકળવા સામે જાહેરનામું હોવા છતાં શનિવારે રાત્રે બે વાગ્યે આંટા મારતા રવિ કીર્તિભાઈ પરમાર, અજયસિંહ રઘુવીરસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજાને પોલીસે અટકાયતમાં લીધા હતાં અને હિમાલય સોસાયટીવાળા વિજયસિંહ ચંદુભા ચુડાસમા, ધુંવાવવાળા પ્રફુલ જેન્તિભાઈ ચૌહાણ, હસમુખ ભીખાભાઈ પરમાર, હાપાની વેલના સોસાયટીવાળા મનિષ ભરતભાઈ કોળી, જીતેન્દ્ર દીલસુખભાઈ કોળી સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી.