હાર્ટ એટેક આવ્યા બાદ હાલત વધુ ગંભીર થતા સોમનાથ ચેટર્જીને કોલકતાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા
છેલ્લા ઘણા સમયથી કીડનીની બિમારીથી પીડાઈ રહેલા ચેટર્જીએ ૮૯ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
દસ વખતના સાંસદ અને લોકસભાના પૂર્વ સ્પીકર એવા સોમનાથ ચેટર્જીનું ૮૯ વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી કિડનીની બિમારીથી પીડાય રહ્યા હતા. હાર્ટ એટેક આવ્યા બાદ સોમનાથ ચેટર્જીને મંગળવારના રોજ કોલકતાની એક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જયાં તેઓએ અંતિમ શ્વાસ લીધા છે.
સોમનાથ ચેટર્જી કે જેઓ વેન્ટીલેટર પર હતા અને છેલ્લા ૪૦ દિવસથી સારવાર હેઠળ હતા. હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયાના હજુ ત્રણ દિવસ જ થયા હતા ત્યાં તેઓને હાર્ટ એટેક આવતા ફરી હોસ્પિટલે ખસેડાયા હતા. કિડનીની બીમારીથી તેઓનું લોહીનું ડાયાલીસીસ કરાતું પરંતુ સારવાર સફળ ન થતા અંતે સોમનાથ ચેટર્જીએ અંતિમ વિદાય લીધી છે.
સોમનાથ ચેટર્જી કોંગ્રેસની સરકારમાં વર્ષ ૨૦૦૪ થી ૨૦૦૯ સુધી લોકસભાના અધ્યક્ષ રહ્યા હતા. આ સાથે તેઓ ૧૦ વખત સાંસદ તરીકે પણ ચુંટાયા હતા. યુપીએ-૧ શાસનકાળમાં તેમની પાર્ટી સીપીએમઆઈ દ્વારા સરકારનું સમર્થન પાછુ લીધા બાદ તેઓને લોકસભા સ્પીકર પદ છોડવા કહેવાયું હતું.
પરંતુ સોમનાથ ચેટર્જીએ આમ કરવા મનાઈ ફરમાવી દીધી હતી. જેના કારણે તેઓને પાર્ટીમાંથી નિષ્કાસિત કરી દેવાયા હતા. ચેટર્જી સીપીઆઈએમના સદસ્ય રહી ચુકયા છે અને તેઓને પ્રકાશ કરાતના ક્રુર વિરોધીના રૂપમાં માનવામાં આવતા હતા.
સોમનાથ ચેટર્જીના નિધનથી પાર્ટીમાં અને સમર્થકોમાં શોકની લાગણી ફેલાઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સીએમ અરવિંદ કેજરીવાલ સહિતના રાજકીય નેતાઓએ સોમનાથ ચેટર્જીને શ્રદ્ધાસુમન પાઠવી તેમના પરીવારને સાંત્વના આપી હતી.