ધો.૧૦ પછીના ડિપ્લોમા ઈજનેરમાં પ્રવેશ માટે ચાલતી પ્રક્રિયામાં ૫૮૪૬૩ બેઠકો માટે પહેલા રાઉન્ડમાં મેરિટમાં સમાવાયેલા કુલ ૪૨૩૯૩ વિદ્યાર્થીઓ પૈકી ૩૨૪૧૭ વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી કરાઈ છે. એટલે કે પહેલા રાઉન્ડમાં જ ૨૬૦૪૬ બેઠકો ખાલી પડી છે. મેનેજમેન્ટ કવોટાની બેઠકો સાથે કુલ બેઠકો પ્રમાણે જોઇએ તો ખાલી બેઠકોનો આંકડો ૩૦ હજારને પાર કરે તેવી શકયતા છે. તા.૨૦મીએ પહેલા રાઉન્ડમાં ખાલી બેઠકોની યાદી જાહેર કરાશે.

ડિપ્લોમા ઇજનેરીની કુલ ૬૬૭૧૫ બેઠકો માટે કાર્યવાહી શરૂ કરાઈ હતી. જેમાં ૮૨૫૨ બેઠકો મેનેજમેન્ટ કવોટા અને ૫૮૪૬૩ બેઠકો સરકારી કવોટા પ્રમાણે ફાળવણી કરાતી હોય છે. મેનેજમેન્ટ કવોટાની બેઠકોની ફાળવણી જે તે સંચાલકો કરતાં હોવાથી પ્રવેશ સમિતિએ માત્ર ૫૮૪૬૩ બેઠકો માટે પ્રક્રિયા કરી હતી. કુલ ૪૨૩૯૩ વિદ્યાર્થીઓએ આપેલી ચોઇસના આધારે મેરિટ પ્રમાણે ૩૨૪૧૭ વિદ્યાર્થીઓને કોલેજ ફાળવાઈ હતી. ૧૦ હજાર વિદ્યાર્થીઓ એવા છે કે જેઓએ આપેલી ચોઇસ પ્રમાણે બેઠકો મળતી ન હોવાથી હવે રિશફલિંગમાં ફરીવાર ચોઇસ આપવાની રહેશે. આમ, પહેલા રાઉન્ડના અંતે ૨૬૦૪૬ બેઠકો ખાલી પડી હતી. જો કે, ચોઇસના કારણે હાલ બેઠકો મળી નથી તેવા વિદ્યાર્થીઓ રિશફલિંગમાં પ્રયાસ કરે તો ખાલી બેઠકોનો આંકડો ઘટી શકે તેમ છે. પહેલા રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને કોલેજ ફાળવાઈ તેમાં ઓપન કેટેગરીમાં ૧૪૮૪૮, એસ.સી. કેટેગરીમાં ૩૯૧૪, બક્ષીપંચમાં ૯૬૪૦ અને ડીફેન્સ કેટેગરીમાં ૫૩ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે. જયારે પ્રથમ રાઉન્ડમાં ટયૂશન ફી માફી યોજનામાં ૧૯૩૮ વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી કરાઈ છે. જે વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી કરાઈ છે તેઓએ તા.૧૭મી સુધી રવિવાર સિવાયના દિવસોમાં ટયૂશન ફીની રકમ રોકડમાં બેંકના નિર્ધારીત શાખામાં અથવા તો ઓનલાઇન જમા કરાવી એડમિશન સ્લીપની પ્રિન્ટ આઉટ મેળવી લેવાની રહેશે. જે ઉમેદવારોની શૂન્ય ફી દર્શાવી હોય તેઓએ બેંકમાં જવાની જરૂર નથી. ઉમેદવારોએ લોગઇન આઇ.ડી.થી પ્રવેશ ઓનલાઇન ક્ધફર્મ કરાવવાનો રહેશે. જે વિદ્યાર્થીઓને હાલમાં મળેલો પ્રવેશ અપગ્રેડ કરવા ઇચ્છતાં ન હોય તેઓએ રિશફલિંગમાં ભાગ લેવાની જરૂર નથી. વિદ્યાર્થીઓએ સંસ્થામાં ઓરિજનલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે નહીં. પ્રવેશ સમિતિ દ્વારા પ્રક્રિયા પૂર્ણ થયાની જાહેરાત ન કરાય ત્યાં સુધી કોઇપણ પ્રકારના હેડ હેઠળ ફી પણ ભરવાની રહેશે નહી.

પ્રવેશ સમિતિ દ્વારા રાજયની ૧૪૧ કોલેજોની ૫૮૪૬૩ બેઠકો માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ રાઉન્ડના અંતે સરકારી કોલેજોની ૨૩૪૦ બેઠકો ખાલી પડી છે. જયારે સ્વનિર્ભર કોલેજોની ૨૩૭૦૬ બેઠકો ખાલી પડી છે. આ ખાલી બેઠકોમાં મેનેજમેન્ટ કવોટાની બેઠકોનો સમાવેશ કરાયો નથી. ખાલી પડેલી બેઠકો માટે હવે વિદ્યાર્થીઓએ કટ ઓફ પ્રમાણે કોલેજોની પસંદગી કરીને ફરીવાર ચોઇસ આપવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.