ગુરૂવારથી મગફળીની નવી આવક સ્વીકારાશે લગ્નગાળો હોવાના કારણે તમામ જણસીની આવક ઘટી
હાલ લગ્નસરાની સીઝન પૂરબહારમાં ચાલી રહી હોવાના કારણે રાજકોટ માકેટીંગ યાર્ડમાં તમામ પ્રકારની જણસીની આવકમાં ઘટાડો નોંધાયો છે. હાલ મગફળીની આવક સ્વિકારવામાં આવતી નથી.
દરમિયાન ગુરૂવારથી મગફળીનો પણ એક દિવસ માટે સ્વીકાર કરવામાં આવશે.
રાજકોટ માકેટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોધરાના જણાવ્યાનુસાર ગઇકાલે સોમવારે યાર્ડમાં 33 હજાર મણ કપાસની આવક થવા પામી હતી. અને ભાવ 1700 થી 1780 રૂપિયા આસપાસ રહેવા પામ્યો હતો. દરમિયાન આજે એક જ દિવસમાં કપાસની આવકમાં 10 હજાર મણનો ઘટાડો થવા પામ્યો છે.
હાલ લગ્નસરાની સીઝન પુરબહારમાં ચાલી રહી હોવાના કારણે ખેડૂતો જણસી લઇને આવતા નથી. મગફળીની આવક પણ હાલ સ્વિકારવામાં આવતી નથી.
ગત સપ્તાહે જે મગફળી આવી હતી તેનો હાલ નિકાલ કરવામાં આવી રહ્યો છે જેનો એકાદ બે દિવસમાં નિકાલ થઇ જતાની સાથે જ ગુરૂવારથી મગફળીની આવક સ્વીકારવામાં આવશે બીજી તરફ યાર્ડમાં શાકભાજીની પણ પુષ્કર પ્રમાણમાં આવક થઇ રહી હોવાના કારણે ભાવ તળીયે છે