લોકસભાની ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીનો માસ્ટર સ્ટ્રોક
કાલે શિયાળુ સત્રના અંતિમ દિવસે મોદી સરકાર સંસદમાં બિલ રજુ કરશે
દેશમાં અનામતની ટકાવારી ૫૦ ટકાને પાર: કરોડો સવર્ણોને લાભ મળશે
લોકસભાની ચુંટણીને આડે ચાર મહિનાથી પણ ઓછો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે સવર્ણ મતદારોને ભાજપ તરફી આકર્ષવા માટે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ માસ્ટર સ્ટ્રોક ફટકાર્યો છે. દેશભરમાં આર્થિક રીતે પછાત એવા સવર્ણોને શિક્ષણ તથા સરકારી નોકરીમાં ૧૦ ટકા અનામતનો લાભ આપવાના નિર્ણયને કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મંજુરીની મહોર મારવામાં આવી છે. શિયાળુ સત્રના અંતિમ દિવસે એટલે કે કાલે મંગળવારે મોદી સરકાર આ બીલ સંસદમાં રજુ કરી પાસ કરાવવાનો પ્રયાસ કરશે. દેશમાં હવે અનામતની ટકાવારી ૫૦ ટકાને પાર થઈ જવા પામી છે. મોદી સરકારના આ નિર્ણયથી કરોડો સવર્ણોને લાભ મળશે.
દેશના અનેક રાજયોમાં અનામતની માંગણી સાથે અલગ-અલગ સમુદાયો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા ત્રણેક વર્ષથી પાટીદાર સમાજ દ્વારા અનામતની માંગણી સાથે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. લોકસભાની ચુંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે સવર્ણોને ભાજપ તરફ આકર્ષવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ માસ્ટર સ્ટ્રોક ફટકાર્યો છે. આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશમાં આર્થિક રીતે પછાત એવા સવર્ણોને શિક્ષણ તથા નોકરીમાં ૧૦ ટકા અનામતનો લાભ આપવાના નિર્ણયને મંજુરીની મહોર મારવામાં આવી છે. દેશમાં સવર્ણોની સંખ્યા ૧૨ થી લઈ ૧૪ ટકા સુધી છે. આ સાથે અનામતની ટકાવારી ૫૦ ટકાને પાર થઈ ગઈ છે. ઓબીસી, એસસી, એસટી સહિતના સમુદાયોને અપાતી અનામતની ટકાવારીમાં ઘટાડો કરાય તેવી શકયતા પણ નકારી શકાતી નથી.
આવતીકાલે શિયાળુ સત્રનો છેલ્લો દિવસ છે. આટલું જ નહીં ચાલુ લોકસભાના સત્રનો પણ અંતિમ દિવસ હોય ત્યારે મોદી સરકાર લોકસભામાં આર્થિક રીતે પછાત સવર્ણોને શિક્ષણ તથા નોકરીમાં ૧૦ ટકા અનામત આપવાના બીલને મંજુરી માટે રજુ કરવામાં આવશે. ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં કાયદાકીય કાર્યવાહી કરી બીલ રજુ કરી દેવામાં આવશે. વડાપ્રધાનના આ નિર્ણયને દેશભરમાંથી જબરો આવકાર મળી રહ્યો છે. લોકસભાની ચુંટણી પહેલા આર્થિક રીતે પછાત એવા સવર્ણોને ૧૦ ટકા અનામત આપવાના નિર્ણયથી ભાજપ તથા એનડીએને જબરો લાભ મળે તેવું મનાઈ રહ્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સવર્ણોને અનામત આપવાના કેન્દ્રના નિર્ણયને આવકાર્યો
દેશમાં આર્થિક રીતે પછાત એવા સવર્ણોને નોકરી અને શિક્ષણમાં ૧૦ ટકા અનામત આપવાના નિર્ણયને આજે કેન્દ્રીય કેબિનેટમાં બહાલી આપવામાં આવતા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આ નિર્ણયને આવકાર્યો હતો. ભાજપ શાસિત મોટાભાગના રાજયોના મુખ્યમંત્રીઓએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને હોંશભેર વધાવી લીધો છે.