નર્સિંગનો કોર્સ કર્યા બાદ ત્રણ વર્ષથી એલોપેથી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી તી
રાજકોટ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોના સ્વસ્થ્ય સાથે ચેડાં કરતા અનેક બોગસ તબીબોને અગાઉ પોલીસે પકડી પાડ્યા છે. ત્યારે આવા જ બનાવમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારના લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી 10 પાસ બોગસ મહિલા ડોક્ટરને પોલીસે પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કાલાવડ રોડ પર આવેલા વેજાગામે એક મહિલા ભાડાની ઓરડીમાં ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી હોવાની માહિતી મળતાં યુનિવર્સિટી પોલીસના પીએસઆઇ એ.બી.જાડેજા સહિતનો સ્ટાફ વેજાગામ દોડી ગયો હતો અને ગામના મહિપતસિંહ નામની વ્યક્તિના મકાનમાં બહારના ભાગે આવેલી ઓરડીમાં દરોડો પાડ્યો હતો. જે દરમિયાન ઓરડીમાં એક મહિલા જોવા મળી હતી. તેની પૂછપરછ કરતા તે ગંગોત્રી મેઇન રોડ, રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેતી જયા ભરતભાઇ વિરડા હોવાનું જણાવ્યું હતું.
બાદમાં પોલીસે તબીબ અંગેની ડિગ્રી માગતા તે ગલ્લાં તલ્લાં કરવા લાગી હતી. જેથી વિશેષ પૂછપરછમાં તે મહિલાએ તે માત્ર ધો.10 પાસ હોવાનું અને ઉપલેટા સ્વામિનારાયણ નર્સિંગ સ્કૂલમાં નર્સિંગનો કોર્સ કર્યો હોવાનું તેમજ તેને નર્સિંગનો 15 વર્ષનો અનુભવ હોવાથી તેને અહીં ક્લિનિક ખોલી નકલી તબીબ બની દર્દીઓને એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શન આપતી હોવાની કબૂલાત આપતા પોલીસે તેની અટકાયત કરી છે.
પોલીસે ક્લિનિકમાંથી વિવિધ દવાઓ વગેરે મળી કુલ રૂ.21 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે અને નકલી મહિલા ડોક્ટર બની દર્દીઓ પાસેથી રૂ.100 લેતી જયા વિરડા સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.