૩૦ જુલાઈ-૨૦૨૦નાં રોજ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝ માટે પાકિસ્તાનની ટીમ ૨૮ જુને ઈંગ્લેન્ડ જવા રવાના થવાની હતી પરંતુ પાકિસ્તાનનાં ખેલાડીઓનો રીપોર્ટ પોઝીટીવ આવતાની સાથે જ ઈંગ્લેન્ડ સામેની સીરીઝ ઘોંચમાં મુકાઈ ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ જણાવતા કહ્યું હતું કે, ટીમનાં ૭ ખેલાડીઓનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જેમાં સોમવારે ત્રણ ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં સીઈઓ વસીમ ખાને જણાવ્યું હતું કે, ભલે ટીમનાં ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત થયા હોય પરંતુ તેની કોઈપણ અસર ઈંગ્લેન્ડ પ્રવાસ પર નહીં થાય.
હાલ પાકિસ્તાનનાં ખેલાડી જેવા કે હૈદર અલી, હરીસ રઉફ, શાદાબ ખાન, વિસ્ફોટક બેટસમેન મોહમ્મદ હફીઝ, વહાબ રિયાઝ, ફખર જમાન, ઈમરાન ખાન, કાશિફ ભટ્ટી, મોહમ્મદ હસનૈન અને મોહમ્મદ રિઝવાનનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ૨૯ ખેલાડીઓનાં નામ જાહેર કર્યા છે જેમાં ૪ ખેલાડીઓને રીઝર્વ પણ રાખવામાં આવ્યા છે.
પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસમાં ઓગસ્ટ-સપ્ટેમ્બર માસ દરમિયાન ૩ ટેસ્ટ અને ૩ ટી-૨૦ સીરીઝ રમશે જેમાં પ્રથમ ટેસ્ટ ૩૦ જુલાઈનાં રોજ લોડર્સ ખાતે રમાશે જયારે ટી-૨૦ સીરીઝની શરૂ આત ૨૯ ઓગસ્ટથી શરૂ થશે. પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડ પહોંચી ૧૪ દિવસ કવોરન્ટાઈન રહેશે જોકે આ સમયગાળા દરમિયાન તેઓ પ્રેકટીસ પણ કરી શકશે.