દરિયાકિનારે ભારે પવન શરૂ, નવલખીમાં 80થી વધુની ઝડપે પવન ફૂંકાયો
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આજે કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. કચ્છમાં પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં અને કોલેજોમાં ત્રણ દિવસની રજા જાહેર કરાઈ છે. વાવાઝોડાની તિવ્રતાને જોતાં દ્વારકા, જામનગર અને કચ્છના તમામ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે.
વાવાઝોડું 15મીએ કચ્છમાં ત્રાટકશે: 6 જિલ્લામાં હાઈ એલર્ટ
બીપોરજોય વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. રાજ્યના 9 જેટલા પોર્ટ પર ચાર નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જ્યારે 11 પોર્ટ પર બે નંબરનું સિગ્નલ લગાવાયું છે. વાવાઝોડાને લઈને કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર અને દ્વારકાને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબંધિત મંત્રીઓને દરિયાકાંઠાના અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોંપી છે. વાવાઝોડાના રૌદ્ર રુપને જોતા જખૌ, પોરબંદર, ઓખા બંદર અને મોરબીના નવલખી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મુંદ્રા, માંડવી બંદર પર પણ નવ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
કચ્છ, જુનાગઢ, જામનગર અને દ્વારકા જિલ્લામાં સ્કૂલો અને કોલેજો બંધ રાખવા આદેશ
કચ્છમાં કોટેશ્વર મંદિર દરિયા નજીક હોવાથી બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. કચ્છના જખૌના કાંઠા વિસ્તારના ગામોને સ્થળાંતરની સૂચના અપાઈ છે. કચ્છના જખૌ બંદર પર 10 નંબરનું ભયજનક સિગ્નલ લાગવામાં આવ્યું છે. કચ્છના દરિયાકિનારાના વિસ્તારમાં કલમ 144 લગાવવામાં આવી છે. આ સાથે કચ્છ, જુનાગઢ, જામનગર અને દ્વારકા જિલ્લામાં સ્કૂલો અને કોલેજો બંધ રાખવા આદેશ અપાયા છે.
વાવાઝોડાએ એકનો ભોગ લીધો કમળાપુર પાસે દંપતીના બાઈક પર વૃક્ષ પડતા પત્નીનું મોત
વિછીયા: સૌરાષ્ટ્રભરમાં બિપરજોય વાવાઝોડાએ પોતાનું પ્રકોપ દેખાડી દીધું છે. ત્યારે આજરોજ વિછીયા પાસે આવેલા કમળાપુર ગામ નજીક વાવાઝોડાના કારણે વૃક્ષ ધરાશાઈ થઈ ત્યાંથી પસાર થતા દંપતીના બાઈક પર પડતાં પત્નીનું મોત નિપજ્યું હતું.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિછીયા તાલુકાના છાસિયા ગામે રહેતા વર્ષાબેન ભાવેશભાઈ બાવળિયા પોતાના પતિ સાથે બાઈક પર દહિસરા સાઢુભાઈના ઘરે જતા હતા ત્યારે કમળાપુર પાસે પહોંચતા વાવાઝોડામાં ફૂકાતા ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાઈ થઈ દંપતીના બાઈક પર પડ્યું હતું. જેમાં ગંભીર રીતે ઘવાયેલા વર્ષાબેન બાવળિયાનું મોત થતાં તંત્રમાં પણ દોડધામ મચી ગઇ હતી.
વડાપ્રધાન મોદીએ વાવાઝોડાને લઈને યોજી ઉચ્ચ સ્તરીય બેઠક
દેશના પશ્ચિમી તટ પર ‘બિપરજોય’ને કારણે સમુદ્રનાં મોજાં ઊંચા ઊછળી રહ્યાં છે. હવામાન વિભાગે અલર્ટ જારી કર્યું છે. કેરળથી લઈને ગુજરાતના દરિયાકિનારા પર અલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુજરાતની માથે મંડરાઈ રહેલા વાવાઝોડાના ખતરાને લઈને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક્શનમાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બપોરે 1 વાગ્યે મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ગુજરાત સરકારના અધિકારીઓ, ગુજરાતના જિલ્લા કલેક્ટરો, આઈએમડી અને એનડીઆરએફના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.