ડાયનાસોરને લઈને દેશના પૂર્વોત્તર ક્ષેત્રમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. મેઘાલયના પશ્ચિમ ખાસી હિલ્સ જિલ્લા નજીકના એક વિસ્તારમાંથી 10 કરોડ વર્ષ પહેલાનાં સોરોપોર્ડ ડાયનાસોર (Sauropod Dinosaurs)નાં અવશેષો મળી આવ્યા છે. ભારતના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (GSI)ના સંશોધકોને આ જગ્યાની મુલાકાત લીધા બાદ અવશેષો વિશે જાણ થઈ હતી.
GSIના સંશોધનકારોએ જણાવ્યા મુજબ, ‘મેઘાલય એ દેશનું પાંચમું રાજ્ય બન્યું છે, જ્યાંથી ડાયનાસોરના અવશેષો મળી આવ્યા છે. અગાઉ, અવશેષો અને ડાયનાસોર સંબંધિત વિવિધ પ્રકારની માહિતી ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને તામિલનાડુથી મળી આવી છે. વિશેષ બાબત એ છે કે મેઘાલય એ ડાયનોસોરના અવશેષો શોધવા માટે પૂર્વ દિશા તરફનું પ્રથમ રાજ્ય છે, જ્યાં ટાઈટેનોસોરીયન મૂળના સોરોપોર્ડ ડાયનાસોરના હાડકાં મળી આવ્યા છે.’
GSIના પેલેઓન્ટોલોજી વિભાગના વરિષ્ઠ ભૂસ્તરશાસ્ત્રી અરિંદમ રાયે જણાવ્યું હતું કે, ‘મેઘાલયમાં GSIને 2001માં ડાયનાસોરના હાડકાં પણ મળી આવ્યા હતા, પરંતુ તેમની સ્થિતિ એટલી ખરાબ હતી કે તેમના પરથી કોઈ માહિતી મેળવી મુશ્કેલ હતી. વર્ષ 2019-2020 અને 2020-21માં મળી આવ્યા હાડકા જે આશરે 100 મિલિયન વર્ષ જૂનો હોવાનો અંદાજ છે.’
ડાયનાસોર બાબતના અભ્યાસમાં એવું જાણવા મળ્યું કે, ‘અંદાજિત 42 અબજ ડાયનાસોરએ પૃથ્વી પર શાસન કર્યું હતું. વૈજ્ઞાનિકોના અધ્યયન મુજબ, આશરે 6.6 કરોડ વર્ષ પહેલા, ખુબ વિશાળ કદનું એસ્ટરોઇડ પૃથ્વી સાથે ટકરાયું હતું. આ ટક્કર એટલી ગંભીર હતી કે તેનાથી ડાયનાસોરની સાથે પૃથ્વી પરનું 75% જીવન લુપ્ત થઈ ગયું હતું.’