આ વખતે ૧૦૦ થી વધુ પાલ ભકિત: સિઘ્ધ આત્માઓની મોક્ષભૂમિમાં જૈનો-જૈનતરો નિર્જરા ઉપવાસ સાથે પુણ્યનું ભાથુ બાંધશે: તંત્ર દ્વારા તૈયારીઓની આખરી ઓપ
પર્વાધિરાજ પાલિતાણાની યાત્રાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દેશભરમાંથી જૈનોની સાથે જૈનતરોમાં પણ છ ગાઉની જાત્રાનું વિશેષ મહત્વ હોય અગાઉથી પાલિતાણા ખાતે તૈયારીઓ ચાલી રહી છે. ફાગણ સુદ ૧૩ની આ છ ગાઉની યાત્રા માટે ભાવિકોનો પ્રવાહ ઉમટશે.
જૈન સમાજમાં બાળકોથી વડીલો પણ આ યાત્રા કરી દાદા આદિનાથની ભકિતમાં ભાવવિભોર થાય છે. મહાતીર્થની યાત્રાને લઈ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. એસ.ટી.નિગમ અને રેલવે દ્વારા વધારાની બસ અને ટ્રેનો દોડાવાશે. પર્વાધિરાજ શંત્રુજય મહાતીર્થની ભૂમિના રજે-રજમાં તીર્થકરો, દેવો અને સાધુ-સંતોનો વાસ છે. આ યાત્રાનું જૈન સમાજમાં અદકેરુ મહત્વ છે.
છ ગાઉની જાત્રાને ઢેબરા તેરસ મેળો પણ કહેવાય છે. રાત્રે ૧૨ વાગ્યાથી ‘જય આદેશ્ર્વર’ દાદાના જય ઘોષ સાથે ભાવિકો છ ગાઉની જાત્રા શ‚ કરશે. આ યાત્રા પૂર્ણ કરતા બપોર થઈ જાય છે. યાત્રિકોની સેવા માટે પરંપરાગત રીતે પાલભકિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આશરે ૧૦૦થી વધુ પાલ છે. જેમાં જાત્રા કરનાર ભાવિકોની સેવા અને સાધાર્મિક ભકિત થાય છે. ૧૮ થી ૨૦ કિ.મી.ની યાત્રા કરવા લાખો ભાવિકો આવે છે. જેમાં મોટાભાગના ભાવિકો નિર્જરા જાત્રા કરી પૂણ્યનું ભાથુ બાંધે છે. આ પૂણ્યભૂમિ પર સિઘ્ધ આત્માઓને મોક્ષ મળ્યો છે. તેવી છ ગાઉની જાત્રા માટે ભાવિકોમાં અદકેરો ઉત્સાહ છે.