બે દિવસ લોક સાંસ્કૃતિક મેળો ભરાશે, નિજ મંદિરેથી ડી.જે.ના સથવારે દાદાની પાલખી યાત્રા નિકળશે
વાંકાનેર શહેરથી 10 કિ.મી. દુર આવેલ પુરાણ પ્રસિધ્ધ સ્વયંભુ જડેશ્ર્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્ર્વર દાદાનો પ્રાગ્ટયદીન ધામધૂમથી ઉજવાશે અને આ પ્રસંગે પરંપરાગત યોજાતો લોક સાંસ્કૃતિક મેળો પણ મંદિરના નીચેના ભાગે તળેટીમાં રવિ, સોમ બે દિવસ ભરાશે અને ભાવિકો મન ભરીને મજા માણશે.
વાંકાનેરથી 10 કિ.મી. દુર આવેલા ડુંગરાઓની હારમાળામાં એક ડુંગર જેનું નામ “રતન ટેકરી” તરીકે ઓળખાય છે. આ ટેકરી ઉપર સૌરાષ્ટ્ર-ગુજરાતનું પ્રસિધ્ધ યાત્રાધામ “શિવધામ” સ્વયંભૂ શ્રી જડેશ્ર્વર મહાદેવનું ભવ્ય શિવાલય મંદિર આવેલ છે. આ મંદિરના ઇતિહાસ સાથે જામનગરના રાજા જામસાહેબ ઉપરાંત વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ, ભગો ભરવાડ, ગૌ માતાનું શિવલીંગ ઉપર દુધાભીષેક સહિતના અનેક પરચા અને યાદગાર પ્રસંગો જોડાયેલા છે. ઇતિહાસ ઘણો લાંબો છે. તેથી ટુંકો સાર સાથે ઉપરોક્ત પ્રસંગોનું વર્ણાવેલ છે. આ ભવ્યતાથી ભવ્ય મંદિરમાં ગૌશાળા, પક્ષીઓને નિયમીત ચણ આપવા સારા કાર્યો સાથે આ વિશાળ મંદિરમાં ભાવિકો અને ભૂદેવોને રહેવા-જમવાની પણ સુંદર વ્યવસ્થા દાદાના મંદિરના મહંત તથા ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી છે. શ્રાવણ માસ શરૂ થતા પહેલા જ સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં ભૂદેવો અહીંયા પહોંચે છે. જેને મંદિર તરફથી રહેવા માટે રૂમની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. આ બ્રહ્મદેવો આખો શ્રાવણ માસ અહીં જ રહે છે અને શ્રી જડેશ્ર્વર દાદાનું પુજન-અર્ચન-લઘુરૂદ્ર કરી ધન્યતા અનુભવે છે.
રવિવારે સવારે ખુલ્લો મુકાશે
સ્વયંભૂ શ્રી જડેશ્ર્વર દાદાના સાનિધ્યમાં યોજાતો લોક સાંસ્કૃતિક મેળાનું રવિવારે સવારે મંદિરના મહંત, પુજારી તેમજ રાજકીય, સામાજીક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં શ્રી દાદાની તસ્વીર સમક્ષ દિપ પ્રાગટ્ય કરી મેળો ખુલ્લો મુકવામાં આવશે. સાથે-સાથે કોઠારીયા ગામની શાળાના વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ દ્વારા લોક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થશે.