કારનું ટાયર ફાટતા રોંગ સાઈડમાં વાહન સાથે અથડાતા સર્જાઈ દુર્ઘટના: 10 ઘાયલ
મોરબી પાસે માળિયા અને કચ્છ હાઈવે પર સામખીયારીથી મોરબી પરત ફરી રહેલા લોહાણા પરિવારની કારનું ટાયર ફાટતા કાર રોંગ સાઈડમાં ચડી ગઈ હતી. ત્યારે સામેથી આવી રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ફરીને પરત માધાપર જતા પરિવારના ટેમ્પા સાથે ધડાકાભેર અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં મોરબી એડવોકેટ પરિવારના ચાર સહિત કુલ પાંચના કરુણ મોત નિપજ્યા હતા. એક સાથે ચાર સભ્યોની અર્થી ઉઠતા લોહાણા પરિવાર હિબકે ચડ્યો હતો.
મોરબીના એડવોકેટ પરિવારના માતા-પિતા, બહેન અને ભાણેજની એકસાથે અર્થી ઉઠતા લોહાણા પરિવાર હિબકે ચડ્યું
આ અંગેની પોલીમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી રહેતો વકીલ પરિવાર સામખીયારી પાસે કટારીયા ગામે માતાજીના દર્શન કરી પરત ફરતા હતા તે વેળાએ હ્યુન્ડાઇ કંપનીની ઇયોન કારનું ટાયર ફાટતા વાહન રોંગ સાઈડમાં ચડી ગયું હતું. તે દરમિયાન સામેથી આવી રહેલા ટેમ્પો સાથે ધડાકાભેર અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં મોરબીના એડવોકેટ પીયૂષભાઈ રવેશિયાના તેમના માતા-પિતા મહેન્દ્રભાઈ પ્રાગજીભાઈ રવેશિયા, સુધાબેન મહેન્દ્રભાઈ રવેશિયા, તથા તેમના તલાટી કમ મંત્રી બહેન જીજ્ઞાબેન ઘનશ્યામભાઈ જોબનપુત્રા અને ભાણેજ રિયાન્શ ઘનશ્યામભાઈ જોબનપુત્રાના ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
જ્યારે સામે કચ્છના માધાપર ગામે રહેતો પરિવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા ગયા હતા. જયાંથી પરત માધાપર ફરતી વેળાએ માળિયા પાસે રોંગ સાઈડમાં આવી ચડેલી કાર સાથે અકસ્માત સર્જાતા ટેમ્પોમાં સવાર જાદવજી રવજીભાઈ ભુડિયાનું કરુણ મોત નિપજ્યું હતું.
જ્યારે ટેમ્પોમાં સવાર ભરતભાઇ ધનજીભાઈ હિરાણી, વાનીતાબેન ભરતભાઇ હિરાણી, દેવ ભરતભાઇ હિરાણી, તુલસી ભરતભાઇ હિરાણી, હર્ષિક ભરતભાઇ હિરાણી, કિશન હીરજીભાઈ હિરાણી, જશુબેન ધનજીભાઈ હિરાણી, યશ ભરતભાઇ ડબાસીયા, મંજુલાબેન ભરતભાઇ ડબાસીયા અને ભરતભાઇ વિશ્રામભાઈ ડબાસીયા ઇજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે હાઇવે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો.
આ અંગે ઘટનાની જાણ થતા રાજમંત્રી બ્રિજેશ મેરજા, સહકારી ક્ષેત્રના અગ્રણી મગનભાઈ વડાવીયા થતા મોટી સંખ્યામાં લોહાણા સમાજના અગ્રણીઓ અને પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. મોરબીમાં લોહાણા સમાજના એડવોકેટના ઘરેથી એકસાથે ચાર-ચાર અર્થી ઉઠતા શહેરભરમાં ગમગીની છવાઈ છે.
સરકાર મૃતકોને રૂ.૪ લાખ અને ઇજાગ્રસ્તોને રૂ.૫૦ હજારનું ચૂકવશે વળતર
આ ગોઝારા અકસ્માત અંગે રાજમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, તેઓએ તાકીદે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે વાતચીત કરી હતી. તેઓએ મુખ્યમંત્રીને સહાય અંગે રજૂઆત કરી હતી. ત્યારે મુખ્યમંત્રીએ આ મૃતકોને સરકાર તરફથી રૂ. ૪ લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. ૫૦ હજાર સહાય આપવાની જાહેરાત કરી છે.