નિવૃતી બાદ કોઈપણ પ્રશ્નો માટે કોર્પોરેશનના દ્વાર કર્મયોગીઓ માટે હંમેશા ખુલ્લા છે: અમિત અરોરા
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર અમિત અરોરાએ વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે. મહાપાલિકાના 10 કમર્ચારીઓ નિવૃત થતા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ મોમેન્ટો આપી સન્માન કરી વિદાયમાન આપ્યું હતું.
આ પ્રસંગે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ ફરજ પરથી નિવૃત થતા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં જો કોઈપણ પ્રશ્નો હોય તો કોર્પોરેશનના દરવાજા આપના માટે હંમેશા ખુલ્લા જ છે. જે-તે શાખાના કર્મચારીના વડા પાસે અથવા મને ખુદ રૂબરૂ આવીને આપના પ્રશ્નો જણાવી શકો છો.
એપ્રિલનાં છેલ્લા દિવસે નિવૃત્ત થયેલ સ્ટાફ એડી. સિટી એન્જી. એમ. આર. કામલીયા, ઇલેક્શન શાખાના સિની. ક્લાર્ક ચૌહાણ જયવર્ધન માધવભાઈ, ટેક્સ બ્રાન્ચના સિની. ક્લાર્ક ખાભોલીયા નીતિનકુમાર શિવશંકર, અર્બન મેલેરીયાના ફીલ્ડ વર્કર માંગર હાજી ઈશાભાઈ, માર્કેટ બ્રાન્ચના ડ્રાઈવર ગૌસ્વામી હિતેન્દ્રગીરી લાભુગીરી, આવાસના પટ્ટાવાળા રાઠોડ રમેશ રૂપાભાઈ, એસ્ટેટ બ્રાન્ચના પટ્ટાવાળા સિંધવ રમેશ નારણભાઈ, હેલ્થ બ્રાન્ચના પટ્ટાવાળા રાદડિયા ભૂપતભાઈ બધાભાઇ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદાર ઝાલા મંજુલાબેન રૂડાભાઈ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદાર પરમાર હકુભાઈ વસંતભાઈ નિવૃત થયા છે.
નિવૃત્તિ વિદાય સન્માન સમારોહમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરાના વરદ હસ્તે કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમજ કર્મચારીઓના પી.એફ. અને હક્ક રજાના રોકડમાં રૂપાંતર અંગેના ચુકવણીના હુકમો તથા પી.પી.ઓ. બુકની નકલ પણ આપવામાં આવેલ હતી અને સ્વસ્થ નિવૃત જીવનની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.