- બચાવાયેલા લોકોને ઈટાલિયન કોસ્ટ ગાર્ડને સોંપવામાં આવ્યા: બોટ લિબિયાથી રવાના થઈ હતી, તેમાં સીરિયા, ઇજિપ્ત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના શરણાર્થીઓ હતાં
- શું યુરોપિયન દેશો ગેરકાયદે પ્રવેશતા લોકોને દરિયામાં પધરાવી રહ્યા
- ઇટાલી નજીક શરણાર્થી ભરેલી બોટ ડૂબતા 10 લોકોના મોત થયા છે. અને 51 લોકોને બચાવી લેવાયા છે. બીજી તરફ એવા સવાલો પણ ઉઠયા છે કે ગેરકાયદે આવતા લોકોને ગ્રીસ કોસ્ટગાર્ડે ડુબાડીને મારી નાખ્યા છે.
સોમવારે ઇટાલીના દરિયાકાંઠે બે બોટ ડૂબી જતાં 10 લોકોના મોત થયા હતા અને 64 હજુ પણ લાપતા છે. જર્મનીની ચેરિટી સંસ્થા રિસ્કશિપે જણાવ્યું કે તેઓએ લેમ્પેડુસા ટાપુ નજીક 51 લોકોને બચાવ્યા હતા. આ સમય દરમિયાન, તેઓએ લાકડાની બોટના નીચેના ડેકમાંથી 10 મૃતદેહો બહાર કાઢ્યા.
બચાવાયેલા લોકોને ઈટાલિયન કોસ્ટ ગાર્ડને સોંપવામાં આવ્યા હતા. અહેવાલ અનુસાર બોટ લિબિયાથી રવાના થઈ હતી. તેમાં સીરિયા, ઇજિપ્ત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના શરણાર્થીઓ હાજર હતા. આ પછી, સોમવારે જ, રિસ્કશિપે ઇટાલીના દક્ષિણ છેડે કેલેબ્રિયાના દરિયાકાંઠે 201 કિલોમીટરના અંતરે બીજી બોટ ડૂબતી જોઈ.
8 દિવસ પહેલા તુર્કીથી નીકળેલી આ બોટમાં આગ લાગી હતી, ત્યારબાદ તે પલટી ગઈ હતી. અહેવાલ અનુસાર, બોટમાં સવાર 11 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 64 લોકો લાપતા છે. તેમની વચ્ચે 26 બાળકો છે. બોટમાં સવાર એક મહિલાનું મોત થયું હતું. ઇટાલીના કોસ્ટ ગાર્ડે કહ્યું કે તેઓ યુરોપિયન યુનિયન બોર્ડર એજન્સી ફ્રન્ટેક્સની મદદથી ગુમ થયેલા લોકોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
યુએનએ કહ્યું કે બીજી બોટમાં બેઠેલા શરણાર્થીઓ ઈરાન, સીરિયા અને ઈરાકના હતા. મૃતકોમાં અફઘાનિસ્તાનનો એક પરિવાર પણ સામેલ છે. કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે બોટમાં કોઈ લાઈફ વેસ્ટ્સ નથી. જ્યારે તે ડૂબી રહ્યો હતો ત્યારે ત્યાંથી પસાર થતા કેટલાક જહાજોએ તેને મદદ પણ કરી ન હતી.
માર્ચ યુએનના રિપોર્ટ અનુસાર, ભૂમધ્ય સમુદ્ર સૌથી ખતરનાક સ્થળાંતરનો માર્ગ છે. દર વર્ષે એક લાખથી વધુ શરણાર્થીઓ બોટ દ્વારા ઈટાલી આવે છે. છેલ્લા 10 વર્ષમાં આ માર્ગ પરથી પસાર થતા 27 હજારથી વધુ શરણાર્થીઓના મોત થયા છે. તેમને બચાવવા માટે ઈટાલીની સરકારે ’મેર નોસ્ટ્રમ’ નામનું ઓપરેશન પણ શરૂ કર્યું હતું. તેનો હેતુ ભૂમધ્ય સમુદ્રમાં ફસાયેલા લોકોને બચાવવાનો હતો. આના દ્વારા ઈટાલિયન સરકારે અત્યાર સુધીમાં હજારો લોકોના જીવ બચાવ્યા છે.
આ પહેલા 12 જૂને કોંગોમાં એક નદીમાં મુસાફરોથી ભરેલી બોટ ડૂબી જતાં 80થી વધુ લોકોના મોત થયા હતા. બોટમાં 100 થી વધુ લોકો સવાર હતા. યમનમાં, 11 જૂનના રોજ, એડેનના દરિયાકાંઠે શરણાર્થીઓથી ભરેલી બોટ પલટી ગઈ હતી, જેમાં 49 લોકોના મોત થયા હતા અને 140 થી વધુ લોકો ગુમ થયા હતા.
ઉલ્લેખનીય છે કે અગાઉ જૂન 2023માં ઇટલી નજીક બોટ ડૂબતા 290 લોકોના મોત થયા હતા. બોટ અકસ્માતમાં બચી ગયેલા પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે બોટને જાણી જોઈને ડૂબવા દેવામાં આવી હતી. ગ્રીસના દરિયાકાંઠે આ બોટ દુર્ઘટના માટે પાકિસ્તાનીઓએ ગ્રીક કોસ્ટ ગાર્ડને જવાબદાર ઠેરવ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આ જહાજમાં સેંકડો લોકો સવાર હતા ગ્રીક કોસ્ટ ગાર્ડ પાસે તેમને બચાવવા માટે પૂરતા સાધનો હતા. પરંતુ તેણે મદદ કરી ન હતી. આ વખતે પણ આવા જ આક્ષેપ ઉઠ્યા છે પણ ગ્રીક સરકારે આ આરોપોને નકારી કાઢ્યા છે.