કેશોદ પાસે બે બાઇક અથડાતા ત્રણના મોત: શાપર નજીક કારની ઠોકરે
મહિલા સહિત બેના મોત: મોટા દડવા પાસે બે બાઇક ટકરાતા યુવાનનું મોત: કાલાવડ નજીક છકડો રિક્ષા હડફેટે યુવાનનું, બાઇક સ્લીપ થતા યુવાનનું મોત
દિવાળીના પ્રકાશના પર્વ પૂર્વે સૌરાષ્ટ્રના કેશોદ નજીક બે બાઇક અથડાતા બે યુવાન સહિત ત્રણના મોત નીપજ્યા છે, શાપર પાસે કારની ઠોકરે મહિલા સહિત બેના મોત નીપજ્યા છે, કાલાવડ પાસે છકડો રિક્ષાની હડફેટે અને બાઇક સ્લીપ થતા બેના મોત નીપજ્યા છે. મોટા દડવા પાસે બે બાઇક ટકરાતા યુવાનનું અને ગોંડલ નજીક બાઇક સ્લીપ થતા યુવાનનું મોત નીપજતા હર્ષોલ્લાસના તહેવાર ટાકણે જ દસ પરિવારમાં શોક છવાયો છે.
કેશોદના મંગલધામ વિસ્તારમાં રહેતા હોસ્ટેલ સંચાલક જીવાભાઇ પાંચાભાઇ અને તાલાલા તાલુકાના ખીરધાર ગામના આકાશ હમીરભાઇ ઘુસર જી.જે.૧૧એએ. ૩૫૭ નંબરના બાઇક પર નાસ્તો કરવા જઇ રહ્યા હતા ત્યારે કેશોદના જૂનાગઢ રોડ પર આવેલી આહિર સમાજની વાડી નજીક પહોચ્યા ત્યારે સામેથી આવેલા જી.જે.૧૧કે.૩૪૫૪ નંબરના બાઇક ચાલક મહેન્દ્રભાઇ ભાણજીભાઇ મારડીયા સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આકાશ ઘુસર અને અગતરાય ગામના મહેન્દ્રભાઇ મારડીયાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે જીવાભાઇ કેશોદ સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં લઇ જવાતા હતા તે દરમિયાન રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું છે.
કેશોદ પોલીસ મથકના પી.એસ.આઇ. જે.બી.કરમુડ સહિતના સ્ટાફે ખીરધારના પરબતભાઇ નારણભાઇ ઘુસરની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથધરી છે.
રાજકોટના મવડી રોડ પર આવેલા ઉદયનગરમાં રહેતા આનંદભાઇ રાજેશભાઇ મકવાણા તેની માતા ભારતીબેન સાથે જી.જે.૩જેએ. ૨૦૯૮ નંબરના એક્ટિવા પર શાપર પાસે પસાર થતા હતા ત્યારે જી.જે.૩એજે. ૭૮૪૮ નંબરના ઇર્ટનોના ચાલકે પાછળથી ઠોકર મારતા ગંભીર રીતે ઘવાયેલા ભારતીબેન મકવાણાનું મોત નીપજ્યાનું પોલીસમાં નોંધાયું છે.
જસદણ તાલુકાના સાણથલી ગામના વતની અને હાલ શાપર-વેરાવળ રહેતા મોહનભાઇ વાણીયા જી.જે.૩એફજી. ૬૬૬૧ નંબરના હોન્ડા પર શાપર પાસેથી જઇ રહ્યા હતા ત્યારે કારના ચાલકે હડફેટે લેતા તેમનું મોત નીપજયાની રાહુલ મકવાણાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ગોંડલ તાલુકાના મોટા દડવા ગામના દિલીપભાઇ હસમુખભાઇ ચાવડા નામના પ્રૌઢ જી.જે.૩કેએલ. ૧૧૫૯ નંબરના બાઇક લઇને ઘરે આવી રહ્યા હતા ત્યારે જી.જે.૧સીએન. ૨૪૭૧ નંબરના બાઇક સાથે અથડાતા ગંભીર રીતે ઘવાતા તેમનું મોત નીપજ્યાની યુવરાજભાઇ ચાવડાએ આટકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગોંડલ તાલુકાના પાટીયાળી ગામે રહેતા પ્રફુલભાઇ નારણભાઇ ચૌહાણ નામના ૪૦ વર્ષના યુવાન બાઇક પર ગોંડલ તરફ જઇ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થતા તેનું મોત નીપજ્યાનું પોલીસમાં નોંધાયું છે.
કાલાવડ તાલુકાના મછલીવડ ગામના કર્મરાજસિંહ નામના યુવાન સાંજે જીજે-૧૦-સીએસ ૨૨૯૭ નંબરના મોટરસાયકલ પર સનાળા રોડ પરથી જઈ રહ્યા હતા ત્યારે જીજે-૧૦-ટીટી ૩૦૫૫ નંબરના એક છકડાએ તેઓની સાથે ધડાકાભેર અકસ્માત સર્જયો હતો.
અચાનક આવી અથડાઈ પડેલા છકડાની ટક્કરથી રોડ પર પછડાયેલા કર્મરાજસિંહનું માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પહોંચવાથી મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મછલીવડના જ પુષ્પરાજસિંહ કુંવરસિંહ જાડેજાની ફરિયાદ પરથી છકડાચાલક સામે ગુન્હો નોંધ્યો છે અને તેની શોધખોળ શરૃ કરી છે.
કાલાવડ તાલુકાના મોટી ભગેડી ગામના અરવિંદભાઈ કાળુભાઈ બારિયા નામના છવ્વીસ વર્ષના કોળી યુવાન ગઈ તા.ર૪ની બપોરે પોતાના બાઈક પર જતાં હતા ત્યારે કોઈ કારણથી બાઈક સ્લીપ થઈ જતાં તેના પરથી પડી ગયેલા અરવિંદભાઈને માથામાં ઈજા થઈ હતી. સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયેલા આ યુવાનનું ગઈકાલે મૃત્યુ થયાનું યુનિટ-૩ ના ડો. ચેટર્જીએ પોલીસમાં જાહેર કર્યું છે.