જિલ્લા કલેકટરને આવેદન: પાક વીમો નહીં ચૂકવાય તો ૧લી જૂને અનશન અને તાળાબંધી સહિતના કાર્યક્રમો
કપાસનો પાક વીમો ખેડૂતોને હજુ સુધી ચૂકવવામાં આવ્યો ન હોવાથી ભારતીય કિશાન સંઘે જિલ્લા કલેકટરને આજે આવેદન પાઠવીને ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.
જો આ ૧૦ દિવસમાં પાક વીમો ચૂકવાશે નહીં તો ૧લી જૂને અનશન અને તાળાબંધી સહિતના વિરોધદર્શક કાર્યક્રમો આપવાની ચિમકી ઉચારવામાં આવી છે.
ભારતીય કિશાન સંઘે આવેદનમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં અપુરતો અને અનિયમિત વરસાદ પડવાને કારણે જિલ્લામાં મોટાભાગના તાલુકાઓમાં અછત અને અર્ધઅછતની પરિસ્થિતિ સર્જાય છે તો કપાસ અને મગફળી કે જે સૌરાષ્ટ્રના મુખ્ય પાકો છે.
વરસાદના અભાવે મગફળી અને કપાસનો પાક નિષ્ફળ ગયેલ છે જેથી મગફળીનો પાક વીમો વિલંબથી અશત: અપુરતો ચુકવાયેલ છે જે અછતની પરિસ્થિતિ હોવા છતાં અપુરતો ચૂકવાયેલ છે. જેને લીધે ખેડૂતોમાં રોષની લાગણી અનુભવે છે. કપાસની વર્ષ ૨૦૧૮-૧૯ની મોસમ પૂરી થઈ ગઈ છે. કપાસ ક્રોપ કટીંગની કામગીરી પણ ઘણા સમય પહેલા પુરી થઈ ગઈ છે અને વર્ષ ૨૦૧૯-૨૦ના નવા પાક ધિરાણ પણ ચાલુ થયેલ છે તો પણ રાજકોટ જિલ્લામાં કપાસના પાક વીમો ખેડૂતોને હજુ સુધી ચૂકવવામાં આવેલ નથી. વરસાદના અભાવે ગુજરાતના ભુગળના પાણી પણ ખલાસ થઈ ગયેલ છે. ડેમો પણ ખાલી છે જેથી સિંચાઈની ઉપલબ્ધી ન હોવાથી રવિ પાકનું વાવેતર ખેડૂતો કરી શકયા નથી. આમ ખેડૂતોની આવક માત્ર ખરીફ પાક આધારિત સીમીત રહી છે.
આમ દયાની પરિસ્થિતિમાં જીવતા અને નબળા ખેડૂતોના હાલ આર્થિક સ્થિતિ ચિંતાજનક છે અને તેઓના જીવન નિર્વાહ માત્રને માત્ર નિષ્ફળ ગયેલા કપાસના પાક સામે મળતા વીમા ઉપર અવલંબિત છે. રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સ કંપની રાજકોટ જિલ્લા કામગીરી સંભાળે છે તેણે મગફળીનો વીમો ચૂકવવામાં પણ ઠાગાથૈયા કરેલ અને કપાસનો વિમો પણ હજુ સુધી નહીં ચૂકવીને અન્યાય કર્યો છે.
કપાસનો વીમો નહીં ચૂકવાય તો ખેડૂતો આપઘાત તરફ વળે તેવી શકયતા છે અને કિસાન સંઘ પાક વીમો ચૂકવવા વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર કોઈ આ બાબત ધ્યાનમાં ન લેતા ખેડૂતોની સરકાર પ્રત્યેની લાગણી દુભાય છે અને નારાજગી વધી છે.
આ વર્ષે દુષ્કાળની પરિસ્થિતિ હોઈ વહેલી તકે પાક વીમાે ચુકવવામાં નહીં આવે તો આગામી વર્ષ માટે ખાતર બિયારણ ખરીદવામાં ખેડૂતોને પારાવાર મુશ્કેલી ઉભી થશે અને જેનાથી તેનું આગામી વર્ષ બગડવાની પૂરી સંભાવના છે. પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કપાસનો પાક વીમાનું તાત્કાલીક ચૂકવણું થાય તે માટે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને તાત્કાલીક કડકમાં કડક સુચના આપવામાં આવે અને તારીખ ૩૧-૫-૧૯ સુધીમાં કપાસનો વીમો ખેડૂતોને ચૂકવી આપવામાં આવે તેવી રાજકોટ જિલ્લાના તમામ ખેડૂતો વતી ભારતીય કિશાન સંઘ માંગણી કરે છે જો ૩૧-૫-૧૯ સુધીમાં વીમો ચૂકવવામાં નહીં આવે તો તા.૧-૬-૧૯થી રાજકોટ જિલ્લાની અંદર ભારતીય કિશાન સંઘ દ્વારા અનશનનો અથવા આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવશે.