૬.૫ ટન ગાંજાનો જથ્થો નારીયેળમાં ભરી બેગમાં છુપાવી ઓરિસ્સાથી છત્તિસગઢ મોકલાતા હોવાના નકલસીઓના કારોબારનો પર્દાફાશ: ત્રણની ધરપકડ
નકસલીઓને સંડોવતો રૂપિયા ૧૦ કરોડનો ગાંજો ઝડપાયો છે. ધ ડાયરેકટોરેટ રેવન્યુ ઓફ ઈન્ટેલીજન્સી-ડીઆરઆઈએ ૬.૫ ટન ગાંજાનો જથ્થો ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથધરી છે. રૂપિયા ૧૦ કરોડની કિંમતનો ૬.૫ ટન ગાંજો ઓરિસ્સાથી છતિસગઢ નજીક મલ્ખાગીરી મોકલાતો હોવાનું ખુલ્યું છે. ડીઆરઆઈના મુંબઈ ઝોનલ યુનીટે છતિસગઢના સ્થાનિક પોલીસની મદદ લઈ નકસલીઓના ગાંજાઓના આ કારોબારનો પર્દાફાશ કર્યો છે. અધધધ ૬.૫ ટન ગાંજાનો આ જથ્થો છતિસગઢના રાયપુરમાંથી ઝડપી પડાયો છે.
જંગલ વિસ્તારોમાં નકસલવાદીઓને નાથવા તંત્ર સજ્જ થયું છે ત્યારે રવિવારના રોજ છતિસગઢના રાયપુરમાં સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ હતી. જે દરમિયાન રૂ.૧૦ કરોડનો ગાંજો ઝડપાયો છે અને આ કારોબારમાં નકસલવાદીઓનો હાથ હોવાની આશંકા છે તેમ ડીઆરઆઈના એક વરીષ્ઠ અધિકારીએ જણાવ્યું છે.
તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, ગાંજાનો જથ્થો નારીયેળીમાં ભરી બેગમાં છુપાવાયો હતો. આ કારોબારમાં ધરમરાવ, સુરજીત સિંઘ રાંઢવા અને અવતારસિંઘ એમ ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમને મુંબઈ લઈ જવામાં આવ્યા છે અને વધુ વિગત માટે પુછપરછ હાથ ધરાઈ છે.