૧૦ રૂપીયાના ચલણી સિકકા સ્વિકારવાનો કોર્પોરેશને ઈન્કાર કરી કરદાતાને પાછા કાઢતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. વ્યકિતદીઠ ૧૦૦ નંગ ૧૦ રૂપીયાના સિકકા સ્વિકારવાના આરબીઆઈના પરીપત્રનો ખુદ સરકારી કચેરી દ્વારા ઉલાળીયો કરી દેવાતા ભારે આશ્ચર્ય વ્યાપી જવા પામ્યું છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના વોર્ડ નં.૧૭માં માતીનગર-૧માં હરેશભાઈ ધીરજલાલ ભટ્ટ નામના વ્યકિત મારૂતિ મંદિરનું સંચાલન કરે છે. જેઓને પાણીવેરા પેટે રૂ.૪૦૧૨ની રકમ ભરવા માટે કોર્પોરેશન દ્વારા ડિમાન્ડ નોટિસ ફટકારવામાં આવતા આજે તેઓ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે વેરો ભરપાઈ કરવા આવ્યા હતા.
તેઓ મંદિરના પુજારી હોવાના કારણે તેઓની પાસે રૂ.૧૦ ની નોટના ત્રણ બંડલ અને ૯૦ નંગ રૂ.૧૦ના સિકકા એટલે કે રૂ.૯૦૦ હતા. વેરો ભરવા માટે જયારે તેઓએ સિવીક સેન્ટરમાં ઓપરેટરને નાણા આપ્યા ત્યારે ઓપરેટરે રૂ.૧૦ના ચલણી સિકકા સ્વિકારવાનો ઈન્કાર કરી દેતા મંદિરના પુજારી સ્તબ્ધ થઈ ગયા હતા.
તેઓએ આ અંગે ટેકસ ઓફિસર રાજીવ ગામેતીને રજુઆત કરી હતી. ટેકસ ઓફિસરે પણ પ્રથમવાર એવો જવાબ આપ્યો હતો કે ૧૦ રૂપીયાના ચલણી સિકકા સ્વિકારવા નહીં તેવો પરીપત્ર ખુદ આરબીઆઈનો છે ત્યારે સામાપક્ષે મંદિરના પુજારીએ એવી દલીલ કરી હતી કે હું એક સામાન્ય મંદિરમાં સેવા-પુજા કરી પેટીયુ રળુ છું
ત્યારે મંદિરે આવતા દર્શનાર્થીઓ બે, પાંચ કે ૧૦ના સિકકા જ દાનપેટીમાં નાખતા હોય છે માટે મારે નાછુટકે વેરા પેટે ૧૦ના સિકકા જમા કરાવવા પડે છે. દરમિયાન ટેકસ ઓફિસરે આરબીઆઈના પરીપત્રનો અભ્યાસ કર્યો હતો જેમાં તેઓ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે
કે કોઈપણ વ્યકિત જો સરકારી કચેરીમાં વેરા પેટે કે અન્ય કોઈ ભરણા પેટે ૧૦ના સિકકા જમા કરાવે તો વ્યકિતદીઠ ૧૦૦ નંગ એટલે કે ૧૦૦૦ રૂપીયા સુધી ૧૦ના સિકકા સ્વિકારવા આજે ટેકસ ભરવા આવેલા મંદિરના પુજારી પાસેથી તો માત્ર ૯૦ ટકા જ હતા છતાં ટેકસ પેટે તેનો સ્વિકાર કરવાનો ખુદ મહાપાલિકા તંત્રએ ઈન્કાર કરી દેતા ભારે આશ્ર્ચર્ય ફેલાઈ ગયું છે.