પીપીપીના ધોરણે કોન્ટ્રાકટ આપી બસો દોડાવાશે
શહેરમાં મહાપાલિકા દ્વારા ધનતેરસના દિવસથી ૧૦ નવી સીએનજી બસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં છેલ્લા ચાર વર્ષથી ડીઝલ ઓપરેટેડ મીની સિટી બસો દોડાવવામાં આવી રહી છે અને શહેરના જુદા જુદા ૮ રૂટો પર બસ ચલાવવામાં આવે છે. સી એમ. અર્બન બસ પ્રોગ્રામ હેઠળ સી.એન.જી. આધારીત નવી દસ બસો દોડતી કરવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા ધનતેરસના તહેવારને અનુલક્ષીને શહેરને સી.એન.જી. આધારિત બસની નવી ભેટ અપાઇ રહી છે. હાલ જામનગરમાં ડીઝલ ઓપરેટેડ બસો દોડાવાઇ રહી છે જેમાં વધારો કરીને નવી ૧૦ સીએનજી બસને દોડાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને જામનગર મહાનગર પાલિકાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મહાનગરપાલિકાના પટાંગણમાંથી નવી સીએનજી બસોની લીલીઝંડી આપી દોડતી કરવામાં આવી હતી.
મહાનગરપાલિકા દ્વારા પ્રથમ તબક્કાના ૧૦ ડીઝલ આધારિત બસો દોડાવાયા પછી બીજા તબક્કામાં સીએન.જી. બસો પી.પી.પી.ના ધોરણે કોન્ટ્રાક્ટર દ્વારા ખરીદ કરીને મહાનગરપાલિકાના જરૂરિયાત મુજબના રૂટો ઉપર દોડાવવા માટેનું શરૂ કરાયું છે જે રૂટ પર પુરતો ટ્રાફિક મળી રહે તેવા રૂટો નક્કી કર્યા છે. ૩૦ બેઠકોની ક્ષમતા સાથેની નવી સીએનજી બસના કારણે જામનગર શહેરમાં પ્રદૂષણ ઓછું કરવા માટે મહત્વનું પગલું ગણાશે.