જેતપુરની વ્રજ હોટલના મેનેજર ફોટો આઇડી વિના દુષ્કર્મ વિના સગવડ પુરી પાડતા ફસાયો જેતલસર જંકશનના વરલીના બુકી, બુટલેગર અને વ્યાજના ધંધાર્થીની સંડોવણી
જેતપુર નજીક આવેલા જેતલસર ઓવરબ્રીજના નાલા નીચેથી બોયફ્રેન્ડની નજર સામે યુવતીનું અપહરણ કરી જેતપુરની વ્રજ હોટલમાં લઇ જઇ બે વખત બળાત્કાર ગુજારનાર ગરાસીયા શખ્સ અને તેના સાગરીતોની જેતપુર તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં ધરપકડ કરી છે. અપહરણ અને બળાત્કારના ગુનામાં જેતલસર જંકશનના વરલીના બુકી, બુટલેગર અને વ્યાજના ધંધાર્થીની સાથે જેતપુરની વ્રજ હોટલના મેનેજરની સંડોવણી બહાર આવતા પોલીસે દસ શખ્સોની ધરપકડ કરતા સનસનાટી મચી ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુરની યુવતી ગઇકાલે સાંજે પોતાના બોયફ્રેન્ડ સાથે જેતલસર નજીક આવેલા ઓવરબ્રીજના નાલા નીચે ઉભી હતી ત્યારે જેતલસર ગામના બ્રીજરાજસિંહ જાડેજા સહિત આઠેક શખ્સો ત્યાં ઘસી આવ્યા હતા. યુવતી અને યુવકના બાઇકની ચાવી કાઢી લઇ મોબાઇલમાં બંનેનું વીડિયો રેકોર્ડીગ કરી લીધું હતું.
સિંકદર અને લાલા નામના શખ્સોને નાલા નીચે યુવકને અટકાવી રાખ્યો હતો અને બ્રિજરાજસિંહ જાડેજા યુવતીના એક્ટિવા પર જેતપુર ધોરાજી રોડ પર તત્કાલ હનુમાન ચોકડી પાસે આવેલી વ્રજ હોટલે લઇ ગયો હતો.
રાજકોટના પંચાયતનગરમાં રહેતા વ્રજ હોટલના મેનેજર હર્ષ હમીર હુંબલે બ્રિજરાજસિંહ જાડેજા પાસે કોઇ જાતના ફોટો આઇડી લીધા વિના યુવતી પર દુષ્કર્મ માટે હોટલના રૂમની સગવડ કરી આપતા બ્રિજરાજસિંહ જાડેજાએ યુવતીને હોટલના રૂમમાં લઇ જઇ ફરી મોબાઇલમાં બિભત્સ ફોટા પાડી સોશ્યલ મિડીયામાં વાયરલ કરવાની ધમકી દઇ બે વખત બળાત્કાર ગુજારી યુવતીને જવા દીધી હતી અને ત્યાર બાદ જેતલસર નજીક ઓવરબ્રીજના નાલા પાસે અટકાયત કરાયેલા યુવતીના બોયફ્રેન્ડ પાર્થ ઢાકેચાને મુક્ત કર્યો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
જેતપુર તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. એફ.એ.જાડેજા અને રાઇટર ગૌતમભાઇ ત્રિવેદી સહિતના સ્ટાફે અપહરણ અને બળાત્કારના ગુનામાં સંડોવાયેલા બ્રિજરાજસિંહ લક્ષ્મણસિંહ જાડેજા, ઇમરાન યાકુબ પઠાણ, જયેશપરી વિરમપરી મેઘનાથી, સોભરાજ લોહાણા, સિકંદર સીદીક પઢીયાર, મુકેશ ઉર્ફે મુકેશ મનસુખ ભુવા, કલ્પેસ અરજણ રબારી, જગદીશ રમેશ વણિક, અજય જગદીશ ચૌહાણ અને હોટલ મેનેજર હર્ષ હમીર હુંબલ નામના શખ્સોની ધરપકડ કરી તપાસ હાથધરી છે.