વ્યાજ પેટે રૂ. 70 લાખ ચુકવ્યા છતા બે કરોડ વસુલ કરવા પઠાણી ઉઘરાણી કર્યાનો નોંધાયો ગુનો
રાજકોટમાં મવડી ચોકડી પાસે કિચનવેરનું કારખાનું ચલાવતા વેપારીએ રૂા. 1 કરોડ વ્યાજે આપી સિક્યોરીટી પેટે લીધેલી જમીન પર કબજો કરી લેવા અંગે મહિલા સહિત છ શખ્સો સામે માલવિયાનગર પોલીસમાં વિશ્વાસઘાત, છેતરપિંડી, બળજબરીથી પડાવી લેવું, ધાકધમકી આપવી અને મની લેન્ડ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે.
વિગતો મુજબ મવડીની અલ્કા સોસાયટી શેરી નં. 2માં રહેતા ભરતભાઈ નાનજીભાઈ હાપલીયા (ઉ.વ.45) એ પોતાની ફરિયાદમાં આરોપીઓમાં રણમલ માડમ,પ્રવીણ માડમ,હરેશ ભાનુશાલી,મહેશ નગદાનભાઈ ડાંગર,ગીતાબેન ધનાભાઈ ડાંગર અને હસમુખ ધુસાભાઈ અજાણીનાનામો આપ્યા હતા.જેમાં તેને જણાવ્યું હતું કે તે મવડી ફાયર બ્રિગેડ સામેસેન્જલ પ્લાસ્ટિક નામે કીચન વેરનું કારખાનું ધરાવે છે. તેણે પોલીસને કહ્યું કે 2017માં ધંધા માટે પૈસાની જરૂર પડતાં મિત્ર ઘનશ્યામ ચૌધરી મારફત રણમલ માડમ અને પ્રવિણ માડમના સંપર્કમાં આવ્યા હતા તે વખતે 1 કરોડ વ્યાજે લેવાની વાત કરતાં બંનેએ કહ્યું કે તેઓ અઢી ટકા લેખે મિત્ર હરેશભાઈ ભાનુશાળી પાસેથી 2કમ લઇ આપશે.
બદલામાં સિક્યોરિટી પેટે જમીનનો દસ્તાવેજ કરી આપવો પડશે.જેથી સહમત થતા રૂા. 1 કરોડ અઢી ટકા વ્યાજે આપ્યા હતા. સિક્યોરિટી પેટે ખોરાણા ગામની 10 એકર 36 ગુંઠા જમીનનો ઇન્ડીયન રોડલાઇન્સના હરેશભાઈ ભાનુશાળીના નામે દસ્તાવેજ કરી આપ્યો હતો. ત્યારબાદ રણમલ અને પ્રવિણને નિયમિત રીતે દર મહિને રૂા. 2.50 લાખ રોકડમાં વ્યાજચૂકવતા હતા. આ રીતે અત્યાર સુધી રૂા. 70 લાખ વ્યાજ ચૂકવ્યું હતું.
કોરોના વખતે લોકડાઉન આવતા ધંધામાં મંદી આવી હતી. જેથી આરોપીઓને વ્યાજ ચૂકવી નહીં શકતા બંને આરોપીઓએઉઘરાણી શરૂ કરી કહ્યું કે જો સમયસર વ્યાજના પૈસા નહીં ચૂકવો તો તમારી જમીન ક્યારેય પાછી નહીં મળે. થોડા દિવસો બાદ પૈસાની વ્યવસ્થા થઇ જતા બંને આરોપીઓ ઉપરાંત ત્રીજા આરોપી હરેશને વાત કરતાં કહ્યું કે હવે તું તારી જમીન ભૂલી જજે, તારે હવે 1 કરોડના 2 કરોડ આપવા પડશે, હવે અહીંયા આવીશ તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.
એટલું જ નહીં ત્રણેય આરોપીઓએ તેની જમીન વેચવા માટે નોટીસ પણ આપી હતી. જેની સામે તેણે વાંધો લીધો હતો. ત્યારબાદ છએ આરોપીઓમાં મહેશ ડાંગર, ગીતાબેન ડાંગર, હસમુખ અજાણી, પ્રવિણ, રણમલ અને હરેશે તેની જમીન ઉપર તેના ભાગીયાને છરી બતાવી, ડરાવી, ધમકાવી જમીનમાંથી કાઢી મૂકી જમીન ફરતે ફેન્સીંગ બાંધી કબજો કરી લીધો હતો.જેથી તમામ આરોપીઓ સામે ફરિયાદ નોધાવતા માલવિયા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથધરી છે.