આજે વર્લ્ડ સીઓપીડી દિવસ છે
દમનાં પીડિતોએ પ્રોટીનયુકત અને ચરબીયુકત આહાર તેમજ જયુસ, દુધ, સુપ, ચા-કોફી, છાશ વધારે લેવાથી ફાયદો થાય છે
આજે સીઓપીડી દિવસ છે જેને આપણે દમ કહીએ છીએ તેવી સીઓપીડીની બિમારીથી ભારતમાં દર ૧૦૦ વ્યકિતમાંથી ૭ વ્યકિતઓ પીડાય રહ્યા છે ત્યારે ગ્લોબલ ઈનીશીએટીવ ફોર ઓઓબ્સ્ટ્રકિટવ લંગ ડીઝીસ નામની સંસ્થા દ્વારા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનાં સહયોગથી લોકોમાં સીઓપીડી અને તેની સારવાર અંગે જાગૃતિ લાવવા માટે વર્ષ ૨૦૦૨થી આખા વિશ્ર્વમાં દર નવેમ્બર મહિનાનાં ત્રીજા બુધવારે વિશ્ર્વ સીઓપીડી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વર્લ્ડ સીઓપીડી ડે તા.૨૦ નવેમ્બર, બુધવારનાં રોજ ઓલ ટુ ગેધર ટુ એન્ડ સીઓપીડી થીમથી ઉજવી રહી છે. આ થીમ એ વસ્તુ પર ભાર મુકે છે કે સીઓપીડીની નાબુદી માટે ઘણા લોકો સંકળાયેલા છે. દરેક સ્ટેજમાં અને દરેક ઉંમરે તેને અટકાવવાની અને સારવાર કરવાની તકો રહેલી છે.
આ અભિયાનનાં ભાગ રૂપે સૌરાષ્ટ્રની જનતાને સીઓપીડી વિશે જાગૃત કરવા માટે રાજકોટની જાણિતી શ્ર્વાસ હોસ્પિટલનાં છાતી અને ફેફસાના રોગોનાં નિષ્ણાંત ડો.અભય જાવીયાએ સીઓપીડી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, વિશ્ર્વમાં ૩૦ કરોડ લોકો સીઓપીડીથી પીડાઈ રહ્યા છે. હાલમાં સીઓપીડીએ વિશ્ર્વમાં ત્રીજા નંબરનું સૌથી મહત્વનું મૃત્યુનું કારણ છે. ભારતમાં દર ૧૦૦ વ્યકિતમાંથી ૫ થી ૭ વ્યકિત સીઓપીડીથી પીડાય છે. ધુમ્રપાન એ સીઓપીડી થવાનું મુખ્ય કારણ છે પરંતુ ધુમ્રપાન ન કરનારી વ્યકિત પણ જો કોઈનો ધુમાડો લાંબા સમય સુધી લે તો તેને પણ સીઓપીડી થઈ શકે. રસોઈના ચુલા અથવા સગડીના ધુમાડાના સતત સંસર્ગમાં રહેવાથી મહિલાઓને પણ સીઓપીડી થઈ શકે. આ ઉપરાંત કોલસાની ખાણ, સિમેન્ટ, કેમિકલ અને ટેકસટાઈલ ઉધોગમાં કામ કર્યું હોય તેમને પણ સીઓપીડી થઈ શકે છે. સીઓપીડીનું નિદાન સ્પિરોમીટર નામના ઉપકરણની મદદથી ખુબ જ સરળતા કરી શકાય છે. સીઓપીડીને કાબુમાં રાખવા માટે ધુમ્રપાન બંધ કરવું જ રૂરી છે. સાથમાં શ્ર્વાસ નલિકાઓને પહોળો કરતી બ્રોકોડાઈલેટર પ્રકારનાં ઈનહેલર ડોકટરની સલાહ પ્રમાણે લેવા જ રૂરી છે. શ્ર્વાસનાં દર્દીઓ માટે પ્રોટીનયુકત અને ચરબીયુકત આહાર ઉપકારી છે. ફળ અને શાકભાજી વધુ પ્રમાણમાં ખાવા જોઈએ. ખોરાક ઉપરાંત પ્રવાહી જેમ કે પાણી, જયુસ, દુધ, સુપ, ચા, કોફી, છાશ વગેરે વધારે પ્રમાણમાં લેવા જોઈએ. તેનાથી ફેફસામાં રહેલો કફ પાતળો થાય છે અને તેને સરળતાથી બહાર કાઢી શકાય છે. આ પ્રકારનાં દર્દીઓમાં જીવલેણ ઈન્ફેકશનથી બચવા માટે ઈફલુએઝા વાઈરસ અને નુમોકોકકસ બેકટેરીયા સામે રક્ષણ આપતી રસી ઉપયોગી છે. સીઓપીડીનાં દર્દીઓએ દરરોજ હળવા વ્યાયામની સાથે શ્ર્વાસોચ્વાસની કસરત પણ કરવી હિતાવહ છે. જો વ્યકિતને સીઓપીડીની સમસ્યા ખુબ જ ગંભીર હોય તો તેને સારવારના ભાગ રૂપે ઘરે ઓકિસજન પણ લેવો પડી શકે છે.