ઉઝબેકિસ્તાનની ચાર દિવસની યાત્રા બાદ ગુજરાત ફરેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું એરપોર્ટ પર સ્વાગત
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, ઉઝબેકિસ્તાનની સંપૂર્ણ યાત્રા ઉષ્માસભર, ફળદાયી અને ગુજરાતના કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્ર માટે હિતલક્ષી રહી છે. ગુજરાતના ખાનગી ક્ષેત્રના સાહસો માટે ઉઝબેકિસ્તાનમાં ઉજળી તકો રહેલી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
ઉઝબેકિસ્તાનની ચાર દિવસીય યાત્રાને સીમાચિહ્નરૂપ ગણાવતાં મુખ્યમંત્રી એ જણાવ્યું કે, ગુજરાત અને ઉઝબેકિસ્તાન વચ્ચે હોસ્પિટલ, જેમ્સ એન્ડ જ્વેલરી, કૃષિ, ફાર્માસ્યુટિકલ્સ અને કેમિકલ્સ જેવા વિવિધ ક્ષેત્રે ૧૧ એમ.ઓ.યુ. થયા છે. ઉઝબેકિસ્તાનના વિવિધ પ્રાંતના ગવર્નર અને ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો સાથે ૧૪૦ થી વધુ બિઝનેસ ટુ બિઝનેસ મિટિંગ થઈ છે, એમ તેઓએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ મિરઝીયોયેવ સાથે દ્વિ-પક્ષીય વ્યાપાર બાબતે વિસ્તૃત ચર્ચા થઈ છે. રાષ્ટ્રપતિ મિરઝીયોયેવએ ગુજરાત સાથેના વ્યાપારિક સંબંધોની મજબુતી માટે ઉઝબેકીસ્તાનના ત્રણ મંત્રીઓને જવાબદારી સોંપી હતી, આ મંત્રીઓ સહીતનું પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં ગુજરાતની મુલાકાત લેશે, તેમ તેઓએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતથી સાથે આવેલ વ્યાપારીક પ્રતિનિધિમંડળે વિવિધ બેઠકોમાં ભાગ લઈ ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રે ઉઝબેકિસ્તાનમાં રોકાણ કરવા રસ દાખવ્યો છે.
મુખ્યમંત્રીએ આ તકે જણાવ્યું હતું કે, યાત્રા દરમિયાન ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ તથા તમેના નામે એક મુખ્ય માર્ગનું નામકરણ તેઓના હસ્તે કરવામાં આવ્યું છે. ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નીમીત્તે ગાંધીજીના જીવન આધારિત પ્રદર્શનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે તથા તેમણે લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં હિન્દી ભાષાનું શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓ દ્વારા વિશીષ્ટ રજૂઆત પણ નિહાળી હતી, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ ગુજરાતની વાઈબ્રન્ટ સમિટમાં પધાર્યા હતા. તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાષ્ટ્રપતિ શ્રી મિરઝીયોયેવ સાથેની મૈત્રીનો લાભ ગુજરાતને પણ મળ્યો છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ઉઝબેકિસ્તાનમાં કેડિલા ફાર્માસ્યુટિકલ્સની શાખાનુ ખાતમુહૂર્ત તથા શારદા અને એમિટી યુનિવર્સિટીનું પણ લોકાર્પણ તેઓના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉઝબેકિસ્તાનના વહીવટી તંત્રએ ગુજરાતની ફોરેન્સિક યુનિવર્સિટી, રક્ષાશક્તિ યુનિવર્સિટી, પી.ડી.પી.યુ. તથા જૈવિક ખેતીમાં વિશેષ રસ દાખવ્યો છે. એમ તેમણે ઉમેર્યું હતું.