સામાન્ય સભામાં હાજરી આપવા આવેલા ખાટરીયા જુથનાં ૧૮ સભ્યોએ ડીડીઓ સમક્ષ ઠાલવ્યો બળાપો, ડીડીઓએ હાથ ઉંચા કરી દીધા: સ્ટે સામે ખાટરીયા જુથની અપીલ: સાંજ સુધીમાં ચુકાદો આવવાની શકયતા
સોશિયલ મીડિયાનો અતિરેક ચરમસીમાએ પહોંચ્યો છે જેનું તાજુ ઉદાહરણ જિલ્લા પંચાયતમાં જોવા મળ્યું છે. આજે યોજાનારી સામાન્યસભા ઉપર ગઈકાલે સાંજે સ્ટે મુકાઈ ગયો હતો ત્યારે આ મામલે જિલ્લા પંચાયત દ્વારા સભ્યોને વ્હોટસએપ ઉપર જાણ કરવામાં આવી હતી તે પણ સામાન્યસભાને ૧૦ મિનિટ પૂર્વે જ કરાઈ હતી. જેથી ખાટરીયા જુથ ધુઆપુઆ થઈ ગયું હતું. જુથે ડીડીઓ સમક્ષ જઈને બળાપો ઠાલવ્યો હતો કે, સ્ટેની જાણ સામાન્ય સભાની ૧૦ મિનિટ પૂર્વે માત્ર વ્હોટસએપ ઉપર જ કરવામાં આવી હતી જે અયોગ્ય છે. જોકે સામાપક્ષે ડીડીઓએ એવો બચાવ કર્યો હતો કે, તેઓને ખુદને ઓફિશીયલ લેટર મોડો મળ્યો હોય જેથી મોડી જાણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સ્ટે સામે ખાટરીયા જુથે ફરી હાઈકોર્ટમાં અપીલ કરી છે આ અપીલ ઉપર સાંજ સુધીમાં ચુકાદો આવે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.
તાજેતરમાં કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતને તોડવા માટે ભાજપનાં હરીફ જુથે પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્ર્વાસની દરખાસ્ત રજુ કરી હતી જોકે આ અવિશ્ર્વાસની દરખાસ્તને ડીડીઓએ સીધી વિકાસ કમિશનરને સોંપી દીધી હતી બાદમાં વિકાસ કમિશનરે આજે તા.૨૪નાં રોજ સામાન્ય સભા યોજવાની જાહેરાત કરી હતી જોકે આ સામાન્ય સભા યોજાય તે પૂર્વે જ ગઈકાલે બાગી જુથનાં સભ્ય ચંદુભાઈ શિંગાળાએ હાઈકોર્ટમાં જઈને સામાન્ય સભા સામે સ્ટે મેળવી લીધો હતો. અવિશ્ર્વાસની દરખાસ્ત મંજુર કરાવવા માટે ભાજપ પ્રેરિત જુથને ૨૪ સભ્ય સંખ્યાબળની જરૂર હતી પરંતુ તેઓ પાસે માત્ર ૧૫ સભ્યો જયારે ખાટરીયા જુથ પાસે ૧૯ સભ્યો હોવાથી અવિશ્ર્વાસની દરખાસ્તનું સુરસુરીયું થાય તે નકકી હતું માટે આબરૂ બચાવવા બાગી જુથે અલગ રસ્તો લઈને હાઈકોર્ટમાંથી સ્ટે મેળવી લીધો હતો.
ગઈકાલે સાંજે હાઈકોર્ટે આજે યોજાનારી સામાન્યસભા ઉપર સ્ટે આપી દીધો હોય સામાન્યસભા રદ કરવામાં આવી હતી તેમ છતાં ખાટરીયા જુથનાં ૧૮ સભ્યો આજે જિલ્લા પંચાયતનાં મીટીંગ હોલમાં પહોંચ્યા હતા જયાં તેઓએ એક કલાક સુધી અધિકારીઓ આવે તેની રાહ જોઈ હતી તેમ છતાં મીટીંગ હોલમાં કોઈ અધિકારી ન ફરકતા અંતે અર્જુનભાઈ ખાટરીયાની આગેવાનીમાં પ્રમુખ સહિતનાં ૧૭ સભ્યો ડીડીઓની ચેમ્બરમાં ધસી ગયા હતા જયાં તેઓએ બળાપો ઠાલવતા કહ્યું હતું કે, સામાન્ય સભા ૧૨:૦૦ વાગ્યે યોજાવાની હતી. તમામ સભ્યોને ૧૧:૫૦ વાગ્યે સ્ટેની જાણ કરવામાં આવી હતી. આ જાણ પણ વ્હોટસએપ મારફત કરવામાં આવી હતી. સ્ટે અંગેની જાણ આટલી મોડી કરવી તે વ્યાજબી નથી. સામાપક્ષે ડીડીઓએ પોતાનો બચાવ કરતા કહ્યું કે, જે કંઈ છે તે હાઈકોર્ટનો ઓર્ડર છે. વધુમાં તેઓને ઓફિશીયલ લેટર રાત્રે ૧ થી ૨ વાગ્યા દરમિયાન મળ્યો હતો બાદમાં તેઓએ જિલ્લા કલેકટર સાથે આ મુદ્દે જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી અને બાદમાં સભ્યોને જાણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, જો સામાન્ય સભા ઉપર સ્ટે ન આવ્યો હોત તો સામાન્ય સભામાં ભાજપ પ્રેરિત જુથે કરેલી અવિશ્ર્વાસની દરખાસ્તનું સુરસુરીયું થઈ જવાનું હતું પરંતુ ગઈકાલે સાંજે સામાન્ય સભા ઉપર હાઈકોર્ટનો સ્ટે આવી ગયો હતો. આ સ્ટે સામે ખાટરીયા જુથે ફરી હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા છે. સ્ટે સામે દાખલ કરાયેલી અપીલ અંગે આજે સાંજ સુધીમાં હાઈકોર્ટ દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવે તેવી શકયતાઓ જોવા મળી રહી છે.