આજના 21મી સદીના આધુનિક યુગમાં અદ્યતન ટેકનોલોજી વિકસતા મોટા ભાગની સેવાઓ ડિજિટલ બની ગઈ છે. એટલે કે તમામ સેવાઓ આંગળીના ટેરવે ઘેરબેઠા જ મળતી થઈ છે. બેકિંગ, પોસ્ટ ઓફીસ કે અન્ય કોઈ ઔદ્યોગિક એકમમાં ટેકનોલોજીનો ઉપયોગ વધતા ડિજિટલ સેવાનો વ્યાપ વિસ્તાર વધ્યો છે. અને આ ફેલાવો થતો જ રહે છે કારણ કે જેમ અંતરીક્ષનું સંપૂર્ણ રહસ્ય ઉકેલવુ નામુંકીન છે તેમજ આ ટેકનોલોજીકલ ક્ષેત્રને પણ મર્યાદિત રાખવું નામુંકીન છે. દરરોજ કઈક નવું નવું આવતું જાય છે.
અદ્યતન ટેકનોલોજી વિકસતા રોબોટ સહિત ઓટોમેશન પ્રવૃત્તિ વધશે પણ સંચાલન માટે માનવક્ષમતા પણ આવશ્યક !!
ટેકનોલોજીકલ સ્વસંચાલનમાં વૃધ્ધિની સાથે પારંપારિક આઈટી રોજગારી પણ વધશે: નાસકોમ
હજુ એક સુવિધાનો લાભ લેતા માંડ આવડ્યું હોય ત્યાં નવી સેવાનો આવિષ્કાર થઈ જાય છે. હવે તો ઘણા ખરા એકમોમાં ઓટોમેશન એટલે કે રોબોટિક સેવા શરૂ થઈ ગઈ છે. જો કે આ વચ્ચે માનવીનું સ્થાન આર્ટિફીશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટ જેવા યાંત્રિક મશીનોએ લેતા રોજગારી છિન્નવવાનો પણ ભય રહેતો હોય છે. પરંતુ દરેક ક્ષેત્રે રોબોટ કરતા પણ વધુ જરૂર માનવીની છે જ.
ટેકનોલોજીનું ક્ષેત્ર જ એવું છે જ્યાં નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ વધતો જાય છે. ઓટોમેશન વધ્યું છે. આના કારણે માનવ ક્ષમતા તેના જુના પુરાણા કામમાં જરૂર ઘટશે પણ આની સાથે માનવ તેની કાર્યક્ષમતા બીજે લગાડી શકશે અને વધુ ટેકનોલોજીકલ સેવાનો આવિષ્કાર કરી શકશે. તાજેતરમાં આઈટી ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા નાસકોમે પણ અંગે માહિતી આપી આઈટી ક્ષેત્રે રોજગારી ખતમ નહીં પણ વધુ ઉભી થશે તેમ જણાવ્યું છે. આગામી એક વર્ષના સમયગાળામાં ક્લાઉડ કોમ્પ્યુટિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી)આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ અને 5જી ટેકનોલોજી સહિતના આઈટી ક્ષેત્રોમાં 96 હજાર જેટલી રોજગારીની નવી તકો ઉભી થશે.
નાસકોમે તેના અહેવાલમાં જણાવ્યું છે કે તકનીકી ક્ષેત્રમાં કુશળ પ્રતિભાની સૌથી મોટી ભરતી કરનારો દેશ હજુ પણ ભારત જ છે. આઇટી ક્ષેત્રની ટોચની પાંચ કંપનીઓ ચાલુ નાણાકીય વર્ષમાં 96 હજારથી વધુ કર્મચારીઓને કામે લગાડશે. નાસકોમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બેન્ક ઓફ અમેરિકાએ એક અહેવાલમાં ભારતમાં સોફ્ટવેર કંપનીઓમાં વર્ષ 2022 સુધીમાં વધેલા ઓટોમેશનને કારણે ત્રણ મિલિયન કર્મચારીઓને છૂટા કરવાની સંભાવના વ્યક્ત કરી.
નાસ્કોમે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ટેક્નોલોજીના વિકાસ અને ઓટોમેશનમાં વૃદ્ધિ સાથે, પરંપરાગત આઇટી જોબ્સ અને નવી નોકરીઓની રચના તરફ દોરી જશે. આઇટી ક્ષેત્રે કૌશલ્ય અને બુદ્ધિમત્તા પ્રતિભાની સૌથી મોટી જરૂર છે. અને નાણાકીય વર્ષ 2021માં 1,38,000 લોકોને નોકરી આપવામાં આવી છે. તેણે વધુમાં જણાવ્યું કે આઇટી કંપનીઓ માટે નાણાકીય વર્ષ 2021-22માં, 96 હજારથી વધુની ભરતી માટે એક મજબૂત યોજના તૈયાર કરવામાં આવી રહી છે.