વડોદરામાં માટીના વાસણો બનાવનારને નજીવા દરે લોન મળતા થઈ રાહત
માટીના વાસણો બનાવી પોતાનું ગુજરાન ચલાવતા વડોદરાના કનુભાઈ પ્રજાપતિ માટે રાજ્ય સરકારની આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના આશિર્વાદરૂપ પુરવાર થઈ છે. કોરોના મહામારીના કારણે લોકડાઉન દરમિયાન મોટાભાગના ધંધા-રોજગાર ઠપ રહ્યા હતા. જેમાંથી નાના કારીગરો અને વ્યવસાયકારો પણ બાકાત રહ્યા ન હતા.
આવા જ વડોદરા શહેરના કનુભાઈ પ્રજાપતિનો પારંપારિક માટીમાંથી વાસણો બનાવવાના વ્યવસાયને પણ માઠી અસર પહોંચી હતી. આ સ્થિતિ બાદ કનુભાઈને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાનો લાભ મળતા ખૂબ મોટી રાહત અનુભવી રહ્યા છે.
કોવિદ-૧૯ની મહામારીના કારણે આજે આખા દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે, ત્યારે આ મહામારીની મોટા ધંધા-રોજગારોથી લઈને નાના ધંધા-વ્યવસાયો વગેરે બધા પર તેની અસરો થઇ છે. આવા સમયમાં કનુભાઈનો ધંધો પણ બાકાત ના રહ્યો, જ્યાં લોકડાઉનના કારણે તેમને ના માટી મળે, ના માટલા. આ કોરોના વાયરસની મહામારીના પગલે તેમને ધંધા સાથે ઘર ચલાવવું ખૂબ મુશ્કેલીભર્યુ બની ગયું હતું.
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના માધ્યમથી લોકોને ઘર-ગુજરાન ચલાવવામાં અને ધંધા-રોજગારને ફરી ધમધમતા કરવા ખૂબ મોટી મદદ મળી રહી છે. કનુભાઈએ વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલ ભારત કો-ઓપરેટીવ બેન્કમાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના લાભ માટે અરજી કરી, ગણતરીના દિવસોમાં તેમને ૧ લાખની લોન પ્રાપ્ત થઈ.
આ કપરી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા માત્ર બે ટકાના વ્યાજદરે ૧ એક લાખની લોન મળી, તેમા પણ પ્રથમ છ માસ સુધી લોનના હપ્તા ભરવામાંથી છૂટછાટ મળે છે. વિકટ સમયમાં ખૂબ સારી અને સરળ જોગવાઈ ધરાવતી લોનની સહાય મળતા કનુભાઈ ખૂબ મોટી રાહત અનુભવી રહ્યા છે. કનુભાઈ કહે છે કે, આ ૧ લાખની નાણાંથી ફરીથી તેમના વ્યવસાયને પૂર્વવત કરવાનુ આસાન બન્યું છે. ઉપરાંત ઘરખર્ચમાં પણ આ નાણાં ઉપયોગી બની રહેશે. આ મદદ માટે તેમણે ગુજરાત સરકાર તથા ભારત કો-ઓપરેટીવ બેંકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.