“મત” માટે મફ્ત… મફ્ત… મફ્ત…
- જનતાને આરોગ્ય, શિક્ષણ, સલામતી સહિતની સુવિધાઓ મફ્તમાં મળવી જોઇએ, પણ અન્ય સુવિધાઓની મફ્તમાં લ્હાણી કરાય તો હાલત પાકિસ્તાન અને શ્રીલંકા જેવી થાય
- 10 લાખ નોકરી, બેરોજગારોને માસિક ભથ્થુ અને દર મહિને 300 યુનીટ વીજ બીલ માફ કરવામાં આવે તો ગુજરાત સરકારનું દેવાળું ફૂંકાય જાય
પ્રામાણીક પણે વેરો ભરપાય કરી રાષ્ટ્ર કે રાજ્યના વિકાસમાં સહભાગી થતા નાગરિકોને આરોગ્ય, શિક્ષણ અને સલામતી સહિતની પ્રાથમિક સુવિધાઓ મફ્તમાં આપવી તે કોઇપણ સરકારનો રાજધર્મ સાથે જવાબદારી છે. ગુજરાત દેશના સૌથી વધુ વિકસતા રાષ્ટ્ર પૈકીનું એક છે. પાટુ મારીને પૈસા કમાવવાની ગુજરાતીઓની ખમીરવંતી આવડતના કારણે આજે વિશ્ર્વભરમાં ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે દિલ્હી અને પંજાબ બાદ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીનો પગદંડો જમાવવા દિલ્હીના મુખ્યમંત્રી અને આપના ક્ધવીનર અરવિંદ કેજરીવાલનો ગુજરાતમાં આંટાફેરા વધ્યા છે. જ્યારે તેઓ ગુજરાતમાં આવે છે ત્યારે ગેરેન્ટીના નામે જનતાને પાંચ વચનો આપી રહ્યા છે. પાંચ વર્ષમાં દશ લાખ નોકરી, બેરોજગાર યુવાનોને દર મહિને 3 હજારનું ભથ્થુ, 300 યુનીટ સુધીનું વીજ બીલ માફ સહિતના વચનોની જો અમલવારી કરવામાં આવે તો ગુજરાતનું દેવાળું ફૂંકાય જાય અને હાલત પાકિસ્તાન કે શ્રીલંકા જેવી થાય.
ગુજરાત મોડલ દેશના મોટાભાગના રાજ્યો અપનાવી રહ્યા છે. રાજ્ય સરકારનું વાર્ષિક બજેટ 2.25 લાખ કરોડ જેવુ છે. રાજ્યનો વિકાસ ઉડીને આંખે વળગે તેવો છે. ગુજરાતની જનતાએ ક્યારેય ભાજપ કે કોંગ્રેસ સિવાયના ત્રીજી મોરચાને સ્વીકાર્યો નથી. તે વાતથી અરવિંદ કેજરીવાલ સારી રિતે વાકેફ છે હવે તેઓએ ગુજરાતમાં મફ્તની રેવડી વેચવાનું શરૂ કર્યું છે. જ્યારે-જ્યારે તેઓ ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે-ત્યારે વચનોની આડેધણ લ્હાણી કરે છે. જો રાજ્યમાં આપની સરકાર બનશે તો દર વર્ષ બે લાખ લોકોને સરકારી નોકરી આપવામાં આવશે. પાંચ વર્ષમાં 10 લાખ લોકોને સરકારી નોકરી અપાશે. જેના પગારનો ખર્ચ ગણવામાં આવે તો આ આંક વાર્ષીક 30 હજાર કરોડે પહોંચી જાય તેમ છે. જ્યારે 300 યુનીટ સુધીનું વીજ બીલ માફ કરવાની રેવડી પણ તેઓએ વહેચી છે. જેનો વાર્ષીક બોજ 21 હજાર કરોડ જેવો થવાને અંદાજ છે.
આ ઉપરાંત બેરોજગાર યુવાનોને દર મહિને 3 હજારનું ભથ્થુ આપવાની ઘોષણા કરવામાં આવી છે. જેનો બોજ પણ હજારો કરોડોમાં થાય છે. એક તરફ સરકારની તીજોરી પર બોજ વધારવાના વચનો અપાય રહ્યા છે. બીજી તરફ સરકારની રેવન્યૂ પણ બંધ થાય તેવી આડકતરી ઘોષણા કરાય છે. ગુજરાતની તિજોરી પર હાલ 3.50 લાખ કરોડનું દેવું છે. જો દિલ્હીના મુખ્યમંત્રી “રેવડીવાલ” બની મફ્ત, મફ્ત, મફ્તની સ્કીમ ચલાવશે તો હાલ વિશ્ર્વભરનાં જે ગુજરાતીઓનો દબદબો છે. તેની હાલત પાકિસ્તાન અને શ્રીલંકાના નાગરિક જેવી થઇ જશે.
જો કામ ન કરવા છતા દર મહિને 3 હજાર રૂપિયા મફ્તમાં મળવા લાગશે તો ગુજરાતનો મહેનતુ અને કોઠાસુજ ધરાવતો યુવાન આળસુ થઇ જશે. હાલ નિયમીત વીજ બીલ ભરપાય કરી સન્માનના હક્કદાર બનતા ગુજરાતના લોકોને મફ્તમાં વીજળીની લ્હાણી કરાશે તો જે લોકો બીલ ભરવા સક્ષમ છે. તેના ઘરે પણ અંધારા છવાશે. અત્યાર સુધીમાં રાજ્યમાં પાંચેક લાખ સરકારી નોકરી આપવામાં આવી છે. હવે જો પાંચ વર્ષમાં દશ લાખ લોકોને સરકારી નોકરીમાં જોતરી દેવામાં આવશે તો સરકારી કચેરીઓમાં અરજદાર કરતા કર્મચારીઓની સંખ્યા વધી જશે.
જનતાને શ્રેષ્ઠ સુવિધા આપવી તે સારી વાત છે અને સરકારનો રાજધર્મ પણ છે પરંતુ જે રિતે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં મતોની લ્હાણી કરવા “મફ્ત” બિયારણ રોપી રહ્યા છે તે રાજ્યના હિતમાં તો ક્યારેય નથી. જે રિતે જંતુનાશક દવા અને યુરિયા ખાતરના આડેધડ ઉપયોગ બાદ હવે આપણને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાય રહ્યું છે. બસ તે રિતે જ જ્યારે “મફ્ત” સુવિધાની મોજ માણ્યા બાદ પાઘડીનો વળ છેડે આવશે ત્યારે ખબર પડશે કે મફ્તનું ખાવાથી આર્થીક અપચો થઇ ગયો.
વેપારી વર્ગને પોતાની તરફ આકર્ષીત કરવા કેજરીવાલ વચનોની હારમાળા સર્જી રહ્યા છે. પરંતુ એકવાત ભૂલવી ન જોઇએ કે ગુજરાતમાં વેપાર કરવા માટે તમામ પ્રકાર સાનૂકૂળ વાતાવરણ હોવાને કારણે હાલ રાજ્યનો વિકાસ રાજાની કુંવરીની માફક થઇ રહ્યો છે. મફ્તની રેવડી ગુજરાતમાં “વિકાસ” શાંત વાતાવરણ આર્થીક રીતે ડામાડોળ કરી નાંખશે. બજેટ કરતા આશરે 50 ટકા રકમ જો “મફ્ત” ખર્ચાય જશે તો ગુજરાતની હાલત શું થશે તેની કલ્પના કરવી પણ હચમચાવી દે છે.
- ટ્રાઈબલ એડવાયસરી કમિટીના અધ્યક્ષ તરીકે માત્ર આદિવાસીની જ નિમણૂંક કરાશે
- આદિવાસી સમાજ માટે જાતિ પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા સરળ બનાવીશું: અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલ જી એ જણાવ્યું હતુ કે અમે આદિવાસી સમાજ માટે ગેરંટી આપવા જઈ રહ્યા છીએ. 75 વર્ષ થઇ ગયા છે ભારતને આઝાદ થયે, છતાંય આદિવાસી સમાજ પછાત જ રહી ગયું. બધાએ મળીને તેમનું ફક્ત શોષણ જ કર્યું છે. આદિવાસી સમાજ ની સંસ્કૃતિ અલગ છે, તેમના રીતિરિવાજ અલગ છે, અને તે બીજા બધા સમાજ કરતા વધારે પછાત રહી ગયા છે, એટલે આદિવાસી સમાજ માટે આપણા બંધારણ માં અલગ જ વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ એક પણ સરકાર તે વ્યવસ્થાઓ લાગુ કરવા તૈયાર નથી, બધાની નજર તેમની જમીન, તેમના જંગલો, તેમનું પાણી તે બધા પર જ રહે છે કે કેવી રીતે તે તેણે લૂંટી લે.
એટલે જ્યારે અમારી સરકાર બનશે તેમાં આદિવાસીઓ માટે અમારી પહેલી ગેરંટી છે કે, બંધારણ ના પાંચમા શેડ્યુલ માં આદિવાસીઓ માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે, તે સંપૂર્ણ વ્યવસ્થા ને લાગુ કરવામાં આવશે. પેશા કાનૂન જેમાં ગ્રામસભાની જોગવાઈ છે, કે ગ્રામસભા ની મરજી વગર કંઈ કરી શકાશે નહિ તેને કડકાઈ રૂપે લાગુ કરવામાં આવશે. અને ટ્રાઈબલ એડવાયસરી કમિટી છે તેનું કામ છે કે, આદિવાસી સમાજ માં કેવા પ્રકાર ના વિકાસ ની જરૂર છે, તેમના માટે જે ફંડ આવે છે તેને કેવી રીતે વાપરવામાં આવે તે બધું નિષ્પક્ષ રૂપે જોવામાં આવે અને કાયદા પ્રમાણે તે ટ્રાઈબલ એડવાયસરી કમિટી નું ચેરમેન કોઈ ટ્રાઈબલ જ હશે એવું નક્કી કરેલ છે, પરંતુ ગુજરાતમાં ટ્રાઈબલ એડવાયસરી કમિટી ના ચેરમેન મુખ્યમંત્રી ને બનાવવામાં આવ્યા છે, તેને બદલવામાં આવશે અને તે ટ્રાઈબલ એડવાયસરી કમિટી ના ચેરમેન કોઈ ટ્રાઈબલ ને જ બનાવવામાં આવશે.