૩૦ જાન્યુઆરીએ પ્રથમ કેસ સામે આવ્યા બાદ અત્યારે આંકડો ૫ લાખને પાર પહોંચ્યો
દેશમાં કોરોના વાઈરસના દર્દીનો આંકડો ગઈકાલે ૫ લાખને પાર થઈ ગયો હતો. આજે આંકડો ૫.૧૦ લાખને પણ વધી જવા પામ્યો છે. છેલ્લા ૬ દિવસમાં કોરોનાના દર્દીની સંખ્યા ૪ લાખથી વધી ૫ લાખ થઈ છે. ૨૦ જૂનના રોજ સંક્રમિતોની સંખ્યા ૪ લાખને પાર થઈ ગઈ હતી. દેશમાં ૩૦ જાન્યુઆરીના રોજ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. ત્યારબાદના ૧૧૦ દિવસ એટલે કે ૧૦ મેના રોજ સંખ્યા એક લાખ થઈ હતી.
ત્યારબાદ સંક્રમણની ઝડપમાં વેગ આપ્યો અને ફક્ત ૧૫ દિવસમાં આંકડો ૨ લાખને પાર થઈ ગયો. ત્યારબાદ સંક્રમિતોની સંખ્યા ૨ લાખથી વધી ૩ લાખ થવામાં ૧૦ દિવસ લાગ્યા. જ્યારે ૩થી ૪ લાખ કેસ થવામાં ૮ દિવસ અને પછી ૪ લાખથી ૫ લાખ કેસ થવામાં ફક્ત ૬ દિવસનો સમય લાગ્યો છે. તેનો અર્થ એવો થાય છે કે હવે દેશમાં ૬ દિવસે એક લાખ નવા કેસ આવી રહ્યા છે.
જો આ પ્રકારની ઝડપ રહેશો તો આગામી સપ્તાહ ભારત રશિયાને પાછળ છોડી ત્રીજા ક્રમનો સૌથી વધુ સંક્રમિતો ધરાવતો દેશ બની જશે.
દેશમાં ૫૮ ટકા દર્દીઓ સાજા થયા
રાહતની વાત એ છે કે અન્ય દેશોની તુલનામાં ભારતમાં રિકવરી રેટ ખૂબ જ સારો છે. અહીં અત્યાર સુધી ૫ લાખ દર્દીમાં ૨.૯૭ લાખ લોકોને સારું થઈ ગયું છે. રિકવરી રેટ ૫૮.૧૩ ટકા છે. એટલે કે ૧૦૦ પૈકી ૫૮ દર્દીને સારું થઈ રહ્યું છે. ૫ લાખ પૈકી સૌથી વધારે સંક્રમિતો ધરાવતા દેશમાં સૌથી સારો રિકવરી રેટ રશિયાનો છે. અહીં ૬૧.૮૮ ટકા દર્દીને સારું થયું છે. સૌથી ઓછો રિકવરી રેટ અમેરિકાનો છે. અત્યાર સુધી ૪૧.૦૧ ટકા દર્દીને સારું થયું છે.
આપણા માટે આ છે રાહતની વાત
રાહતની વાત એ છે કે અન્ય દેશોની તુલનામાં ભારતમાં કોરોનાની ઝડપ ઘણી ધીમી છે. અમેરિકામાં સૌથી વધારે ૮૨ દિવસમાં ૫ લાખથી વધારે કોરોના પોઝિટિવ નોંધાયા હતા. ભારત આ બાબતમાં ૧૪૯ દિવસનો સમય લાગ્યો. ભારત વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમનો દેશ છે. અમેરિકામાં સૌથી ઓછા ૮૨ દિવસમાં ૫ લાખ કેસ આવ્યા.
હવે ૩ દિવસમાં ૫૦ હજાર દર્દી મળી રહ્યા છે
દેશમાં ૬ મેના રોજ કોરોનાના દર્દીનો આંકડો ૫૦ હજાર હતો. એટલે કે દેશમાં સંક્રમણની શરૂઆતથી લઈ ૫૦ હજાર કેસ થવામાં ૯૮ દિવસનો સમય લાગ્યો હતો. ત્યારબાદ તેની ઝડપ વધારે તેજ થઈ ગઈ. પ્રથમ ૫૦ હજાર કેસ થવામાં ૧૨ દિવસ, એક લાખથી ૧.૫ લાખ કેસ થવામાં ૮ દિવસ અને ૧.૫ લાખથી ૨ લાખ દર્દી ત્યારપછીની ૭ દિવસમાં મળ્યા. હવે પ્રત્યેક પાંચ દિવસમાં ૫૦ હજાર કેસ આવી રહ્યા છે. ૨ લાખથી ૨.૫ લાખ કેસ થવામાં ૫ દિવસ અને ૨.૫ લાખથી ૩ લાખ કેસ થવામાં ૫ દિવસ સમય લાગ્યો હતો. ૩ થી ૩.૫ લાખ કેસ થવામાં ૪ દિવસ અને ત્યારબાદ ૩.૫ લાખથી ૪ લાખ કેસ થવામાં ૪ દિવસ લાગ્યા. હવે પ્રત્યેક ૩ દિવસે ૫૦ હજાર કેસ થઈ રહ્યા છે. એટલે કે ૪ લાખથી ૪.૫ લાખ થવામાં ૩ દિવસ અને ૪.૫ લાખથી ૫ લાખ કેસ થવામાં ૩ દિવસનો સમય લાગ્યા છે.