સરકારી યોજનાઓનો લાભ લેવા માટે હવે આધારકાર્ડ ફરજીયાત
૩૦ જુન સુધીમાં આધારકાર્ડ ધારક જ ત્રણ ડઝન સ્કીમનો લાભ લઈ શકશે. જી હા, ત્રણ ડઝન સ્કીમો માટે આધાર ફરજીયાત કરી દેવાયું છે. સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર ૫૦ વધુ એવી યોજનાઓ આવી રહી છે. જેના માટે જે આધારકાર્ડ જરૂરી બનશે. એકંદરે, સરકાર લોકોમાં આધારકાર્ડ અંગે વધુને વધુ જાગૃતિ લાવવા માગે છે. હજુ ઘણા બધા એવા લોકો છે જે આધારકાર્ડ ધરાવતા નથી અથવા પોતાનું આધારકાર્ડ બનાવવામાં રસ રુચિ ધરાવતા નથી પરંતુ સરકાર હવે પોલીસી જ એવી ઘડી રહી છે કે જો આધારકાર્ડ હશે તો જ ગવર્નમેન્ટ સ્કીમનો લાભ મળી શકશે.
દેશના તમામ રાજયોમાં ૫ થી ૧૮ વર્ષના વયના લોકો જેઓ આધારકાર્ડ નથી ધરાવતા તેમના માટે આધારકાર્ડ ફરજીયાત કરી દેવાયું છે. કેમ કે, મોટાભાગના વયસ્કો પાસે હવે આધારકાર્ડ છે પરંતુ આ વયજૂથના અમુક ટકા લોકો હજુ આધારકાર્ડ વિહોણા છે. આ સિવાય ડાયરેકટ સબસીડી બેનીફીટ ટ્રાન્સફર પ્રોગ્રામ સહિતની ડઝનબંધ સરકારી યોજનાઓ છે. જેનો લાભ લેવો હોય તો આધારકાર્ડ ફરજીયાતપણે જોઈશે. મધ્યાહન ભોજન અને સર્વ શિક્ષા અભિયાન યોજનાનો લાભ લેવા આધારકાર્ડ ફરજીયાત કરી દેવાશે તેવો અહેવાલ નિષ્ણાંતોએ ઓગસ્ટ ૨૦૧૬માં જ આપ્યો હતો. જાણકાર સુત્રોના અહેવાલ સાચો પડયો છે.
આધારકાર્ડ જ ‘આધાર’!
હવે જે રીતે સરકારી ચોપડે ચિત્ર ઉપસી રહ્યું છે તે મુજબ આધારકાર્ડ જ લોકોને આધાર બનશે. પછીએ ૫ વર્ષનું બાળક હોય કે સીનીયર સીટીઝન હોય તેમણે પોતાના ઓળખના (આઈડી પ્રુફ) પુરાવાથી માંડીને વિવિધ સરકારી યોજનાનો લાભ મેળવવો હશે તો આધાર કાર્ડ જ તેમનો મુખ્ય આધાર બની રહેશે તે નકકી છે.