અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરની જનતા માટે રાહતના સમાચાર છે. રાજ્યના ચાર મહાનગરોમાં લાગુ રાત્રિ કર્ફ્યૂના સમયમાં સરકારે રાહત તો આપી છે પરંતુ કર્ફ્યૂને લંબાવી પણ દીધું છે. હવે રાત્રે નવ વાગ્યાના સ્થાને ૧૦ વાગ્યાથી કર્ફ્યૂ શરૂ રહેશે અને તે સવારે છ વાગ્યા સુધી અમલી રહેશે. આ સાથે રાત્રિ કર્ફ્યૂને ૧૪ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. પહેલી જાન્યુઆરીથી હવે તમામ મહાનગરોમાં રાત્રે ૧૦ થી સવારે છ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે.
આ અગાઉ રાત્રિનાં ૯થી સવારે સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી પણ હવે પહેલી જાન્યુઆરીથી કર્ફ્યૂ રાત્રે ૧૦ વાગ્યાથી શરૂ થશે. જેનાથી લાગી રહ્યું છે કે કોરોનાને નાથવા માટે સરકાર હજી પણ રાત્રિ કર્ફ્યૂં હટાવવાનાં મૂડમાં નથી.
૧૪ જાન્યુઆરી સુધી. એટલે કે ઉત્તરાયણ સુધી રાત્રિ કર્ફ્યૂની આ સમય વ્યવસ્થા લાગૂ રહેશે. ચારેય મહાનગરોમાં ૧ જાન્યુઆરીથી રાત્રિ કર્ફ્યૂનો અમલ રાત્રિના ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી રહેશે. છેલ્લા ૧૫ દિવસથી કોરોનાના કેસોની સંખ્યા સતત ઘટતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. આજે તો ૮૦૦ની નીચે કોરોનાના નવા કેસ નોંધાયા હતા.
દિવાળી પછી કોરોનાએ તરખાટ મચાવતા ચારેય મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. જો કે, હોટેલ, રેસ્ટોરંટ સહિતના કેટલાક ઉદ્યોગોએ કર્ફ્યૂના સમયમાં છૂટછાટ આપવાની માંગણી કરી હતી.
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૭૯૯ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ ૭ લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક ૪૩૦૨ પર પહોંચ્યો છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા ૨,૪૪,૨૫૮ પર પહોંચી છે.