આજે સાંજે યોજાનાર પ્રબુધ્ધ નાગરિક સંમેલનમાં કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી ઉદ્બોધન આપશે
પત્રકાર પરિષદ સંબોધતા મંત્રી હરદીપ પૂરીએ સ્વચ્છ ભારત મીશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, અમૃત યોજના, સ્માર્ટ સીટી અને અર્બન મોબીલીટી પર ચર્ચા કરી કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા ત્યારે આ મુલાકાત દરમિયાન તેઓએ આજે સરકીટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી ત્યારે સરકારના પાંચ મહત્વલક્ષી મુદ્દાઓ ઉપર વાત કરી હતી.
પત્રકાર પરિષદ સંબોધયા બાદ તેઓ રાજકોટ મહાનગરપાલિકાના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ પ્રાપ્ત કરી ચૂકેલા પ્રોજેકટની મુલાકાત લીધી હતી તેમજ રાજકોટના આઈવે પ્રોજેકટ સેન્ટરની મુલાકાત લઈ વિવિધ માહિતી મેળવી હતી. ઉપરાંત આજે સાંજે યોજાનાર પ્રબુધ્ધ નાગરિક સંમેલનમાં પણ તેઓ પોતાનું ઉદબોધન આપનાર છે.
પત્રકાર પરિષદ સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી અને અખિલ વિદ્યાર્થી પરિષદ સાથે મારો જૂનો સંબંધ છે. અહીં હું એક મંત્રી તરીકે નહીં પરંતુ ભાજપના કાર્યકર્તા તરીકે આવ્યો છું, ૨૦૧૯ વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે સરકાર દ્વારા દેશના તમામ અલગ અલગ શહેરોમાં જઈને લોકોને એજન્ડા તેમજ સવાલોને એકત્રીત કરવાના છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ૨૦૧૪માં ૫ ફલેકસીબલ પ્રોગ્રામ રજૂ કર્યા હતા જે અંતર્ગત સ્વસ્થ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, અમૃત યોજના, સ્માર્ટ સિટી અને અર્બન મોબીલીટી પ્રોજેકટ પર અમે કામ કરી રહ્યાં છીએ અને આગામી ૨૦૨૨ સુધીમાં લગભગ બધા જ કામો પૂર્ણ થઈ જશે. સ્વચ્છ ભારત મિશનની વાત કરતા મંત્રી પુરીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કુલ ૬૭ લાખ ટોયલેટ સમગ્ર દેશમાં બનાવવામાં આવ્યા છે અને આગામી ૧લીથી બે મહિનામાં સમગ્ર પ્રોજેકટ પૂરો થઈ જશે. સ્વચ્છ ભારત મિશનનો પ્રોજેકટ માત્ર સરકારી જ નહીં પરંતુ હવે જન આંદોલન બની ગયો છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ૨૦૨૨ સુધીમાં દરેક ભારતીયોને પોતાનું ઘર હોવું જોઈએ. જેમાં અદ્યતન ફેસેલીટી પણ હશે તેમજ શૌચાલયથી લઈને કિચન સુધી બધુ મોર્ડન હશે. આવાસ યોજના હેઠળ ૧ કરોડ જેટલા ઘર બનાવવાનો અમારો ટાર્ગેટ હતો જેમાં અત્યાર સુધી દેશભરમાં ૭૩ લાખ આવાસો બનાવી દેવાયા છે અને આગામી ૨૦૨૨ સુધીમાં ૧ કરોડ ઘર બનાવવાનો લક્ષ્યાંક પૂર્ણ થઈ જશે.
અમૃત યોજના વિશે તેઓએ જણાવ્યું હતું કે, અમૃત યોજનામાં દેશના ૫૦૦ શહેરની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ૧ લાખથી ઉપરની જનસંખ્યામાં લોકો જોડાયા છે અને આ યોજના ૨૦૨૦ના માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે.
સ્માર્ટ સિટી અંતર્ગત તેઓએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં સ્માર્ટ સિટીમાં રાજકોટનું નામ પણ જાહેર થયું છે. આગામી ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં વધુ ૫૦ શહેરો સ્માર્ટ સિટી અંતર્ગત આવી જશે. મેટ્રો વિશે તેઓએ જણાવ્યું હતું કે, ભારતના તમામ શહેરોમાં મળી હાલ ૫૮૫ કિલોમીટર ઉપર મેટ્રો ટ્રેનનું કામ ચાલી રહ્યું છે. અમદાવાદથી મુંબઈ સુધી પણ મેટ્રો ટ્રેનના ત્રીજા ફેસનું કામ પૂર્ણ થઈ જશે અને આ અમદાવાદથી મુંબઈ સુધીની મેટ્રો ટ્રેન જલદીથી શ‚ કરી દેવામાં આવશે.
શહેરી વિસ્તારોમાં જગ્યાની નહીં પરંતુ બેન્કેબલ યોજનાની કમી: પુરી
કેન્દ્રીય શહેરી વિકાસ રાજયમંત્રી હરદીપ પુરીએ અબતકને આપેલી ખાસ મુલાકાતમાં શહેરી વિસ્તારોમાં જમીનની તંગી વર્તાય રહી છે ત્યારે એફએસઆઈ વધારવી જોઈએ કે કેમ ? તેના જવાબમાં જણાવ્યું હતું કે, કોઈપણ શહેરી વિસ્તારોમાં જગ્યાની કમી નથી ખાલી બેન્કેબલ પ્રોજેકટની કમી છે.
શહેરી વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૭૩ લાખ આવાસો બની ગયા છે. હમણા જ દિલ્હીમાં જમીન મળેલી છે તેમાં ૧૭ લાખ આવાસો બની રહ્યા છે. રાજકોટ સહિત ગુજરાત અને દેશભરના શહેરી વિસ્તારોમાં આવાસોના કામ ચાલી રહ્યા છે. મુંબઈમાં પહેલા એફએસઆઈ ૧.૩ હતું તે રહેણાંક ઉપયોગ માટે ૧.૫ કરી દેવામાં આવ્યું છે.
એક સમયે મુંબઈ અને ચીનના સાંધાઈમાં એક સરખી સ્થિતિ હતી. આજે સાંધાઈ ઘણુ આગળ નીકળી ગયું છે તેની પાછળનું કારણ શહેરીકરણ માટે કેવી રીતે આયોજન કરવામાં આવે તેના પર મદાર છે પરંતુ હવે મોદી સરકાર નિયતભેર કામ કરી રહી છે અને અમારી કામ કરવા માટેની જે રીત છે.
તેમાં શહેરો માટે આવાસ બનાવવામાં જમીનની સમસ્યા વચ્ચે નહીં આવે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની એર્ફોડેબલ આવાસ સ્કીમને મળી રહેલા નબળા પ્રતિસાદથી પીપીપીને પ્રોત્સાહન આપવું જોઈએ કે કેમ ? તે અંગેના પ્રશ્ર્નના જવાબમાં પુરીએ જણાવ્યું હતું કે, તેમાં ચાર વર્ટીકલ છે તેમાં એક એર્ફોટેબલ હાઉસીંગ સ્લમ એરીયા રીહેબેલીટીશન વગેરે યોજનાઓ છે. તેમાં અનેકમાં પીપીપી છે. પીપીપી યોજનામાં આઠ ઓપશન છે જેમાં સરકારે જમીન માટે અને બે ખાનગી જમીનો માટે છે.
આતંકવાદી હુમલાઓમાં ઘરના ગદારોની ભૂમિકા મહત્વપૂર્ણ હતી. તેમની સામે તમારી સરકાર કેવી રીતે કામ કરશે તે અંગે પુરીએ જણાવ્યું હતું કે, પુલવામામાં થયેલા આતંકી હુમલામાં ૧૦૦ કિલો હાઈકવોલીટીનું આરડીએકસ વપરાયું હતું. જેથી સ્પષ્ટ થાય છે કે આવા હુમલામાં દેશના માણસો સંડોવાયેલા છે અને તેઓ આતંકવાદીઓની મદદ કરે છે પરંતુ આપણી ગુપ્તચર એજન્સીઓ છે તે ખુબ કાબેલ છે અને મને પુરો વિશ્ર્વાસ છે કે તેઓ આવા ગદારોને શોધીને યોગ્ય સજા કરાવશે.