પાન, ચા, ફરસાણના વેપારીઓ અને બંધ જોવા નીકળેલા શખ્સોએ લોકઅપમાં રાત વિતાવી: ૮૪ વાહન ડીટેઇન કરાયા
સમગ્ર વિશ્ર્વમાં કોરોનાનો કહેર શરૂ થતા કોરોનાનો ચેપ આગળ વધતો અટકાવવા વધુ ૨૧ દિવસ માટે જનતા કરફર્યુ જાહેર કરવામાં આવતા કરફર્યુનો ભંગ કરી ચા, પાન, ખાણી-પીણી, ફરસાણના વેપારી અને બંધ જોવા નીકળેલા શખ્સો સામે પોલીસે જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરી ધરપકડ કરી છે.
કોરોનાથી ગુજરાત પ્રભાવિત થતા ગત રવિવારથી જ જનતા કરફર્યુ જાહેર કરાયો હતો તેમ છતાં કરફર્યુનો ભંગ કરી વેપારીઓએ પોતાના કામ ધંધા શરૂ કર્યા હતા તો કેટલાક શખ્સો બંધ જોવા માટે નીકળતા સોમવારે પોલીસે ૧૨૫ જેટલા શખ્સો સામે કાર્યવાહી કર્યા બાદ ગઇકાલે જાહેરનામાનો ભંગ કરતા વધુ ૧૦૦ જેટલા વેપારીઓ સામે કાર્યવાહી કરી ૮૪ વાહન ડીટેઇન કર્યા છે.
રાજકોટના જામનગર રોડ પર નાગેશ્ર્વર ખાતે રહેતા અને ગાંધીગ્રામના રામાપીર ચોક નજીક શાસ્ત્રીનગરમાં ફરસાણની દુકાન ધરાવતા નિલેશ તળશી વાડોલીયા અને રઘુવીરપરામાં રહેતા અને નાગેશ્ર્વર ખાતે મધુરમ બેકરી ધરાવતા મયંક અનિલભાઇ લોહાણા વેપારીની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે.
જ્યારે રાજકોટ જિલ્લાના જેતપુર શહેર અને ગ્રામ્યમાં ૧૨, શાપર ઇન્ડસ્ટ્રીય વિસ્તારમાં ૫, ઉપલેટામાં ૧ અને ગોંડલ તાલુકા અને શહેરમાં ૪ વેપારીની પોલીસે ધરપકડ કરી છે.
જામનગરના કાલાવડમાં ગઇકાલે પોલીસે આઠ વેપારીઓની જાહેરનામા ભંગના ગુનામાં ધરપકડ કર્યા બાદ ગોવિંદ દોલતરામ સિંધીએ પોતાની બજરંગ પાન નામની દુકાન ખુલ્લી રાખતા પોલીસે જાહેરનામા ભંગના ગુનામાં ધરપકડ કરી છે.
ભાવનગરના ૩૦ જેટલા વેપારીઓ સામે ગઇકાલે પોલીસે જાહેરનામા ભંગના ગુના નોંધ્યા બાદ આજે વધુ આઠ વેપારી સામે કરફર્યુનો ભંગ કરી વેપાર-ધંધા ચાલુ રાખતા ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.
મોરબી જિલ્લામાં પોલીસે કરફર્યુનો ભંગ કરી વેપાર-ધંધા ચાલુ રાખી વાહનમાં અવર જવર કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરી પોલીસે ૫૦ જાહેરનામા ભંગના કેસ કર્યા છે, ૬૬ વાહન ડીટેઇન કર્યા છે. પોલીસે અત્યાર સુધીમાં કુલ ૧૧૭ કેસ કરી કરફર્યુને અસરકારક બનાવ્યું છે.