ખોટા સર્ટિફિકેટ રજૂ કરી 24 ગ્રાહકોને ગોલ્ડ લોન આપી
શહેરનાં ટાગોર રોડ ઉપર આવેલી એસબીઆઈની આર.કે.નગર બ્રાન્ચ અને જાગનાથ બ્રાન્ચમાં નકલી સોનાનાં દાગીનાં રજુ કરી રૂા. ૧.૮૩ કરોડની લોન મેળવી લેવાયાનુ. મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં મુખ્ય સુત્રધાર તરીકે બેંકની બન્ને શાખાનાં વેલ્યુઅર ધવલ રાજેશ ચોકસીનું નામ ખુલ્યું છે. તેને ઉપરાંત લોન મેળવનાર ૨૪ જણાને આરોપી બનાવી એ.ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવાઈ છે.
એસબીઆઈની સરકીટ હાઉસ સામેની ઓફીસમાં રીઝનલ મેનેજર તરીકે ફરજ બજાવતા રોમેશ મુન્શીરામ કુમારે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, તેની બેંકમાં જે ગોલ્ડ લોન આપવામાં આવે છે તેમાં બેંકનાં વેલ્યુઅર દ્વારા સોનાનાં ઘરેણાનું વજન, કેરેટ અને મારકેટ વેલ્યુ ઉપરાંત ઘરેણાં ક્યા પ્રકારનાં છે તેની નંગ મુજબ સંખ્યા અને બજાર કિંમત મુજબનું સર્ટીફીકેટ આપવામાં આવે છે.
ત્યારબાદ બેંક દ્વારા ઘરેણાંની કિંમત મુજબ લોન આપવામાં આવે છે. બેંકની આર.કે.નગર અને જાગનાથ શાખાનાં વેલ્યુઅર તરીકે ધવલ ચોકસીની ૨૦૨૦માં નિમણુંક કરાઈ હતી. જેણે બન્ને શાખામાં 24 ગ્રાહકોએ રજુ કરેલા સોનાના દાગીના 24 કેરેટના હોવાનું સર્ટીફીકેટ આપતા બેંક દ્વારા લોન અપાઈ હતી.
ગ્રાહકો દ્વારા જે દાગીના લોનના બદલામાં બેંકમાં આપવામાં આવે છે તેને બેંકનાં સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે. જેનું વર્ષમાં ઓછામાં ઓછુ બે વાર ઓડીટ કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન દાગીનાનું પેકેટ ખોલી તેની શુધ્ધતા અંગે ચકાસણી કરવામાં આવે છે.
ગઈ તા. ૧૬.૧૦.૨૦૨૧નાં રોજ આર.કે. નગરનાં મેનેજરે રવિ કુમારે તેને કોલ કરી કહ્યું કે, આપણી બેંકનાં વેલ્યુઅર ધવલ ચોકસીએ દાગીના અંગે જે સર્ટીફીકેટ આપ્યા છે તેમાં તેને શંકા જતાં બીજા વેલ્યુઅર કમલભાઈ વડનગરાને બોલાવી ચકાસણી કરાવતા કંઈક શંકાસ્પદ હોવાનો અભિપ્રાય આપ્યો છે.
જેથી તેણે મેનેજર રવિકુમારને તમામ દાગીના ચેક કરાવવાનું કહેતા બીજા વેલ્યુઅર પાસે તપાસ કરાવી હતી. જેમાં દાગીના નકલી હોવાનો માલુમ પડ્યું હતું. આ રીતે બેંકનાં વેલ્યુઅર ધવલ ચોકસીએ આર.કે.નગર શાખામાં ૧૪ અને જાગનાથ બ્રાન્ચમાં ૧૦ મળી કુલ ૨૪ ગ્રાહકોનાં દાગીના નકલી હોવા છતાં ૨૨ કેરેટનાં હોવાનો ખોટો અભિપ્રાય આપ્યાનું ખુલ્યું હતું.