- દેશના વિકાસનું ગ્રોથ એન્જિન ગુજરાત ‘ગેટ વે ટુ ધી ફ્યુચર’ સાથે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં પણ લીડ લઈ રહ્યું છે: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચોથી છઊ સમિટના બીજા દિવસે આયોજિત ગુજરાત સેશનમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, દેશના વિકાસનું ગ્રોથ એન્જિન ગુજરાત, ગ્લોબલ ડેસ્ટિનેશન અને ‘ગેટ વે ટુ ધી ફ્યુચર’ સાથે રિન્યુએબલ એનર્જી સ્ત્રોતનો મહત્તમ વિનિયોગ કરીને તે ક્ષેત્રે પણ લીડ લઈ રહ્યું છે.
વિન્ડ એનર્જી અને સોલાર એનર્જીના ઉત્પાદનમાં ગુજરાત અગ્રણી રાજ્ય છે. રાજ્યની 50 હજાર મેગાવોટથી વધુની ઇન્સ્ટોલ્ડ એનર્જી કેપેસિટીમાં 54 ટકા હિસ્સો રિન્યુએબલ એનર્જીનો છે.
આ ઉપરાંત મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કુલ ચાર એમઓયુ સાઈન કરવામાં આવ્યા હતા. જેમાં પીજીસીઆઇએલ અને ગુજરાત સરકાર વચ્ચે રૂ. 5 હજાર કરોડ, જીએસએફસી અને જીયુવીએનઆઇ વચ્ચે રૂ. 59 હજાર કરોડ, અવાડા એનર્જી અને જીપીસીએલ વચ્ચે રૂ. 85 હજાર કરોડ તેમજ જુનીપર ગ્રીન એનર્જી અને જીઇડીએ વચ્ચે રૂ. 30 હજાર કરોડના એમઓયુ સાઈન થયા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ફોસિલ ફ્યુઅલ પરની નિર્ભરતા ઘટાડીને પર્યાવરણ સંરક્ષણ સાથે ઉર્જા સુરક્ષા અને ગ્રીન એનર્જીના નવતર આયામો આપ્યા છે. દેશનો પહેલો સોલાર પાર્ક તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ચારણકામાં શરૂ થયો હતો તથા હવે ગુજરાત દેશના પ્રથમ સોલાર વિલેજ મોઢેરાનું પણ ગૌરવ ધરાવે છે.
તેમણે કચ્છના 37 ગીગાવોટના હાઇબ્રિડ એનર્જી પાર્ક, 4 સેમિકંડક્ટર પ્લાન્ટ તથા ગુજરાતની સેક્ટર સ્પેસિફિક પોલિસીઝ ખાસ કરીને રિન્યુએબલ એનર્જી પોલિસી તથા ગ્રીન હાઈડ્રોજન પોલિસીનો ઉલ્લેખ કરતાં છઊ સમિટના હિતધારકોને તેનો અભ્યાસ કરવા અને લાભ લેવા અનુરોધ પણ કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે વડાપ્રધાનના વિઝન અનુસાર ગુજરાતને સોલાર પેનલ તથા વિન્ડ ટર્બાઇન મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનમાં અગ્રિમ રાખવાના ધ્યેય સાથે આપણે આગળ વધ્યા છીએ.
રિન્યુએબલ એનર્જી દ્વારા એનર્જી સિક્યુરિટી, ક્લીન એનર્જી અને નેટ ઝીરો – આ ત્રણેય લક્ષ્ય સિદ્ધ કરવા સાથે રિન્યુએબલ એનર્જીમાં આત્મનિર્ભરતા માટે આ સમિટ મહત્વપૂર્ણ બનશે તેવી અપેક્ષા તેમણે દર્શાવી હતી.
સંપૂર્ણ સહભાગિતા સાથે રિ ઇન્વેસ્ટ સમિટની યજમાની કરવા બદલ કેન્દ્રીય નવીન અને નવીકરણીય ઊર્જા મંત્રી પ્રલ્હાદ જોશીએ ગુજરાતના મુખ્યમંત્રી સહિત સમગ્ર રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ આજે ગુજરાતને દરેક ક્ષેત્રમાં વિશેષ પ્રભાવની સાથે પ્રગતિશીલ રાજ્ય તરીકે ઓળખે છે. દાયકાઓથી ગુજરાત નવીનીકરણ ઊર્જાના વિકાસમાં અગ્રેસર રહ્યું છે. રિન્યુએબલ એનર્જી પોલિસી બનાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. વડાપ્રધાનએ તાજેતરમાં કહ્યું હતું તેમ, ગુજરાત એ રાજ્ય છે જ્યાં શ્વેત ક્રાંતિ – મધુક્રાંતિ થઈ છે. ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ક્રાંતિ શરૂ થઈ ગઈ છે.
ક્લાયમેટ ચેન્જ માટે અલાયદો વિભાગ બનાવનારું ગુજરાત સમગ્ર વિશ્વનું પ્રથમ રાજ્ય છે. ગુજરાતમાં 300 દિવસ ભરપૂર માત્રામાં સૂર્યપ્રકાશ આવતો હોવાથી, ગુજરાતમાં સોલાર ઊર્જાની ક્ષમતા વધારવાની અનેક શક્યતાઓ રહેલી છે. સાથે જ દેશનો સૌથી લાંબો દરિયાકિનારો હોવાથી પવન ઊર્જામાં પણ ભરપૂર સંભાવનાઓ રહેલી છે. ગુજરાત અગાઉ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને વર્તમાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ આ ક્ષમતાઓને ઓળખીને આ સંશાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી રહ્યું છે.
રિન્યુએબલ એનર્જી ટેક્નોલોજી સ્થાપવા માટે ગુજરાત સ્માર્ટ ચોઇસ છે, તેમ કહી કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું કે, ભારતની સૌર ઉત્પાદન ક્ષમતામાં ગુજરાતનો હિસ્સો લગભગ 53 ટકા જેટલો છે. પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના હેઠળ, દેશમાં 3.5 લાખ ગ્રાહકોએ રૂફટોપ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે, જેમાં 50 ટકા ઇન્સ્ટોલેશન પહેલેથી જ પૂર્ણ થઈ ચૂક્યું છે. ક્લીન એનર્જી પહેલ માટે ગુજરાતને રૂ. 4,490 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેનો ગુજરાતે શ્રેષ્ઠતમ ઉપયોગ કર્યો છે.
તેમણે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, ગુજરાતે વર્ષ 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી ક્ષમતા 100 જીડબલ્યુ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. રૂફટોપ સોલાર સિસ્ટમની સ્થાપનામાં ગુજરાતે દાખલો બેસાડ્યો છે. અન્ય રાજ્યોએ પણ ગુજરાત મોડલને અનુસરીને પોલિસી સપોર્ટ આપવાનું શરૂ કરવું જોઈએ. ગુજરાત ખરેખર ભારતનું ગૌરવ છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું હતું કે, ભારત તમામ ક્ષેત્રોમાં રિન્યુએબલ એનર્જીને અપનાવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આવા ટ્રાન્ઝિશન સમયમાં રી-ઇન્વેસ્ટ 2024ની યજમાની કરવી એ ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે. ગુજરાત અત્યારે રૂફટોપ સોલાર સિસ્ટમની સ્થાપના માટે તેમજ પવન ઊર્જા ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ છે. જ્યારે, સોલાર ઊર્જા ઉત્પાદનમાં પણ ગુજરાત દેશમાં દ્વિતીય ક્રમે છે.
ભારત સરકારના નવીન અને નવીકરણીય ઊર્જા મંત્રાલયના સચિવ ભૂપિન્દર સિંઘ ભલ્લાએ જણાવ્યું હતું કે, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત અત્યારે ભારતના મોડલ સ્ટેટ તરીકે ઉભરી રહ્યું છે. એટલા માટે જ, રિ ઇવેસ્ટ જેવી ફ્લેગશીપ સમિટના આયોજન માટે ગુજરાત સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે.