કિશોર વયના ગઠીયાની કળા સીસીટીવી કેમેરામાં કેદ : માળિયા ચોકડી પાસેથી પાસબુક મળી
હળવદ શહેરમાં ધોળા દિવસે ભર બજારમાં એક્સ આર્મીમેનની નજર ચૂકવી મોટરસાયકલના બેગમાં રાખેલ રૂ.૧.૬૦ લાખની રોકડ રકમ કિશોર વયનો ગઠીયો ચોરી કરી રફુચકકર થઇ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ પોલીસે તેના આધારે તપાસ આદરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હળવદના કીડી ગામના રહેવાસી એક્સ આર્મીમેન પરમાર હરજીવનભાઈ ભોજાભાઇ સિકયુરિટીમા નોકરી કરે છે. તેઓએ પોતાના પીએફના જમા થયેલા રૂ. ૧.૬૦ લાખ હળવદમાં આવેલ એસબીઆઇ બેન્કમાંથી ઉપાડી આ રોકડ અને બેંકની પાસબુક રૂમાલમાં મૂકીને તેઓએ મોટરસાયકલના થેલામાં રાખ્યા હતા. તેઓએ કીક મારીને બાઇક ચાલુ કર્યું એટલી વારમાં કીશોર વયનો ગઠિયો પૈસા લઈને રફુચકકર થઇ ગયો હતો.બાદમાં હરજીવનભાઈ પોતાના મિત્રને શભશભશ બેન્કમાં ૨ હજાર રૂપિયા દેવા ગયા હતા. ત્યા જઇને જોતા મોટરસાયકલના થેલામાં મુકેલા પૈસા ન દેખાતા તેઓને ચોરીની જાણ થઈ હતી. જેથી તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરતા સીસીટીવી ફૂટેજ જોતા કીશોર વયનો ગઠીયો પૈસા લઇને જતો કેમેરાના ફુટેજમાં કેદ થયો હતો. બાદમાં તેઓની પાસબુક માળીયા ચોકડી પાસેથી મળી આવી હતી.આ ઘટનાની જાણ કરતા હળવદ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી ફુટેજના આધારે કીશોર વયના ગઠીયાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.