૭૬૦૦ જેટલા બાકી ખેડૂતોને આધાર લીંકઅપ કરાવી લેવા અનુરોધ
જુનાગઢ તા. ૨૦ જૂનાગઢ જિલ્લાના ૧.૭૮ લાખ ખેડૂતો હાલ પી. એમ. કિસાન સમ્માન નિધિનો લાભ મેળવી રહયા છે. પરંતુ હજુ પણ અંદાજિત ૭૬૦૦ જેટલા ખેડૂતોએ તેમના બેંક ખાતા સાથે આધાર લીંકઅપ કે અપડેટ કરાવેલ નથી. ત્યારે આધાર લીંક અપ ન હોવાના કારણે આવા ખેડૂતો આ યોજનાના લાભથી વંચિત છે.
હાલમાં પી. એમ. કિસાન સમ્માન નિધિનો લાભ ન મેળવી શકનાર ખેડૂતોએ પોતાના આધાર લીંકઅપ માટે પી.એમ. કિસાન સમ્માન નિધિ પોર્ટલ પર ફાર્મર કોર્નર પર જઈ જાતે આધાર અપડેટ કરી શકાય છે. અથવા સંબંધિત ગામના તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક કે વી.સી.ઈ મારફત આધાર અપડેટ કરાવી લેવું. ઉપરાંત જે ખેડૂતોએ બેંક ખાતા નંબર, જનધન ખાતા, પાક ધિરાણ ખાતા ના આપેલ હોય તેઓએ બચત ખાતામાં જ સહાયની રકમ જમા થતી હોય તેથી બચત ખાતા સાથે આધાર લીંકઅપ કરાવી બેંક ખાતાની વિગતો અપડેટ કરાવી લેવી. જેથી આ યોજનાનો લાભ મળી શકશે.
આ ઉપરાંત કિસાન સમ્માન નિધિ યોજનામાં જે ખેડૂતોએ સેલ્ફ રજીસ્ટ્રેશન કરાવેલ છે તેવા ખેડૂતોએ તેમના ખેતી સંબંધી દસ્તાવેજ એપ્રુવલ માટે સંબંધિત ગામના તલાટી કે વી.સી.ઈ.ને આપવા જરૂરી છે. જેથી તેમને આ યોજનાનો લાભ મળતો થઈ જશે તેમ એક યાદીમાં જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લામાં આ યોજના કાર્યરત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ખેડૂતોને અંદાજીત રૂ.૧૭ કરોડ જેટલી સહાય ચૂકવી દેવામાં આવી છે