21 મે થી 31 મે દરમિયાન 13 ભાષામાં યોજાશે પ્રવેશ પરીક્ષા
ચાલુ વર્ષની કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડર ગ્રેજયુએટ (સીયુઇટી-યુજી) માટે 14 લાખ વિધાર્થીઓએ અરજી કરી છે જે ગત વર્ષની સરખામણીમાં 41 ટકા વધારે છે.અરજીઓની સંખ્યાની દ્રષ્ટિએ સીયુઇટી-યુજી દેશની બીજી સૌથી મોટી પ્રવેશ પરીક્ષા છે. ઉલ્લેખનીય છે કે 2022માં 12.50 લાખ વિદ્યાર્થીઓએ સીયુઇટી-યુજી માટે રજિસ્ટ્રેશન કર્યુ હતું અને 9.9 લાખ વિદ્યાર્થીઓએ તેમની અરજી સબમિટ કરી હતી.
મેડીકલ એડમિશન માટે લેવામાં આવતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ અન્ડરગ્રેજયુએટ (નીટ-યુજી) ભારતની સૌથી મોટી પ્રવેશ પરીક્ષા છે જેમાં 18 લાખથી વધુ રજિસ્ટ્રેશન થાય છે. સીયુઇટી-યુજીની સૌથી વધુ અરજીઓ દિલ્હી યુનિવર્સિટી માટે મળી છે. ત્યારબાદ બનારસ હિંદુ યુનિવર્સિટી, અલ્લાહાબાદ યુનિવર્સિટી, બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી અને જામિયા મિલિયા ઇસ્લામિયા માટે સૌથી વધુ અરજીઓ મળી હતી.
અરજીની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ અરજીઓ ઉત્તર પ્રદેશમાંથી આવી છે. ત્યારબાદ દિલ્હી અને બિહારમાંથી આવી છે. આ પરીક્ષાને આધારે એડમિશન આપનારી યુનિવર્સિટીઓની સંખ્યા પણ વધી છે. 2022માં આ પરીક્ષાને આધારે એડમિશન આપનારી યુનિવર્સિટીઓની સંખ્યા 90 હતી જે 2023માં વધીને 242 થઇ ગઇ છે. 2022માં 59 દેશના વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે અરજી કરી હતી. જ્યારે ચાલુ વર્ષે 74 દેશના વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે અરજી કરી છે. સીયુઇટી-યુજીનું ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30 માર્ચ હતી અને આ પરીક્ષા 21 થી 31 મેની વચ્ચે લેવામાં આવશે.
અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટેની પરીક્ષા 13 ભાષામાં યોજાશે જેમાં ઇંગલિશ, હિન્દી ,આસામી, બેંગાલી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડીયા, પંજાબી, તામિલ, તેલગુ અને ઉર્દુનો સમાવેશ થાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ આ પ્રવેશ પરીક્ષા આપવાની રહેતી નથી.