યાર્ડ મગફળીથી ઉભરાયુ: કપાસની પણ 16 હજાર મણની આવક
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે મગફળીની 1,35,000 ગુણીની આવક થવા પામી છે. અંદાજે 40,50,000 કિલોની આવકથી યાર્ડ રિતસર મગફળીથી ઉભરાય ગયુ હતું. વાઇટ ગોલ્ડ એવા કપાસની પણ 16 હજાર મણની આવક થવા પામી હતી. આ અંગે યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે દિવાળી વેકેશન બાદ ગત સોમવારે યાર્ડ ખૂલતા નવી મગફળીની 1 લાખથી પણ વધુ ગુણીની આવક થવા પામી હતી. એક સપ્તાહ સુધી નવી આવક સ્વીકારવામાં આવી ન હતી. ગઇકાલે સવારે ત્રણ કલાક માટે મગફળી સ્વીકારવામાં આવી હતી. આજે 1,35,000 ગુણી મગફળીની આવક થવા પામી છે. પ્રતિ મણ કપાસનો ભાવ 1210 થી 1340 રૂપિયા સુધી રહેવા પામ્યા હતા. આ ઉપરાંત કપાસની પણ 16 હજાર મણની આવક થવા પામી છે. પ્રતિ મણ કપાસનો ભાવ 1760 થી 1875 રૂપીયા બોલાયો હતો. તેઓએ ઉમેર્યું હતું કે જ્યાં સુધી મગફળીનું વેંચાણ નહી થાય અને નવી આવક સ્વીકારવામાં આવશે નહી.
રાજકોટ માર્કેટયાર્ડમાં આવક સમયે યુવા ચેરમેન જયેશભાઈ બોઘરા, તેમજ બધા ડિરેક્ટરો અને કર્મચારીઓ હાજર રહી મેનેજમેન્ટ અને સંકલનથી રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળી ભરેલા 1800 થી વધુ વાહનોની ઉતરાઈ કરવામાં આવી,તેમજ 1.35 લાખ ગુણી ની આવક થઈ જે માર્કેટયાર્ડના ઈતિહાસમાં એક ઐતિહાસીક ઘટના છે. રાજકોટ માર્કેટયાર્ડમાં મળતા પોષણક્ષમ ભાવો તેમજ માર્કેટયાર્ડના અસરકારક વહીવટ ને કારણે આવકમાં ઊતરો તર વધારો થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના ખેડૂતોનો પ્રવાહ રાજકોટ માર્કેટયાર્ડ તરફ વધ્યો છે.
યાર્ડમાં મગફળીની બમ્પર આવકથી રચાયો ઈતિહાસ: ચેરમેન, જયેશ બોઘરા
અબતક સાથેની ખાસ વાતચીતમાં રાજકોટ એ.પી.એમ.સી. ના ચેરમેન જયેશભાઇ બોધરાએ જણાવ્યું કે દિવાળી પછી ની આ બીજી ઉત્તરાઈમાં એક લાખ પાંત્રીસ હજાર ગુણી મગફળીની આવક છે અને ખેતીની મોસમ ચાલતી હોવાથી મબલખ મગફળીની આવક થઈ રહી છે.રાજકોટ યાર્ડમાં છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ આવક કાલે થઈ છે લગભગ 1800 વાહન આવેલા હતા અને તેમાંથી એક લાખ પાંત્રીસ હજાર ગુણી મગફળીની આવક થઈ છે જે યાર્ડના ઇતિહાસમાં લગભગ બીજી
આવી ઘટના હશે.રાજકોટ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું હબ હોવાથી રાજકોટ જીલ્લો,દ્વારકા,હળવદ, સુરેન્દ્રનગર,કેશોદ અને લગભગ સૌરાષ્ટ્રમાં બધેથી ખેડૂતો અહીં આવતા હોય છે.રાજકોટ માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા સારી હોઇ તેમજ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે છે અને ખેડૂતોને વજનમાં વિશ્વાસ હોવાથી તે અહીં આવે છે.સરકાર દ્વારા 1170 રૂપિયા ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને ખેડૂતોને વધુમાં વધુ ભાવ મળે એ પ્રયાસ છે તેમજ સરકારના જાહેર કરેલા ટેકાના ભાવથી ખેડૂતોને કોઈ પ્રશ્ન રહેતો નથી ને અવિશ્વાસ જેવું રહેતું નથી.ગયા વર્ષ કરતાં આ વખતે આવક વધારે છે.કપાસ,મગફળી,લાલ મરચાં બધાની આવક વધારે છે અને બધાને ખુલ્લી બજારમાં ભાવ સારા મળી રહે છે.મગફળીમાં અલગ અલગ ઘણી જાત હોય છે,નબળી જાતમાં ઉત્પાદન ઓછું અને સારી જાતમાં ઉત્પાદન વધુ જોવા મળી રહ્યું છે.
સરકારે જાહેર કરેલા ટેકાના ભાવથી ખેડૂતોમાં અંસતોષ: ખેડૂત,તળશીભાઈ જાદવ
આ વખતે માંડવીમાં સારો ઉતારો ન હોવાથી માંડવી નો પાક ઓછો થયો છે અને વરસાદનો પણ આ વખતે અભાવ હતો એટલે પાક ઓછો થયો છે પરંતુ જે ગુણવત્તા પ્રમાણેનો પાક હોય એ પ્રમાણે ભાવ આવતો નથી સારો પાક હોય તો પણ તેનો ભાવ ઓછો હોય છે અને તેલમાં તેનો ભાવ વધારે હોય છે.આ વખતે માંડવી નો ઉતારો ઓછો હોવાથી અને ભાવ વ્યાજબી ન હોવાથી થોડી નિરાશા છે.સરકારે જાહેર કરેલા 1170 રૂપિયા ટેકાના ભાવને થી સંતુષ્ટ નથી.અને મારા મત મુજબ ટેકનો ભાવ રૂપિયા 1300 થઈ 1350 આજુબાજુ હોવો જોઈએ.
ઉત્પાદન ખર્ચ વધુ અને આવક ઓછી: ખેડૂત, મનસુખભાઈ લીંબાસિયા
મગફળીની બજાર અત્યારે ઠીક ઠીક હોય એવું લાગી રહ્યું છે આ વખતનો મગફળીનો ખર્ચો બાર થી તેર હજાર થયો છે.દસ થી બાર મણ એક વીઘામાં થાય છે પરંતુ પાંચથી સાત હજાર રૂપિયા મળે છે જેથી ખેતીનો ખર્ચો વધારે છે અને આવક ઓછી છે ટેકા ના ભાવ તો સરકારે નીચા જ રાખ્યા છે અને સરકાર દ્વારા સહાય થાય તો સારું. આ વર્ષે તો સો રૂપિયા જેવો ભાવ ટેકાનો ભાવ વધારે છે પરંતુ બિયારણ,ખાતર,કેમિકલ આ બધા ના ભાવમાં વધારો આવવાથી ખર્ચો વધારે થાય છે.