ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ 2024માં બોર્ડની પરીક્ષા લેવામાં આવનારી છે. આ પરીક્ષા 11મી માર્ચથી શરૂ થવાની છે. જેને લઈને ધો.12 સાયન્સની બોર્ડ પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત લેઈટ ફી સાથે 26મી ડિસેમ્બરે પૂર્ણ થઈ ગઈ છે. આ વર્ષે 1.30 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. રેગ્યુલર અને રીપીટિર સહિતના 3 હજાર જેટલા વિદ્યાર્થીઓ આ વર્ષે વધ્યા છે.
રેગ્યુલર અને રિપિટર સહિતના 3 હજાર જેટલા વિદ્યાર્થીઓ આ વર્ષે વધ્યા
વર્ષ 2024માં રેગ્યુલર વિદ્યાર્થીઓ ઉપરાંત અગાઉ નાપાસ થયેલા રીપિટર સહિતના કુલ મળીને 1.30 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં એ,બી અને એબી એમ ત્રણેય ગ્રુપના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ગત વર્ષે 1.27 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધો.12 સાયન્સની પરીક્ષા માટે સમગ્ર રાજ્યના 1.30 લાખ જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હોવાની વિગતો સામે આવી છે.
ગતવર્ષ કરતા આ વખતે 4 હજાર જેટલા વધુ ફોર્મ ભરાયા છે. ધો.12 સાયન્સની લેઈટ ફી સાથે ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ છે. જ્યારે ધો.10માં લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં 2 જાન્યુઆરી સુધી લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવામાં આવશે. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં પણ 6 જાન્યુઆરી સુધી લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. આમ, 6 જાન્યુઆરીના રોજ શિક્ષણ બોર્ડની તમામ પરીક્ષા માટે ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ કરાશે. ત્યારબાદ બોર્ડ દ્વારા પરીક્ષાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.