સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ચાલુ વર્ષે ભારે વરસાદને પગલે અલગ અલગ સ્થળો પર ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે. ત્યારે મોડી રાતે જામનગરમાં ૧.૯ અને કરછના ભચાઉમાં ૧.૬ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર મોડીરાતે ૧૨:૨૩ કલાકે જામનગરથી ૩૦ કિમી દૂર ૧.૯ રિકટર સ્કેલનો આંચકો સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયો હતો અને વહેલી સવારે ૪:૧૦ કલાકે કરછના ભચાઉથી ૧૮ કિમી દૂર ૧.૬ રિકટર સ્કેલનો આંચકો નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયો હતો.
જોકે ભૂકંપની તીવ્રતા સામાન્ય હોય કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. વારંવાર આવતા આચકનું કારણ વધુ વરસાદ હોવાનું વૈજ્ઞાનિકો માની રહ્યા છે.
ઉલ્લેખનીય છેકે છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ વધ્યું છે ત્યારે વારંવાર આવતા ભૂકંપના આંચકાને કારણે લોકો પણ ભયભીત થયા છે જો કે વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે જામનગર અને દેવભૂમિ દ્વારકા ધાર્યા કરતા વધુ વરસાદ પડયો છે. જેને કારણે છેલ્લા એક માસમાં ખંભાળીયા, લાલપુર અને જામનગરમાં આંચકાઓ આવી રહ્યા છે. વધુ વરસાદને કારણે ભુસ્તરમાં પાણીનો સંગ્રહ વધુ થયો છ જેને લઇને જમીનમાં દબાણ વધ્યું છે અને આંચકાઓ આવી રહ્યા છે.જોકે સૌરાષ્ટ્રમાં એક પણ ફોલ્ટ લાઇન હોય તેવું નજરે ચડયું નથી માત્ર કચ્છમાં જ ભૂકંપની એક ફોલ્ટ લાઇન છે ત્યાંથી જમીનમાં કંપન થઇ રહ્યું છે અત્યારે જે ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે તે અતિ સામાન્ય છે. જેનાથી લોકોએ ગભરાવવાની કોઇ જ જરૂર નથી.