ધો.12 સાયન્સની માર્ચ માસમાં લેવામાં આવનારી પરીક્ષા માટે અત્યાર સુધી 1.25 લાખ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. મંગળવારના રોજ ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થયા બાદ શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સના ફોર્મ લેઈટ ફી સાથે સ્વીકારવાનું નક્કી કર્યું છે. જે મુજબ 26 ડિસેમ્બર સુધીમાં ત્રણ તબક્કામાં લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવામાં આવશે.
શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સના ફોર્મ લેઈટ ફી સાથે સ્વીકારવાનું નક્કી કરાયું
વિદ્યાર્થીઓના ફોર્મમાં સુધારો કરવો હોય તો તે પણ 26 ડિસેમ્બર સુધીમાં કરી શકાશે તેવી સૂચના બોર્ડ દ્વારા આપવામાં આવી છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવામાં આવનારી ધો.12 સાયન્સની પરીક્ષા માટે 26 ઓક્ટોબરથી ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ માટે સ્કૂલોને 5 ડિસેમ્બર સુધીની મુદત આપવામાં આવી હતી. આમ, મંગળવારે ધો.12 સાયન્સના ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં 1.25 લાખ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હોવાની વિગતો સામે આવી છે. જોકે, હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોવાનું જણાતા બોર્ડ દ્વારા લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવાનો નિર્ણય લીધો છે.
પ્રથમ તબક્કામાં 6 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી રૂ. 250 લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવામાં આવશે. ત્યારબાદ બીજા તબક્કામાં 16 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી રૂ. 300 લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે અને છેલ્લે ત્રીજા તબક્કામાં 26 ડિસેમ્બરના રોજ રૂ. 350 લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવામાં આવશે. 26 ડિસેમ્બર સુધીમાં કોઈ પણ સમયે વિદ્યાર્થીની માહિતીમાં શાળા કક્ષાએ જ સુધારો કરી શકાશે. વિદ્યાર્થીનું પ્રિન્સિપાલ એપ્રૂવલ બાકી હોય તો તે પણ 26 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવાનું રહેશે.