ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઈજનેરી-ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાનારી ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની મુદત વધારવામાં આવી છે. ગુજકેટ માટે 2 જાન્યુઆરીથી ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓના ફોર્મ 16 જાન્યુઆરી સુધી ભરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આમ, 16 જાન્યુઆરીના રોજ ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં રાજ્યના 1.20 લાખ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હતા. જોકે, હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી હોવાનું જણાતા બોર્ડ દ્વારા ફોર્મ ભરવાની મુદતમાં વધારો કર્યો છે.
હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી હોવાનું જણાતા બોર્ડ દ્વારા ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરાયો
જે મુજબ હવે ગુજકેટ માટે નિયમિત ફી સાથે 22 જાન્યુઆરી સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે.ધોરણ-12 સાયન્સ પછીના ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે વર્ષ 2017થી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવેલી છે. જેના પગલે વર્ષ 2024 માટે રાજ્યમાં ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે સાયન્સના ગ્રૂપ-અ, ગ્રૂપ-ઇ અને ગ્રૂપ-અઇના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા 31 માર્ચના રોજ લેવામાં આવશે.
પરીક્ષાની તારીખ જાહેર કર્યા બાદ શિક્ષણ બોર્ડ દ્વારા 2 જાન્યુઆરીથી ગુજકેટ માટે ઉમેદવારોના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ગુજકેટ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી હતી. દરમિયાન, મંગળવારે ગુજકેટના ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધીમાં 1.20 લાખ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હતા, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓના ફોર્મ બાકી હોવાથી નિયમિત ફી સાથે જ 22 જાન્યુઆરી સુધી ફોર્મ ભરવાની મુદત લંબાવાઈ છે. વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા માટે ફી રૂ. 350 ભરવાની રહેશે.