- 600થી વધુ વાહનોની લાંબી કતારો યાર્ડની બહાર લાગી
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અન્ય માર્કેટીંગ યાર્ડની સરખામણીએ ખેડૂતોને પૂરતા ભાવ અને પુરતું વજન મળતું હોવાના કારણે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં તમામ પ્રકારની જણસીની ચિક્કાર આવક થઇ રહી છે. હાલ ઘઉં સિઝન શરૂ થવા પામી છે. ત્યારે ગઇકાલે યાર્ડમાં 1.10 લાખ મણ ઘઉંની આવક થવા પામી હતી. યાર્ડની બહાર ઘઉં સહિતની વિવિધ જણસીઓ ભરેલા 600થી વધુ વાહનોની લાંબી કતારો લાગી જવા પામી હતી. ઉતરાઇ વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ચેરમેન જયેશ બોઘરા સહિતના ડિરેક્ટરો કામે લાગી ગયા હતા.
યાર્ડના સૂત્રોના જણાવ્યાનુસાર ગઇકાલે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં 1.10 લાખ મણ ઘઉંની આવક થવા પામી હતી. જે અત્યાર સુધીમાં સૌથી વધુ કહી શકાય યાર્ડમાં લોકવન ઘઉંના ભાવ રૂ.478 થી 535 જ્યારે ઘઉં ટુકડાનો ભાવ 492 થી લઇ 602 રૂપિયા સુધી નોંધાયો હતો. રવિવારની રજા બાદ ગઇકાલે યાર્ડ ખૂલતા ઘઉં સહિત અલગ-અલગ જણસી ભરેલા 600થી વધુ વાહનો યાર્ડમાં આવ્યા હતા. ઉતરાય અને હરરાજી દરમિયાન કોઇ અવ્યવસ્થા ન સર્જાય તે માટે યાર્ડના ચેરમેન અને ડિરેક્ટરો સહિતના સ્ટાફે એક-એક વાહનને ક્રમશ: પ્રવેશ આપ્યો હતો.
યાર્ડમાં હાલ સૌથી વધુ ઘઉંની આવક થઇ રહી છે. આજે ઘઉંના ભાવમાં થોડો ઉછાળો જોવા મળ્યો હતો. લોકવન ઘઉંના ભાવ રૂ.472 થી રૂ.530 બોલાયા હતા. જ્યારે ઘઉં ટુકડાનો ભાવ રૂ.508 થી રૂ.620 રહેવા પામ્યો હતો. જો કે, હજુ ઘઉંની સિઝન શરૂ થઇ હોવાના કારણે થોડા ભાવ વધુ હોવાનું યાર્ડના સૂત્રો જણાવી રહ્યા છે. જેમ-જેમ આવકમાં વધારો થશે. તેમ-તેમ ભાવમાં પણ ઘટાડો જોવા મળશે. લીંબુના ભાવમાં આજે 500 રૂપિયાનો કડાકો બોલી ગયો હતો.
ગઇકાલે 20 કિલો લીંબુના ભાવ 2800 રૂપિયા સુધી પહોંચી ગયા હતા. દરમિયાન આજે લીંબુના સૌથી ઉંચા ભાવ રૂ.2300 બોલાયા હતા. યાર્ડમાં હાલ જ્યાં જોવો ત્યાં માત્રને માત્ર ઘઉંના ઢગલા જોવા મળી રહ્યા છે.