પ્રાણીઓ – પોષણ, પર્યાવરણ, સ્વાસ્થ્ય, વર્તન અને માનસિક સ્થિતી જેવા પાંચ મૂળભૂત અધિકારોના હકદાર છે: મંત્રી રાઘવજી પટેલ

ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના અધ્યક્ષ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે “વિશ્વ પ્રાણી દિવસ” નિમિત્તે પોતાના વિચારો રજૂ કર્યા

• ગુજરાત સમગ્ર દેશમાં ગાય અને સંપૂર્ણ ગૌવંશ કતલ પ્રતિબંધક કાયદો લાવનાર પ્રથમ રાજ્ય; જનમટીપ સુધીની સજાની જોગવાઈ

• “બિનવારસી પ્રાણીઓને સ્થળ પર પહોંચી ત્વરિત સારવાર પૂરી પાડવા રાજ્ય સરકારે “1962-કરુણા એમ્બ્યુલન્સ”ની સુવિધા વિકસાવી”

• ગુજરાતમાં 1700 જેટલી ગૌશાળા અને ૨૨૫ જેટલી પાંજરાપોળ પ્રાણી કલ્યાણ પ્રવૃત્તિમાં જોડાઈ; નિભાવ માટે સરકાર પ્રાણી દીઠ આપે છે દૈનિક રૂ. 30ની સહાય

• કેટલીક નાની-નાની બાબતોનું ધ્યાન રાખીને આપણે મનુષ્ય અને પ્રાણીઓ માટે સુરક્ષિત સમાજનું નિર્માણ કરી શકીશું

પ્રાણીઓના રક્ષણ અંગે જનજાગૃતિ કેળવવા તેમજ પ્રાણી કલ્યાણને પ્રાધાન્ય આપવાના શુભ આશયથી દર વર્ષે 4-ઓક્ટોબરના રોજ “વિશ્વ પ્રાણી દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પ્રાણી દિવસની ઉજવણી “ધ વર્લ્ડ ઈઝ ધેઈર હોમ ટૂ”ની થીમ સાથે થઇ રહી છે, જેનો અર્થ થાય છે કે, આ વિશ્વ તેમનું (પ્રાણીઓનું) પણ ઘર છે.

પશુપાલન મંત્રી રાઘવજી પટેલે પ્રાણી દિવસ સંદર્ભે પોતાના વિચારો રજૂ કરતા કહ્યું હતું કે, ગુજરાત “અહિંસા પરમો ધર્મ”ને વરેલું રાજ્ય છે. સમગ્ર દેશમાં ગાય અને સંપૂર્ણ ગૌવંશ કતલ પ્રતિબંધક કાયદો લાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે, જેમાં જનમટીપ સુધીની સજાની જોગવાઈ કરાઈ છે.

તેમણે કહ્યું કે, રાજ્યના નાના-મોટા તમામ પ્રાણીઓ તેમના અધિકારોના હકદાર છે અને તેમને જીવન જીવવા માટે “પોષણ, પર્યાવરણ, સ્વાસ્થ્ય, વર્તન અને માનસિક સ્થિતી” જેવા પાંચ મૂળભૂત અધિકારો મળી તે પ્રકારની જીવન પદ્ધતિ અનુસરવી એ રાજ્યના દરેક નાગરીકની ફરજ છે.

મનુષ્યોની કેટલીક કુટેવો પ્રાણીઓ માટે હાનીકારક પૂરવાર થતી હોય છે, તેમ કહી મંત્રીએ ઉદાહરણ આપ્યું હતું કે, કેટલાક લોકો રસોડાનો વધેલો ખોરાક અથવા એઠવાડ પ્‍લાસ્‍ટીકની કોથળીમાં ભરીને જાહેરમાં ફેંકતા હોય છે. આવું ન કરવાથી પ્રાણીઓ ખોરાકની સાથે પ્લાસ્ટિક આરોગી લેવાથી તેમના આરોગ્યને ઘણું નુકશાન થાય છે અને કેટલાક કિસ્સાઓમાં તો પ્રાણીઓનું અકાળે મૃત્યુ પણ થઇ જતું હોય છે. આવી નાની બાબતોનું ધ્યાન રાખીને આપણે મનુષ્ય અને પ્રાણીઓ માટે સુરક્ષિત સમાજનું નિર્માણ કરી શકીશું.

પક્ષીઓ કે પ્રાણીઓ ઈજાગ્રસ્ત થાય તો તેમણે સારવાર આપી સુરક્ષિત કરી શકાય તે માટે ગુજરાત સરકારે પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવી “કરુણા એમ્બ્યુલન્સ”ની સુવિધા વિકસાવી છે. રાજ્યમાં કોઈપણ સ્થળે ઈજાગ્રસ્ત પ્રાણી જોવા મળે તો, માત્ર ૧૯૬૨ ટોલ-ફ્રી નંબર ડાયલ કરવાથી સ્થળ પર પહોંચી કરુણા એમ્બ્યુલન્સ ઈજાગ્રસ્ત પશુઓને ત્વરિત સારવાર પૂરી પાડે છે.

મંત્રી પટેલે કહ્યું કે, પ્રાણીઓ પર થતા અત્યાચારો પર અંકુશ લાવીને પ્રાણીઓના જીવન ધોરણમાં સુધારો લાવવા ગુજરાત સરકાર દ્વારા રાજ્યકક્ષાએ “ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડ” તેમજ જિલ્લા કક્ષાએ “પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ” કાર્યરત કરવામાં આવી છે, જે પ્રાણી કલ્યાણ અને જીવદયા પ્રવૃતિ માટેનું કેન્દ્ર બિંદુ છે. પ્રાણી કલ્યાણની પ્રવૃત્તિ કરતી સંસ્થાઓની સાથો-સાથ ગુજરાતમાં 1700 જેટલી ગૌશાળા અને ૨૨૫ જેટલી પાંજરાપોળ પણ પ્રાણી કલ્યાણ પ્રવૃત્તિમાં જોડાયેલી છે.

ગૌશાળા અને પાંજળાપોળ જેવી સ્વયંસેવી સંસ્થાઓને પ્રોત્સાહન મળે તે માટે આવી સંસ્થાઓને રાજ્ય સરકાર દ્વારા પશુ દીઠ નિભાવ સહાય તરીકે દૈનિક રૂ. ૩૦ની સહાય ચૂકવવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.