ભજન, તપ, વ્રત, અનુષ્ઠાન, ૧૦૮ કુંડીયજ્ઞ, હીંડોળા, લાઈટ એન્ડ સાઉન્ડ શો, ભકિતનૃત્ય સહિતના અવનવા આયોજનો

પ્રભુમાં પ્રેમ પ્રગટે એ ભકિતનું ફળ છે. ધંધાનું ફળ કેવળ ધન નહીં પણ નફો છે. તપ, વ્રત, ભજન, યાત્રા, પ્રદક્ષિણા, માળા આદિક કરીને ભગવાનની સાથે હેત વધારવાનું છે એમ આજે વેડ રોડ સ્વામિનારાયણ ગુરૂકુલ, સુરત ખાતે પ્રભુ સ્વામીએ કહ્યું હતું.

ઝાઝા જીવ ભગવાન ભજે એવા સંકલ્પ સાથે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે અવનવા આયોજન કરી લાખો જીવોને ભગવાન સુખે સુખીયા કર્યા છે. એજ રીતે ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના સંકલ્પાનુસાર એમના ૨૫૦ જેટલા સંત પાર્ષદો વિવિધ આયોજનો સંપ્રદાયને આપી રહ્યા છે. સુરત વેડ રોડ સ્વામિનારાયણ ગુરુકુલના મહંત, નીલકંઠધામ પોઈચાના નિર્માતા ધર્મવલ્લભદાસજી દ્વારા શ્રીરામચંદ્રજી અને સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટય પૂર્વેના નવ દિવસ બ્રહ્મોત્સવ તરીકે ઉજવવાનું આયોજન કરાયું છે.

પ્રભુસ્વામીના જણાવ્યાનુસાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રથમ વખત બ્રહ્મ મહોત્સવ સાધના આરાધનાનું પર્વ ગુરુકુલ પરીવાર મનાવશે. તા.૬ થી ૧૪ એપ્રીલ નવ દિવસ સજળા ઉપવાસ, નવ દિવસ ત્રણ-ત્રણ કોળીયાનું હરિ ચાંદ્રાપલ, નવ દિવસ ફળા-કાચુ જમવાનું, નવ દિવસ દિવસમાં એક જ વખત જમવાનું એ પ્રકારના તપ તેમજ રોજ ૧૦૦૮ કે ૧૪૦૦૦ સ્વામિનારાયણ મંત્રના જપ કરવાના તથા નવ દિવસ પોત પોતાના ઘરે પારણીયામાં ભગવાને સવાર સાંજ ૨૦ મિનિટ સુધી પ્રાર્થના સાથે કિર્તન ગાનને પુજન દ્વારા આરાધના કરવાની રહેશે. વધુમાં છેલ્લા પાંચ દિવસ તા.૧૦ થી ૧૪ એપ્રિલ ગુરુકુલમાં રહીને ભજન, ભકિત, ધ્યાન, સત્સંગ, યજ્ઞ, અનુષ્ઠાન, ભકિતનૃત્ય, પ્રદક્ષિણા, પૂજન, પાઠ વગેરેમાં ભાગ લેવાનો.

આ બ્રહ્મ મહોત્સવમાં સાંજે ૭ થી ૧૦ દરમ્યાન ૫૦૦ ઉપરાંત યુવાનો ભકિત નૃત્યમાં ભાગ લેશે. ૫૦ સંતો ભગવાનના પૂજનમાં તેમજ શ્રીહરિકૃષ્ણ મહારાજનો રોજ ૧૦૦૦ લીટર ગંગાજળથી અભિષેક તથા ધર્મનંદન ઘનશ્યામ મહારાજને ૧૦૦૦ કિલો પુષ્પ પાંખડીથી અભિષેક કરાશે. રાત્રે ગુરુકુલ સંસ્કૃતિ દર્શનનો લાઈટ એન્ડ સાઉન્ડ વિઝન શોનો લાભ સહુ કોઈ લઈ શકશે. બહારગામથી તા.૧૦ થી ૧૪ એપ્રિલ દરમ્યાન ગુરુકુલમાં રહીને મહિલા-પુરુષો લાભ લઈ શકશે તે માટે વલ્કેશભાઈ (મો.૯૬૬૨૧ ૨૧૯૩૯)નો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.