વીજ વિતરણ કંપનીઓની બિલિંગ સેવાઓમાં ક્રાંતિ લાવતુ સ્માર્ટ મીટરિંગ
સ્માર્ટ મીટર પ્રી-પેઈડ ગ્રાહકો માટે 2024-25 માં ૨ ટકા નું રીબેટ
ભારત સરકારની રિવેમ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS) પહેલ-સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ
રાજ્યની વીજ વિતરણ પ્રણાલીમાં પરિવર્તન લાવવા અને આધુનિક બનાવવાના હેતુથી ભારત સરકાર દ્વારા શરુ કરાયેલ રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS) હેઠળ એક નોંધપાત્ર પહેલ- સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ સમગ્ર દેશના અન્ય રાજ્યોની સાથે હવે ગુજરાતમાં પણ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ વીજ પૂરવઠાની કાર્યક્ષમતા, વિશ્વસનીયતા અને પારદર્શિતા વધારવા માટે અદ્યતન ટેકનોલોજીના લાભથી ગ્રાહકોને ડેટા અને તેમના ઊર્જા વપરાશ પર નિયંત્રણ રાખવા માટે સશક્ત બનાવે છે.
સ્માર્ટ મીટરિંગ વીજ વિતરણ કંપનીઓની બિલિંગ સેવાઓમાં ક્રાંતિ લાવી રહ્યું છે. આ ઉપરાંત સ્માર્ટ મીટર પ્રી-પેઈડ ગ્રાહકો માટે 2024-25 માં 2 ટકા નું રીબેટ આપવામાં આવશે એમ ગુજરાત ઉર્જાવિકાસ નિગમ લીમીટેડની યાદીમાં જણાવાયું છે.
સ્માર્ટ મીટર કઈ રીતે છે સ્માર્ટ?
હાલના મેન્યુઅલ રીડિંગ પર આધાર રાખવાને બદલે સ્માર્ટ મીટર જાતે વીજ વપરાશનો ડેટા એકત્રિત કરે છે અને તેને વીજ વિતરણ કંપનીઓને ટ્રાન્સમિટ કરે છે.
સ્માર્ટ મીટરમાં જે તે વીજ ગ્રાહકના વીજ વપરાશ અંગેના ડેટા તેમજ અન્ય માહિતી સ્માર્ટ મીટરની અપ્લિકેશન દ્વારા મોબાઇલ પર જ નિયમિત અને તાત્કાલિક ધોરણે વીજ ગ્રાહકને મળી રહે છે.
સ્માર્ટ મીટર ગ્રાહકલક્ષી મૈત્રીપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. જેમાં એડવાન્સ મીટરીંગ સિસ્ટમ હોવાથી તે ગ્રાહકના સ્માર્ટ મીટર એપ્લીકેશન તેમજ ડિસ્ટ્રિબ્યુશન કંપની બંને સાથે કમ્યુનિકેટ કરે છે.
સ્માર્ટ મીટરથી વીજ કંપની દરેક વિસ્તારની વીજ માંગ સમજી તેનું સરળતા પૂર્વક આયોજન કરી શકે છે
સ્માર્ટ મીટરથી વીજ ગ્રાહકને શું ફાયદો ?
ગ્રાહક વીજ ઉપયોગને રીઅલ-ટાઇમમાં મોનિટર કરી શકે છે
ગ્રાહક પોતાના આર્થિક બજેટ અનુસાર વીજ વપરાશનું આયોજન કરી શકે છે અને બચત કરી શકે છે.
ગ્રાહકને વીજ ઉપકરણમાં ખામીને કારણે થતો અચાનક વીજ વપરાશ વધારો જાણવામાં સરળતા રહે છે.
ગ્રાહકો તેમના દૈનિક વપરાશને ટ્રેક કરી શકે છે.
સ્માર્ટ મીટર પ્રી-પેઈડ ગ્રાહકો માટે 2024-25 માં 2 ટકા નું રીબેટ આપવામાં આવશે
સ્માર્ટ મીટર અંગેની ગેરસમજ
વીજ બિલ વધુ આવે છે
હકીકત : વીજ ગ્રાહકોને અહીં જણાવવાનું કે સ્માર્ટ મીટરનો યુનિટ દર અને હાલના ઇલેટ્રોનિક્સ મીટરનો દર સમાન જ છે
સ્માર્ટ મીટરમાં વધારે યુનિટ ફરે છે
હકીકત : હાલના ઇલેકટ્રોનિક્સ મીટર અને સ્માર્ટ મીટર ઇલેક્ટ્રો મેગ્નેટિક ઇન્ડકશનના સિદ્ધાંત પર જ કામ કરે છે. બંને મીટરમાં યુનિટ ગણવાની પદ્ધતિ પણ સમાન છે
ગેરસમજ દૂર કરવા વીજ કંપનીની પહેલ: બંને મીટરોની સરખામણી માટે કેટલાક ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટરની સાથે ચેક મીટર પણ લગાડવામાં આવે છે. બંને વીજ મીટરમાં નોંધાતા વીજ વપરાશના યુનિટ વીજ વિતરણ કંપનીઓ દ્વારા નિયત સમયાંતરે મેળવવામાં આવ્યા છે અને તેમાં સમાનતા જોવા મળેલ છે.
હાલ ગુજરાત રાજ્ય હસ્તકની 4 વિજ વિતરણ કંપનીઓએ કુલ 2,96,004 સ્માર્ટ મીટર લગાવ્યા છે જેમાં
- DGVCL-55,124
- MGVCL-65,052
- PGVCL-29,023
- UGVCL-1, 46,805
- કુલ – 2,96,004 સ્માર્ટ મીટર
ગુજરાત રાજ્યમાં વીજ ગ્રાહકોને વધુ સુવિધા સાથે પારદર્શિતા વધારવા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ સ્માર્ટ મીટર પ્રી-પેઈડ ગ્રાહકો માટે 2024-25 માં 2 ટકા નું રીબેટ મંજૂર કરવામાં આવેલ છે. જેથી વીજ ગ્રાહકોને પણ લાભ થશે.