- પાંચ રાજયોનાં આશરે 1200 રમતવીરો 16 જાન્યુઆરી સુધી કૌશલ્ય બતાવશે: સૌરાષ્ટ્ર યુનિ. ખેલાડી ઘર આંગણે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા સજજ
- કાર્યક્રમની શરૂઆત નિર્મલા કોનવેન્ટની વિદ્યાર્થીનીઓનાં બેન્ડ સાથે તમામ ટીમે સ્ટેજની સામેથી માર્ચ કર્યું: ઉપસ્થિત તમામ મહેમાનનું સ્વાગત કરાયું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિના પવિત્ર દિવસે હેન્ડબોલ નેશનલ ટુર્નામેન્ટનો રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાના હસ્તે, રાજકોટ લોકસભાના સાંસદ પરષોતમભાઈ રુપાલાજીની ઉપસ્થિતિમાં દીપપ્રાગટય કરી દબદબાભેર ઉદઘાટન થયું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ડો. ઉત્પલભાઈ જોશીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં નિર્મલા કોન્વેન્ટ સ્કુલની વિદ્યાર્થીનીઓના બેન્ડ સાથે તમામ ટીમે સ્ટેજની સામેથી માર્ચ કર્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઉપસ્થિત મહેમાનોનું મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવેલ હતું.
રાજકોટના લોકસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોતમભાઈ રુપાલાએ આ તકે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યજમાનપદે આશરે 20 વર્ષ બાદ રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ મેન ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે હું યુનિવર્સિટીના કુલપતિ તથા ટીમને અભિનંદન પાઠવું છું. આપસૌ સૌરાષ્ટ્ર-ગુજરાતના મહેમાન બન્યા છો ત્યારે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતની સમય મળે તો ખાસ મુલાકાત લેજો. સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિના પાવન દિવસે અને ઉતરાયણના પર્વ પર આ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે એનો વિશેષ આનંદ છે.
સાંસદએ ખેલાડીઓને ખેલભાવના સાથે આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ ઉત્કૃષ્ટપ્રદર્શન કરો એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ભારતના પાંચ રાજ્યો ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવાના આશરે 1200 થી વધુ રમતવીરો આ ટુર્નામેન્ટમાં તા. 12 થી તા. 16 જાન્યુઆરી સુધી પોતાનું કૌશલ્ય બતાવશે.
આ તકે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રાષ્ટ્રીયકક્ષાની ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એ આનંદની વાત છે. સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિના સુત્રોને જીવનમાં ઉતારી હેન્ડબોલ સ્પર્ધામાં વિજયી બનવા પરિશ્રમ કરો. આપ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ગુજરાતમાં છો ત્યારે ગુજરાતમાં ફરજો અને ગુજરાતને જાણજો. સાંસદએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીના કાર્યકાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઉચ્ચશિખરો સર કરી સર્વોચ્ચ ગ્રેડ પ્રાપ્ત કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીએ ટુર્નામેન્ટમાં ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે બન્ને સાંસદઓનું સ્વાગત કરું છું.
આજે યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ “રાષ્ટ્રીય યુવા દિવસ” પ્રસંગે આ રાષ્ટ્રીયકક્ષાની ટુર્નામેન્ટમાં આપ સૌનું સ્વાગત છે.
આપ સૌ આ ટુર્નામેન્ટમાં સહભાગી થયા છો એનો આનંદ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ટુર્નામેન્ટના આયોજનો માટે ઉત્તમ વ્યવસ્થા કરી છે. છતાં કોઈ આવશ્યકતા હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હરહંમેશ તૈયાર છે. પરિશ્રમ થી જ સફળતા મળે છે. આપ સૌ પરિશ્રમ કરી આ ટુર્નામેન્ટમાં સફળતા મેળવો એવી શુભેચ્છાઓ પાઠવું છું.
આ કાર્યક્રમમાં સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. અર્જુનસિંહ રાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડીઓ પણ ઘર આંગણે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે સજ્જ બન્યા છે.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કુલસચિવ ડો રમેશભાઈ પરમારે કર્યું હતું અને આભારવિધિ શારીરિક શિક્ષણ નિયામકશ્રી ડો હરીશભાઈ રાબા એ કરી હતી.
આ ટુર્નામેન્ટના ઉદઘાટન કાર્યક્રમમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યઓ, એક્ઝીક્યુટીવ કાઉન્સીલના સભ્યઓ, ભવનોના અધ્યક્ષઓ, આચાર્યઓ, પ્રાધ્યાપકઓ તથા રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.