- પ્રથમ નજરે કેળવાઇ જતાં સંબંધ ઉપર બહુ વિશ્વાસ રાખી ન શકાય, કારણ કે એ ચહેરો ક્ષણિક આકર્ષણનો પણ હોય શકે : આજકાલ પતિ-પત્નીના લગ્નેત્તર સંબંધો બહુ જ વધવા
- લાગ્યા છે, આપણી સમાજ રચનામાં બદલાવ સાથે નવા જમાનાના વિવિધ સંબંધો પાંગરતા લગ્ન વગર પણ વયસ્ક સ્ત્રી-પુરૂષો લિવ ઇનમાં રહીને એક બીજા સાથે રહે છે
ભારતીય સંસ્કૃતિની કુટુંબ વ્યવસ્થા વિશ્ર્વમાં સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. પારિવારિક સંબંધો સાથે કુટુંબ પરિવારો એકબીજાના સહવાસે આજીવન ટકી રહે છે. જનરેશન ગેપ અને સામાજીક અંતરો ઘટાવાને કારણે આવા સંબંધોમાં તિરાડો પડીને 21 મી સદીના વિદેશ વાયરાના અનુકરણે લગ્નેત્તર અને ‘લિવ ઇન’ જેવાનો જન્મ આપ્યો છે. એક જમાનામાં બીજી જ્ઞાતિમાં લગ્ન કરવાથી પણ સમાજમાં કેટલાય લોકો નારાજ થઇ જતાં હતાં. આપણા પારિવારિક સંબંધો મિશાલ સમા હતાં પણ વિદેશ સંસ્કૃતિ,ટીવી, મોબાઇલ, ફિલ્મોએ લોકોની સોચ બદલતા આવા સંબંધો વધવા લાગ્યા છે. જે સમાજ માટે લાલબત્તી સમાન છે. આવા રિલેશનશિપથી જન્મતા સંતાનોના પ્રશ્નો પણ ઘણા હોય છે, ત્યારે નવા યુગ સાથે આપણો દેશ પણ આ દિશા તરફ અગ્રેસર થતાં હજારો કુટુંબો છિન્ન-ભિન્ન થઇ ગયાં છે.
લગ્ન એક પવિત્ર બંધન છે. આજકાલની ફિલ્મો-ટીવી શ્રેણી વગેરેમાં બતાવાતા હાઇ-ફાઇ ફેમીલીના સંબંધોની અસર આપણા સમાજ જીવન પર પડી રહી છે. રીલ લાઇફ અને રીયલ લાઇફ વચ્ચે ઘણો ફેર છે તે વાત આજના યુવા વર્ગો સમજવાની જરૂર છે. પ્રેમ થાય પછી લગ્ન થાય અને લગ્ન થાય પછી પ્રેમ થાય. લગ્નેત્તર સંબંધો વિશે અલગ-અલગ વ્યક્તિઓના અભિપ્રાય હોય પણ આજે આવા સંબંધો વધી રહ્યા છે એ વાતની સૌને ચિંતા છે. દરેક મા-બાપને પોતાના સંતાનોની નવરાત્રીના નવ દિવસ વિશેષ ચિંતા જોવા મળે છે. આવા સંબંધો શું કામ, કેવી રીતે તે વધ્યા સાથે પરિણિત સ્ત્રી-પુરૂષ કેમ આવા સંબંધો રાખે છે તે વિષયક અનેક સર્વે ભારતમાં અને વિદેશોમાં પણ થયા છે. આ બધામાં પતિ-પત્ની વચ્ચેના પ્રેમ-હૂંફ અને લાગણીની વિશેષ ઉણપ જોવા મળી હતી.
આજકાલ સોશિયલ મીડીયાના વધતા ચલણે એને વેગ આપ્યો સાથે મોબાઈલથી કોન્ટેક્ટની સરળતા વધતા સમસ્યા વધી છે. લગ્ન પહેલા અને પછીના સમયમાં પતિ-પત્ની દિન ચર્યા ફરી જતી હોય છે. પરિવારને અપાતો સમય ઘટાડો, પૈસા કમાવવા આખો દિવસ બહાર રહેવું વિગેરે ઘણી નાની વાતો જીવનમાં ગંભીર પરિણામો લાવે છે. એક છતની નીચે રહેનારા ખરા-અર્થમાં પતિ-પત્ની જ હોય એ માન્યતા ભૂલ ભરેલી છે, સાથે દૂર રહેનાર પણ વર્ષોથી ખરેખર સાચા પ્રેમી હોય છે. આજે સૌ કોઇ પછી એ પુરૂષ હોય કે સ્ત્રી તે સ્વતંત્રતા ઝંખે છે, પણ તે ક્યારે સ્વછંદતા બની જાય તે નક્કી નથી હોતું. ઘણી વાર સ્ત્રી પોતાના પતિ પાસેથી રાખતી અપેક્ષા ન સંતોષાતા પણ આવા સંબંધો જન્મ લે છે. લગ્નેત્તર સંબંધોમાં આડોશ-પાડોશ, પરિવારમાંથી કે નજીકના મિત્ર-વર્તુળના લોકોમાંથી પસંદગીથી જન્મે છે. એક સર્વે મુજબ સાવ અજાણ્યા સાથે કરતાં થોડી ઓળખાણ વાળા પુરૂષ સાથે સ્ત્રી ઝડપથી સંબંધ વિકસાવી લે છે.
જીવનની ઘણી નાની-નાની વાતો જે આપણા પાત્ર પાસેથી ન મળતાં જ્યાં મળે ત્યાં આકર્ષણ થઇ જાય છે, અને તેને પ્રેમનું નામ આપીને લગ્ન વિચ્છેદ સુધી સંબંધો વિકસે છે. આજની 21 મી સદીની જનરેશનને ગમે તે મેળવવાની ઉતાવળ હોય છે, અને મળ્યા બાદ ફરી નવું ગમવા લાગે છે. આ બધી ઘટમાળમાં અંતે તો જીવન બરબાદ થાય છે. પ્રેમમાં વ્યક્તિને બધી સારી વાતો જ દેખાય છે, ને મળ્યા બાદ તેમાં જ ઉણપ દેખાવા લાગે છે.જો બંને વ્યક્તિ મસ્ત રહે તો, ક્યારેય ત્રીજી વ્યક્તિનું આગમન જ ન થઇ શકે. આજકાલની મોજ શોખની જીંદગીમાં આર્થિક તંગી પણ પૂર્ણ કરવા સાહજિક રીતે આવા સંબંધો બાંધવા પ્રેરાય છે, તો કેટલાક સ્ત્રી-પુરૂષો મોજ-શોખ માટે આવા સંબંધોનો ઉપયોગ કરી તેને તરછોડી દે છે.
આપણી સંસ્કૃતિમાં લગ્ન જીવનને સોળ સંસ્કારોમાં સ્થાન અપાયું છે, જેમાં જવાબદારી, લાગણી, સમજદારી, વિશ્ર્વાસ જેવા કેટલાય પરિબળોનું મહત્વ હોય છે, પણ આજે માણસોમાં સહનશક્તિનો અભાવ સાથે લગ્નના થોડા દિવસ બાદ સ્વપ્નો તૂટતા લાગતા તેની જે ખામીઓ પૂરીને સંતોષ આપી શકે તેવા સ્ત્રી કે પુરૂષ એકબીજા ને શોધે છે. પતિ-પત્ની ઔર ‘વો’ માં ત્રીજી વ્યક્તિના આગમનનું કારણ બન્ને હોય છે. જો સમજદારી હોય તો આ શક્ય જ ના બને, પણ લગ્નજીવનમાં પ્રેમ, હૂંફ, લાગણી, વિશ્ર્વાસનો એકબીજા પ્રત્યેનો અભાવ જ આવા લગ્નેતર સંબંધને જન્મ આપે છે.
પતિ-પત્નીએ એકબીજાને જાણવા-સમજવાની જરૂર છે. એકબીજાની ખુશીમાં તમે બોરીંગ થાવ તો પણ નવું નવું શોધીને એકબીજાનો સહારો બનો એ જ લગ્નની ઉત્તમ દિનચર્યા હોય શકે. આપણને ઘણીવાર પ્રશ્ન થાય કે લગ્નેત્તર સંબંધો બાંધવા સ્ત્રી-પુરૂષની એવી કઇ મજબૂરી હશે ? જો કે આ સંબંધોમાં દરેકની જુદી-જુદી પરિસ્થિતિ અને સંજોગો હોય છે. આજે પતિ-પત્નીના મગજમાં સ્ત્રીના મગજમાં અન્ય પુરૂષનો ચહેરો ને પુરૂષના મગજમાં અન્ય સ્ત્રીનો ચહેરો અંકિત થયેલો હોય છે. આજના યુગમાં અસંતોષની આગ લગભગ દરેક જગ્યાએ લાગેલી હોય છે, ક્યાંય ભડકો તો ક્યાંક ધૂમાડા જોવા મળે જ છે.
પતિ-પત્ની જ્યારે એકબીજાની વાતોમાં સહમત ન થતા હોય ત્યારે પ્રારંભે ઝઘડો ને પછી જ્યાં પ્રેમ મળ્યો ત્યાં ઢળી જતા નવા સંબંધનો ઉદય થાય છે. સ્ત્રીના જીવનમાં ઘણા એવા કારણો હોય છે કે સ્ત્રીને આવા સંબંધો રાખવા મજબૂર કરે છે. ઘણીવાર ઉંમરમાં વધુ તફાવત હોય, પહેલા પ્રેમની મધુર યાદો, પતિ-પત્ની વચ્ચેના મતભેદો પતિનું સાથે ન રહેવું, પૈસાનો પ્રેમ-પતિ સામે બદલાની ભાવના, શારીરીક સંબંધમાં અતૃપ્તી વિગેરે જેવા ઘણા કારણો ને કારણે સ્ત્રી અથવા પુરૂષ આવા સંબંધો તરફ ઢળે છે.
એકાંત કે એકલતા પણ ક્યારેક આવા સંબંધોને આમંત્રણ આપે છે. પતિ કામ-ધંધાને કારણે વધુ સમય બહાર રહેતો હોવાથી કે એકલી રહેતી કે ત્યક્તા-વિધવા કે પતિ સાથે ઝઘડીને પરત આવેલી સ્ત્રીઓને એકલતા કોરી ખાતી હોય છે, ત્યારે આવા સંજોગોમાં કોઇકનો સહવાસ ઝંખે છે. જેમાંથી આવા સંબંધો ઉદ્ભવે છે. ઘણીવાર પતિ સાથે બદલો લેવાની ભાવનાથી પણ અન્યો સાથેના સંબંધો બંધાતા જોવા મળે છે. શરીર સુખની અતૃપ્તી પતિને કહી પણ શકતી નથી. તેથી તેને પૂર્તિ મેળવવા અન્યોનો સહવાસ મેળવતા આ સંબંધો નિર્માણ થાય છે. આવી ઘટના આજકાલ વિશેષ જોવા મળી રહી છે.
બંને વચ્ચેના અણ બનાવ પણ ત્રીજી વ્યક્તિના આગમનનું કારણ બની શકે છે. કંટાળા બાદ સમય પસાર કરવા જ બાંધેલા સંબંધો કાયમી સ્વરૂપ ધારણ કરી લે છે. જીવનનો પ્રથમ પ્રેમ સ્ત્રી ક્યારેય ભૂલી શકતી નથી. ઘણીવાર આવી વાતોને કારણે પતિ-પત્ની ઔર ‘વો’નો સિલસિલો ચાલુ થઇ જાય છે. આજે ઘણી નાની ઉંમરની પરિણિત સ્ત્રીઓ મોટી ઉંમરના પુરૂષો સાથે માત્ર મોજ-શોખ પૂરા કરવા જ સંબંધો બાંધતી જોવા મળે છે. પતિ-પત્ની વચ્ચેની ઘણી ઉણપો ‘લફરા’નું મુખ્ય કારણ હોય છે. સુપ્રિમ કોર્ટે પણ એડલ્ટરી (વ્યભિચાર) ગુનામાં સુધારો કર્યો છે કલમ 497 ને અસંવૈધાનિક ગણાવી હતી. આજે લગ્ન કરેલો પુરૂષ લગ્ન કરેલ સ્ત્રી સાથે સહમતી સંબંધ બાંધીને આવા સંબંધોને ચલાવી રહ્યો છે.
સરસ રીતે ચાલતા લગ્ન જીવન પછી પણ આવા લગ્નેત્તર સંબંધો બંધાય ત્યારે પતિ-પત્ની બંને નો વાંક કાઢી શકાય, એ બંને વચ્ચે ઘણી તિરાડો જો સમયસર બુરાઇ ગઇ હોય તો, એક બીજાની ‘સમજ’ થી તો આ દિવસો આવે જ નહીં, તેથી ઘણીવાર આવી ઘટના નિર્માણમાં બંનેનો વાંક જોવા મળે છે, પણ જ્યારે સમજાય છે ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. કારણ કે બંને આવા સંબંધોની ગાડીમાં પૂરપાટ દોડવા લાગ્યા હોય છે.
સામે વાળી વ્યક્તિ તમને સાચો પ્રેમ કરે છે ?
આપણી લગ્નપ્રથા શ્રેષ્ઠ છે. સોળ સંસ્કારો પૈકી આ એક સંસ્કારથી બે વિજાતિય પાર્ટનર ભેગા થઇને સાથે રહીને વંશ વેલો આગળ વધારે છે. આજકાલના નવા યુગમાં માનવીની જરૂરીયાત, લાગણી, માંગણી વિગેરે ન સંતોષતા છૂટા-છેડાના પ્રશ્નો વિકટ બન્યા છે, ત્યારે સામે વાળી વ્યક્તિ તમને સાચો પ્રેમ કરે છે કે નહીં કે બીજા કારણોસર આ સંબંધો રાખે છે, તે તમો લિવ-ઇનમાં જોઇ શકો છો. કેટલાક લોકો માત્ર ફિઝીકલ થવા જ માત્ર લગ્નથી જોડાતા હોવાથી પણ આગળ જતાં જુદા થઇ જાય છે. એક લાઇફ પાર્ટનરને સારો રૂમ પાર્ટનર પણ જોઇએ છે.