ફેઇઝ -૩માં રસ્તાના કામો પ્રગતિમાં અને બાકી રહેલા કામ ઝડપભેર આગળ ધપાવવા ચેરમેનની સૂચના: કુલ પાંચ બ્રિજ બનાવવા ટેન્ડર ખોલવાની પ્રક્રિયા હાથ ધરાઈ
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા)ના ચેરમેન ઉદિત અગ્રવાલે રાજકોટ શહેરની બહાર કાલાવડ રોડથી ગોંડલ રોડ અને ગોંડલ રોડથી ભાવનગર રોડને જોડતા રિંગ રોડ-૨ ના ચાલુ કામો અને હવે હાથ ધરવાના કામો સંદર્ભે આજે રિંગ રોડ-૨ ની સાઈટ વિઝિટ કરી હતી અને સ્થળ પર જ કામોની પ્રગતિની સમીક્ષા કરી હતી.
આ સાઈટ વિઝિટ વિશે વાત કરતા ચેરમેન ઉદિત અગ્રવાલે એમ જણાવ્યું હતું કે, રિંગ રોડ-૨ ઉપર હાલ ફેઇઝ-૨ અને ફેઇઝ-૩ના કામો ગુણવત્તાસભર થાય અને નાગરિકોને વિશેષ પરિવહન સુવિધા ઉપલબ્ધ થાય તેવા હેતુથી યોજાયેલી આ સાઈટ વિઝિટ દરમ્યાન રિંગ રોડના આ કામો ઝડપભેર પરિપૂર્ણ કરવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવેલ છે.
ચેરમેને વિશેષ માહિતી આપતા એમ કહ્યું હતું કે, રિંગ રોડ-૨ ના કાલાવડ રોડથી ગોંડલ રોડને જોડતા ૧૧.૨૦ કિમી. લંબાઈના ફેઇઝ -૨ માં રસ્તાના કામો મહદ અંશે પૂર્ણ કરી લેવામાં આવેલ છે. જ્યારે આ ફેઇઝમાં કુલ ત્રણ બ્રિજ આવે છે જે પૈકી એક બ્રિજનું કામ પૂર્ણ થયું છે ને અન્ય બે બ્રિજનું કામ ચાલુ છે.
જ્યારે રિંગ રોડ-૨ ના ગોંડલ રોડથી ભાવનગર રોડને જોડતા ૪.૫ કિમી. લંબાઈના ફેઇઝ -૩ માં રસ્તાના કામો ચાલુ છે. બાકી રહેલા કામ ઝડપભેર આગળ ધપાવવા સૂચના અપાયેલ છે. જ્યારે આ ફેઇઝમાં કુલ પાંચ બ્રિજ બનાવવાના થાય છે અને તેના ટેન્ડર ખોલવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ઉપરોક્ત તમામ કામોમાં શ્રેષ્ઠ ગુણવત્તા જાળવી રાખવા અને ઝડપથી કામ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવેલ છે તેમ પણ ચેરમેને જણાવ્યું હતું.
ચેરમેનની આ સાઈટ વિઝિટ દરમ્યાન “રૂડાના મુખ્ય કારોબારી અધિકારી ચેતન ગણાત્રા, પ્રોજેક્ટ ડાઇરેક્ટર બી. એમ. મારૂ, અન્ય સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પણ સાથે રહયા હતાં.
વિશેષમાં આજે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના કામો અર્થે પણ કેટલાક સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં વોર્ડ નંબર-૧૮માં કોઠારિયા ચોકડી પાસે એનિમલ હોસ્ટેલમાં કેટલ શેડના એક્સટેન્શન માટેના કામ અંગે કમિશનરે ત્યાંની સાઈટ વિઝિટ કરી હતી. આ ઉપરાંત વેલનાથ, જડેશ્વર વિસ્તારમાં કરવાના થતા સ્લેબ કલવર્ટના કામ તેમજ વોર્ડ નંબર-૪મા રાધા-મીરાં પાર્કના રસ્તા મેટલના કામ બાબતે સાઈટ વિઝિટ કરી હતી. કમિશનરની આ સાઈટ વિઝિટ દરમ્યાન ડેપ્યુટી કમિશનર ચેતન ગણાત્રા, એડી. સિટી એન્જી. એચ.યુ.દોઢિયા તથા અન્ય સંબંધિત અધિકારી પણ સાથે રહયા હતાં.