- રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો નાસી છુટ્યા
સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરના ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરની મધ્યમાં જીનતાન રોડ પર આવેલ આનંદ પાર્કના એક રહેણાંક મકાનમાં તસ્કરો દ્વારા મકાનનું તાળુ તોડી રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલની ચોરીનો બનાવ બનતા ભોગ બનનાર મકાન માલીકે બી-ડિવીઝન પોલીસ મથકે ચોરી અંગેની ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના જીનતાન રોડ પર આવેલ આનંદ પાર્ક-ર માંરહેતા ફરિયાદી મનનભાઈ ફિરોજભાઈ જીંદાણી અને પરિવારજનો પોરબંદર ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા તે દરમ્યાન ફરિયાદીના બંધ મકાનનું તાળુ તોડી તસ્કરો દ્વારા મકાનના કબાટનું પણ લોક તોડી તેમાં રહેલ રોકડ રકમ રૂા. 72,297 તેમજ સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂા.97,297ની ચોરી કરી નાસી છુટ્યા હતા.
જે અંગેની જાણ ફરીયાદીને બહારગામથી પરત આવતા થઈ હતી આથી મકાનમાં તસ્કરો દ્વારા ચોરી અંગે બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે બીજીબાજુ તસ્કરોને શિયાળામાં મોકળું મેદાન મળી જતા ઘરફોડ ચોરીના બનાવો વધ્યા છે.
ત્યારે શહેરની મધ્યમાં જીનતાન રોડ વિસ્તારમાં ચોરીનો બનાવ બનતા અન્ય રહિશોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે અને પોલીસ દ્વારા આ વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.